અમુક ફિલ્મી ગાયનો એવાં હોય છે કે જેને આપણે કદી સિરીયસલી લીધાં જ નથી હોતાં ! જો એની એક એક લાઈનનું પ્રોપરલી ડિસેક્શન કરો તો જ ખબર પડી કે કવિ કેવી મોટી ચલાવી ગયા હતા !
***
‘તેરી આંખ કે આંસુ પી જાઉં
ઐસી મેરી તકદીર કહાં…’
જસ્ટ વિચાર કરો, કવિનો ઇરાદો શું છે ? આઈ મિન, એ પેલી છોકરીના આંસુ શી રીતે પીવાનું પ્લાનિગ કરીને બેઠો છે ? શું છોકરીના ગાલ ઉપર સ્ટ્રો (ભૂંગળી) મુકીને આંસુ પીવાનાં છે ?
કે પછી જાણે પેલી બિચારી એકસામટું રડીને ૧૫૦-૨૦૦ એમએલ આંસુ પેપરકપમાં ભરીને કવિને હાથોહાથ આપવા જવાન હતી ?
કેમકે કોઈ ડોક્ટરે કહ્યું હોય કે ‘જુઓ કવિ, છાતીમાં દુઃખાવો સતત રહેતો હોય તો પ્રેમિકાનાં આંસુ સવારે બે ટીપાં અને સાંજે બે ટીપાં ભૂખ્યા પેટે લેવાનું રાખજો !’
હકીકતમાં આમાંથી એકપણ સિચ્યુએશન છે જ નહીં ! મૂળ તો કવિ એ બહાને પેલીના ગાલ પર કીસ કરવા માગે છે ! બદમાશ…
***
‘ક્યા તેરી જુલ્ફ કા પહેરા
હૈ અબતક વહી સુનહરા
ક્યા અબતક તેરે દર પે
દેતી હૈં હવાએં પહેરા
લેકિન હૈ યે ખ્વાબ ખયાલી
તેરી જુલ્ફ બની હૈ સવાલી.’
હવે તો બોસ, આપણને ક્લિયરલી ડાઉટ પડે કે કવિનો ઓરિજીનલ ધંધો શું છે ? શું એ કોઈ બ્યુટિ પાર્લરમાં હેર-સ્ટાઈલિસ્ટ તો નથી ?
કેમકે તમે જુઓ, એ પૂછે છે કે શું મેં તારા વાળમાં જે ગોલ્ડન કલરની ડાઈ કરી આપી હતી એ હજી છે કે ધોવાઈ ગઈ ?
આગળ પૂછે છે કે વાળ સૂકવવા માટે મેં જે ‘બ્લોઅર’ આપ્યું હતું (ગિફ્ટમાં) એ હજી બરોબર ચાલે છે કે બગડી ગયું ?
ટુંકમાં કવિને પેલા વાળ વિશે જે સવાલો થયા કરે છે ! આટલા સવાલોના જવાબો જો બારમાની એક્ઝામ વખતે સરખા આપ્યા હોત તો આ ધંધામાં ના આવવું પડ્યું હોત ને ?
***
‘મોહતાજ હૈ એક કલી કી
જો થી કભી ફૂલોંવાલી’
અહીં તો સ્પષ્ટ છે કે કવિ હવે વાળનો ધંધો છોડીને ફૂલોની દુકાન પર બેસી જવાના છે ! કેમકે એમને ‘બ્રેકિંગ ન્યુઝ’ મળ્યા છે કે છોકરીના માથામાં નાખવા માટે ફૂલોની વેણી તો શું, એક કળી પણ મળતી નથી !
તમે જોજો, ટુંક સમયમાં એ છોકરીની ગલીમાં આંટા મારતા હશે ‘એ વેણી લઈ લો વેણીઈઈઈ…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment