અમેરિકાએ આપણા દેશીઓને હાથમાં હાથકડી અને પગમાં ‘પગકડી’ બાંધીને આર્મીના વિમાનમાં અહીં લાવીને ઉતારી મુક્યા.
ટિકીટના પૈસા પણ ના લીધા ! જોકે હા, પંજાબીઓને પીવા માટે દારૂ અને ગુજરાતીઓને ખાવા માટે ખાખરા ના આપ્યા.
એમને જે અનુભવો થયા છે એ વાંચી સાંભળીને લાગે છે કે આપણે ત્યાં નવી ટાઈપની ટ્રાવેલ એજન્સીઓ ખૂલવી જોઈએ…
***
મેક્સિકન પેકેજ
(૫૫ લાખ રૂપિયા)
ટોટલ ચાર દેશોની વિઝીટ ! જેમાં ઇટાલીમાં ઇટાલિયન પિત્ઝા, સ્પેનમાં સ્પેનિશ પાસ્તા, હંગેરીમાં હંગેરીયન હોટ-ડોગ, મેક્સિકોમાં મેક્સિકન પાસ્તા… અને અમેરિકન બોર્ડર ઉપર પોલીસના ડંડા ખાવા મળશે !
રાતના અંધારામાં બોર્ડર ક્રોસ કરવાની ટ્રેનિંગ ફ્રીમાં મળશે.
***
ગ્રેટ એડવેન્ચર પેકેજ
(૭૫ લાખ રૂપિયા)
આમાં ‘ડંકી’ મુવીમાં શાહરૂખ ખાને જ્યાં જ્યાં શૂટિંગ કર્યું છે તે તમામ ટુરિસ્ટ સ્પોટ બતાડવામાં આવશે ! (અહીં ગાઈડ પણ હશે.)
ત્યારબાદ ખતરનાક પનામાનાં જંગલોમાં કેમ્પિંગ, કેનેડાની બર્ફીલી પહાડીઓમાં માઉન્ટેનટરીંગ તથા કેનેડીયન બોર્ડર ઉપર માઈનસ ૩૦ ડીગ્રી ઠંડીમાં સ્નો-સર્ફીંગ તેમજ ‘ચોર-પોલીસ’ની ગેઈમ્સ રમાડવામાં આવશે !
***
લાઈફ-ટાઈમ ફેમિલી પેકેજ
(૪ કરોડ રૂપિયા)
આમાં તમારા આખા પરિવારને કેનેડાની બોર્ડર પર માઈનસ ૩૫ ડીગ્રી ઠંડીમાં ‘સેલ્ફ-એડવેન્ચર’ માટે છૂટા મુકી દેવામાં આવે છે ! તમે ઠંડીમાં ઠૂંઠવાઈને મરી જાઓ ત્યાં સુધી તમે તમારા પોતાના વિડીયો બનાવી શકો છો ! (એટલે જ આને ‘લાઈફ-ટાઈમ’ પેકેજ કહીએ છીએ.)
***
ઇન્સ્ટન્ટ નાગરિકતા પેકેજ
(૨૦ હજાર રૂપિયા)
બોર્ડર ક્રોસ કરાવવી, રહેવાની પાકી ગોઠવણ, રોજગારીની ગેરંટી, મતદાર કાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડ… સોરી, સોરી, આ તો બાંગ્લાદેશીઓ માટેનું પેકેજ છે ! આપણે અમેરિકાનું ફોકસ રાખો, ઇન્ડિયાનું નહીં….
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment