કેટલી જાતની 'નોટ' ?!

એક રૂઢિપ્રયોગ છે : ‘આ તો નોટ છે, યાર !’ આવું કોઈ ખાસ ટાઈપની વ્યક્તિની સામે અથવા પીઠ પાછળ કહેવામાં આવે છે.
પણ આવી ‘નોટો’ કેટલા પ્રકારની હોય છે ? નોંધી રાખજો.

*** 

ચલણી નોટ :
આ એવી વ્યક્તિ છે જે, સાદા શબ્દોમાં કહીએ તો બહુ ‘ચાલુ’ છે ! એ કરન્સી નોટની માફક ગમે ત્યારે ગમે તેના હાથમાંથી સરકીને બીજાના હાથમાં જઈ શકે છે ! સાવધાન !

*** 

બાધી નોટ :
આ ક્યાંય જતી નથી ! એટલું જ નહીં, એ બધેથી એવી ને એવી પાછી આવે છે ! અહીં એવી વ્યકિતની વાત છે જે ૧૦૦૦ કે ૨૦૦૦ની નોટ જેવી છે. કેમકે સામેવાળો તેને ‘છૂટ્ટા નથી આગળ જાવ’ કહીને રવાના કરી દે છે ! ટુંકમાં… નામ બડે ઔર દર્શન ખોટે.

*** 

મોટી નોટ :
બાઘી નોટ અને મોટી નોટ વચ્ચેનો ફરક સમજી લો… જે મોટી નોટ હોય છે એ હંમેશાં મોટું જ વિચારે છે, એટલે જ્યારે ‘કરી નાંખવાનો’ ચાન્સ મળે ત્યારે બહુ મોટું કરી નાંખશે ! બાધી નોટની જેમ પાછી નહીં આવે.

*** 

ફાટેલી નોટ :
આને ‘નુકસાની નોટ’ પણ કહે છે. આવી વ્યક્તિની નુકસાની ઝટ નજરે ચડતી નથી ! પરંતુ જો તમારી આસપાસમાં હોય તો ગમે ત્યારે ગળે પડશે ! એટલે જ એનાથી છૂટકારો મેળવવો એ પણ એટલો જ અઘરો કેસ છે !

*** 

સાંધેલી નોટ :
તમે ગુંદરપટ્ટી વડે સાંધેલી નોટ જોઈ છે ને ? બસ, અમુક વ્યક્તિમાં આ ગુણ આંખે ઊડીને વળગે તેવો હોય છે ! એના દિમાગમાં પાવલી ઓછી હોય છે, એની પતંગમાં કિન્ના ખોટી હોય છે અને નસીબના પડિયામાં કાણું હોય છે !

*** 

જુની નોટ :
આમ જોવા જાવ તો આજકાલના વડીલો જુની નોટ જેવા જ છે ! એમની કશી વેલ્યુ ના હોય તો પણ સાચવી રાખવા પડે છે કેમકે એમની ઓળખ ‘એન્ટિક પીસ’ તરીકેની જ રહી ગઈ છે.

*** 

કડકડતી નોટ :
કોઈપણ ફિલ્ડમાં નવી નવી આવેલી વ્યક્તિ ! નવો બોસ, નવો બોયફ્રેન્ડ કે નવો નવો બનેલો મિનીસ્ટર…

***

- મન્નુ શેખચલ્લી

Comments