વિપક્ષો ભલે લોકસભામાં હોબાળો કરતા રહે કે સરકાર કુંભમેળામાં થયેલાં મૃત્યુનો આંકડાઓ છૂપાવી રહી છે. પરંતુ કુંભમેળાના અમુક ‘ફેક-ન્યુઝ’ હવે છુપાવી શકાય તેમ નથી ! તમે પણ માણો આ મનોરંજન…
***
મોટી ખબર આવી રહી છે પ્રયાગરાજથી… અહીં ૧૪૪ વરસે રચાયેલા સંયોગમાં જે કુંભમેળો આયોજિત થઈ રહ્યો છે તેમાં એક ચોંકાવનારી અ-સંયોગિક ઘટના બહાર આવી છે.
જો ઘટનાની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે આ ઘટના આપણા ગુજરાત રાજ્ય સાથે સીધી રીતે સંકળાયેલી છે, જેમાં ઘણા ગુજરાતીઓની સંદિગ્ધ સંડોવણી બહાર આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના કુંભમેળામાં કેટલાક નકલી સાધુઓ… જી હા, નકલી સાધુઓ મળી આવ્યા છે ! વધુ તપાસ કરતાં જણાયું છે કે આ તમામ સાધુઓ ગુજરાતી છે !
નકલી સાધુઓને ઝડપી લેનાર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યાં નકલી પોલીસ, નકલી ટોલનાકાં, નકલી સીબીઆઈ તથા આખેઆખી નકલી સરકારી કચેરી હોઈ શકે છે ત્યાંથી નકલી સાધુબાવા ન આવે તો જ નવાઈની વાત હોઈ શકે છે.
નકલી સાધુબાવાઓ નકલી જ છે તેવી શંકા શી રીતે પડી… એવું પૂછતાં પોલીસે જણાવ્યું હતું કે તેઓની હિન્દી ભાષા શંકાસ્પદ લાગી હતી. વિગતવાર કહીએ તો આ લોકો ગુજરાતના ‘પૂર્વ મુખ્યમંત્રી’ જેવું હિન્દી બોલતા હતા !
આ ઉપરાંત તેઓ વારંવાર પોતાના મોબાઈલમાં સતત શેરબજારની ચડ-ઉતર ઉપર નજર રાખી રહ્યા હતા. એટલું જ નહીં, વિના મુલ્યે ભોજન પીરસાતા ભંડારાઓમાં જઈને તેઓ એવું પૂછતા જણાયા હતા કે અહીં ઢોકળાં, થેપલાં, ઉંધીયું તથા ગાંઠીયા કેમ પીરસતા નથી.
તમને જણાવી દઈએ કે આ ગુજરાતીઓ, જેમને શેરબજારમાં મોટી ખોટી થવાને કારણે બાવા બનવાનો નિર્ણય લીધો હતો. તેઓ હવે બજારમાં ફરી તેજી આવતાં જ પુનઃ ફરીથી સંસારી બનવાનું વિચારી રહ્યા છે…
- વધુ મનોરંજન માટે જોતા રહો અમારી ‘ફેક-ન્યુઝ’ ચેનલ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment