આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો છે. પરંતુ એ છોડો, ત્યાં પ્રયાગરાજના મહાકુંભમાં શું ચાલી રહ્યું છે એ જુઓ…
***
મેરઠ જેવા નાના શહેરના એક નાના અખબારનો પત્રકાર કુંભમેળાનું રિપોર્ટીંગ કરવા માટે પ્રયાગરાજમાં ફરી રહ્યો હતો.
એક ઇન્ક્વાયરી બૂથ પાસે જઈને એણે પૂછ્યું :
‘ભાઈ સાહેબ, થોડા દિવસ પહેલાં અહીં જે ધક્કા-મુક્કી થઈ હતી એમાં કેટલાનાં મૃત્યુ થયાં અને કેટલા ઘાયલ થયા ? કોઈ ફાઈનલ આંકડો મળશે ?’
બૂથની બહાર સૂટ પહેરીને ઊભેલા એક માણસે પોતાની ટાઈ સરખી કરતાં કહ્યું : ‘લખી લો… મારા આંકડા સચોટ જ હોય ! એ ઘટનામાં કુલ ૬૭ થી ૮૯ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં ૩૯થી ૪૪ પુરુષો અને ૪૨થી ૫૩ મહિલાઓ છે…’
‘આ વળી કેવા આંકડા છે ?’
'હજી આગળ સાંભળો. ઘાયલોની સંખ્યા ૧૯૦થી ૩૪૨ છે જેમાં ૯૯થી ૨૦૩ પુરુષો અને ૧૬૯થી ૨૭૮ મહિલાઓ છે.'
પત્રકારને કંઈ ભરોસો બેઠો નહીં. તે ફરતો ફરતો આગળ ગયો. ત્યાં એને બીજું એક ઇન્કવાયરી બૂથ દેખાયું. એ બૂથની બહાર ટેબલ નાંખીને એક જાડા ચશ્માવાળો સિરીયસ ચહેરાવાળો માણસ બેઠો હતો. તેણે કહ્યું :
‘મારી પાસે સંપૂર્ણપણે સાયન્ટિફીક ડેટા છે ! આ ઘટનામાં કુલ ૪૭ થી ૫૮ થયાં છે. જેમાં ૧૭ થી ૨૭ પુરુષો, ૩૨થી ૪૨ સ્ત્રીઓ અને ૩થી ૫ અન્ય છે.’
‘અન્ય ?’ પત્રકાર ચોંકી ગયો.
‘અરે, ઘાયલોની સંખ્યા સાંભળીને તો તમે વધારે ચોંકી જશો ! કુલ ૯૮૦થી ૨૦૨૦ વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જેમાં ૪૩૯થી ૮૪૨ પુરુષોં, ૮૪૨થી ૧૨૪૪ સ્ત્રીઓ અને અન્યમાં -’
પત્રકાર બગડ્યો. ‘અરે શું બકવાસ આંકડાઓ ઉછાળે રાખો છો ? કોણ છો ? તમે લોકો ?’
પેલો કહે છે : ‘અમે લોકો એક્ઝિટ પોલના નિષ્ણાતો છીએ ! અમે કહ્યું હતું કે દિલ્હીમાં 'આપ' ૪૨ થી ૫૨ સીટો ઉપર જીતશે ! હવે રિઝલ્ટ પછી અમને ગાળો ના પડે એટલા માટે અહીં આવીને સંતાયા છીએ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment