અમારા માણેકપોર ગામના દીનુ ઉર્ફે દિનેશના નસીબમાં સાવ પટાવાળાની નોકરી તો નહોતી જ ! જો દિનેશે બી.એ.ના ફાઈનલ યરમાં વધુ બે વરસ મહેનત કરી હોત તો એ કદાચ બીજી કોઈ સારી નોકરી કરતો હોત.
જોકે બી.એ.ના સેકન્ડ યરમાં એક વાર અને ફાઈનલ યરમાં વધુ એક વાર ફેલ થવાનું કારણ બહુ સુંદર હતું ! એ સુંદર કારણનું નામ હતું : કુસુમ !
આ કુસુમ રહેતી હતી રાનકુવા ગામમાં અને રોજ તે ચીખલીમાં નવી ખુલેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ભણવા માટે એસટી બસમાં બેસે. એજ બસમાં આગળ જાય ત્યાં માણકેપોર ગામેથી આપણો દિનેશ બસમાં ચડે !
બસ આમાંને આમાં બંને વચ્ચે થઈ ગયો ‘લવ’ ! પરંતુ જે જમાનામાં ફિલ્મોમાં પણ ખાસ ‘લવ-મેરેજ’ થતાં નહોતાં એ ટાઈમે આ મેરેજ પણ મુશ્કેલ હતાં. દિનેશ વારંવાર કુસુમને કહેતો :
‘મારી માંય (મા) તો ગમે તેમ કરીને માની હો જાય, ભલે તે ચાર ચોપડી જ ભણેલી, પણ મારો પપ્પો નીં માને ! તે ભણેલો-ગણેલો ધજમજેનો બી.કોમ. થેલો (થયેલો), હુરતમાં બેન્કની નોકરી કરે, તોબી તે નીં માનહે ! તે તો એમ કે’તો છે કે જો આ વખતે બી તું નપાસ થિયો તો તને મારી બેન્કમાં પટ્ટાવાળી નોકરીમાં બેહાડી દેવા !’
જવાબમાં કુસુમ પણ બળાપો કાઢતી કે ‘જવા દેનીં ? મારો બાપ હો છ ચોપડી ભણેલો દરજી ! તોબી તેને હમજાવે તો માને… પણ મારી મમ્મી મોટી માસ્તરાણી ખરી કેનીં ? તે સુરતની નિહાળમાં પોયરાં ભણાવે, પણ તારી હાથે લગન હારુ તો નીં જ માનહે !’
‘એની માંય ને… તો કરવાનું હું ?’
આ સવાલનો જવાબ જાણે છેક મુંબઈથી આવવાનો હોય તેમ અમારા માણેકપોર ગામનો સુધીર પંચાલ, જે મુંબઈમાં વકીલાતનું ભણતો હતો તે ક્રિસમસ વેકેશનમાં ગામડે આવ્યો.
એલએલબીના ફાઈનલ યરમાં પહોંચેલા સુધીરને કાયદાની કલમોની પુસ્તકીયા જાણકારી તો હતી જ ને ? તેણે કહ્યું :
‘તમારાં બન્નેના માય-બાપને લાખોનીં તડકે ? મે તમુંને કોર્ટ-મેરેજ કરાવી આપું ! એક વાર તમારી પાંહે સરકારી મેરેજ સર્ટિ આવી ગિયું પછી દુનિયાં ઝખ મારે !’
‘ઓહોહો ! જાણે એક હાથમાં સર્ટિ ને બીજા હાથમાં કુસુમને લેઈને આવા, તો જાણે મારો પપ્પો મને ઘરમાં પેંહવા (પેસવા) દેહે કે ?’
સુધીર એલએલબી પાસે એનો પણ તોડ હતો. તેણે કહ્યું ‘મરેજ કરીને તમે નાહી જાઓ ! (નાસી જાઓ) ‘બોબી’ પિચ્ચરમાં રીશી કપૂર અને ડિમ્પલ કાપડીયા ઘર સે ભાગ જાતે હૈં… તેમ !’
બાય ધ વે, વાચકોને જણાવી દઈએ કે હિન્દી સિનેમાના આખા ઇતિહાસમાં ‘બોબી’ એવી પહેલી ફિલ્મ હતી જેમાં છોકરો-છોકરી ઘરેથી ભાગી જાય છે. એટલે આ ‘બોબી’વાળી દલીલ બંને અસીલોને ગળે ઉતરી ગઈ.
પણ ભાગવું શી રીતે ? તો એનો મોકો પણ થોડા જ દિવસોમાં સામે ચાલીને આવી પહોંચ્યો. એક દિવસે દિનેશે કુસુમને કહ્યું :
‘મારો પપ્પો અઠવાડીયા માટે મુંબઈ જવાનો છે. એમની બેન્કમાંથી ટ્રેનિંગ આવેલી છે.’
આ સાંભળતાં જ કુસુમ પણ ઉછળી પડી. ‘મારી મમ્મી હો હાત દા’ડા માટે ઉત્તર ભારતના પ્રવાસે જવાની છે… કાશી, મથુરા, વૃન્દાવન, દિલ્હી, આગ્રા… બધી લેડીસ-લેડીસની ટુર છે.’
આ લાગ જોઈને સુધીર એલએલબીએ વધુ એક લિગલ એડવાઈઝ આપી : ‘લગન પછી તમે બંને હનીમૂન કરવા હારુ મહાબળેશ્વર ઘમી ફરી આવોંની? તમારાં માંય-બાપ પાછાં જો આવી પૂઈગાં (પહોંચ્યા), પછી આ’વો લાગ મલે…? નીં હો મલે !’
બસ, પછી તો પૂછવું જ શું ? જે દિવસે દિનેશનો પપ્પો અને કુસુમની મમ્મી બહારગામ ગયાં એના બીજ જ દિવસે આપણાં પ્રેમી પંખીડાં પેલી સુધીર એલએલબી સાથે પહોંચી ગયા વલસાડની સિવિલ કોર્ટમાં !
એટલું જ નહીં, ચીખલીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આ ‘લવ-મેરેજ’ની ઉત્તેજના એટલી જબરદસ્ત ફેલાઈ ગયેલી કે બે ડઝન કોલેજિયન છોકરાઓ અને અડધો ડઝન છોકરીઓ પણ કોલેજમાંથી ગુટલી મારીને વલસાડ પહોંચી હતી. કોઈએ હારતોરાની વ્યવસ્થા કરેલી તો કોઈએ પેંડાની.
જોકે સૌથી શુભ કામ આ કોલેજિયનોએ એ કરેલું કે ‘કન્યાદાન’ તથા ‘ચાંલ્લા’ પેટે સૌએ યથાશક્તિ (વીસ રૂપિયાથી લઈને સવા સો રૂપિયા) ફાળો લખાવ્યો ! જેથી નવદંપતિ મહાબળેશ્વરમાં જઈને મજાથી હનીમૂન માણી શકે.
બધું સમુંસુતરું પાર ઉતર્યું. દિનેશ અને કુસુમ મહાબળેશ્વરમાં જે સસ્તી હોટલમાં જઈને રોકાયા એનું નામ પણ ‘ન્યુ હનીમૂન હોટલ’ હતું ! કેમકે ત્યાં ઓલરેડી એક જુની અને થોડી જાણીતી ‘હનીમૂન હોટલ’ હતી જ.
આમ નવાં નવાં પરણેલાં દિનેશ-કુસુમ જુના કવિઓ કહેતા તેમ ‘આકાશ-કુસુમવન’ પ્રેમની ઉજવણી કરવા લાગ્યાં. આમ ને આમ બે દિવસ (તથા બે રાત) વીતી ગઈ.
તમને થતું હશે કે આ બિચારાં ભલે અહીં સ્વર્ગનું સુખ માણતાં હશે પરંતુ જ્યારે પાછાં ઘરે પહોંચશે ત્યારે જ ખરી રામાયણ શરૂ થવાની છે ! પણ ના… મહાભારત તો અહીં મહાબળેશ્વરમાં જ શરૂ થવાનું હતું !
બન્યું એવું કે એક સાંજે મહાબળેશ્વરના પેલા ફેમસ મેદાન જ્યાં બબ્બે રૂપિયામાં ઘોડેસવારીને એક રાઉન્ડ ફરવા મળતો હતો ત્યાં દિનેશે એક રાઉન્ડ મારી લીધો પછી કુસુમને કહ્યું :
‘તું હો બેહનીં ! બો’ મઝા આવતી છે. જોઈએ તો ધીમે ધીમે જજે…!’
પેલી બાજુ કુસુમ ઘોડા પર બેસીને ટપ… ટપ… કરતી દૂર થઈ ત્યાં આ બાજુ કોઈ ઉત્સાહી ઘોડેસવાર અચાનક ઘોડા ઉપરથી ઉથલીને ભોંય પર પટકાયો ! ઘોડાની તીવ્ર હણહણાટી અને એથી પણ તીવ્ર પેલા ટુરિસ્ટની ચીસો સાંભળીને ત્યાં ટોળું ભેંગુ થઈ ગયું.
ટોળામાંથી ‘અરેરે… અરેરે…’ના ચિત્કારો સંભળાયા એટલે દિનેશ પણ કૂતૂહલથી ટોળામાં ઘૂસ્યો. અંદર જઈને જુએ છે તો… આ કોણ ?
દિનેશના છક્કા છૂટી ગયા ! કેમકે ઘાયલ થઈને ભોંયે પટકાયેલો ટુરિસ્ટ બીજો કોઈ નહીં પણ દિનેશનો ‘પપ્પો’ હતો !
દિનેશ ભડક્યો : ‘પપ્પા અહીં કાંથી આવી પોંઈચા ?’
પપ્પાની નજર પોતાના દિકરા ઉપર પડે એ પહેલાં દિકરો ટોળામાંથી છટક્યો ! સાલું, બાપો ક્યાંક મને જોઈ તો નહોતો ગયો ને ?
પણ આવા ખુલ્લા મેદાનમાં સંતાવું ક્યાં ? દિનેશ કોઈ ઝાડની આડશ શોધતાં ભાગતો હતો ત્યાં કુસુમનો ઘોડો રાઉન્ડ પૂરો કરીને આવતો દેખાયો ! દિનેશે કહ્યું : ‘તું બીજો રાઉન્ડ માર નીં ? મેં જરી આવતો છું !’
દિનેશ ત્યાંથી છટકીને એક ચીકીની ઊંચી સરખી પૈડાંવાળી દુકાન પાછળ ભરાયો ! હજી તે ટેન્શનમાં હતો કે પપ્પો તેને શોધી કાઢશે તો જવાબ શું આપવો ?
ત્યાં તો કુસુમ તેને શોધતી શોધતી અહીં દોડી આવી. આવતાંની સાથે તે બોલી : ‘મારી લાઈખા દિનેસ ! મારી મમ્મી અંઇયાં જ છે ! મેં તેને અમણાં જ જોઈ !’
‘હેં ?’ દિનેશનું મોં ખુલ્લુ જ રહી ગયું. આશ્ચર્યનો ઘૂંટડો ગળે ઉતાર્યા પછી તેણે કહ્યું : ‘મારો પપ્પો હો અંઈ જ છે ! પેલા ઘોડા પરથી ગબડી પઈડો તે જ મારો બાપ !’
બિચારાં નવાં નવાં પરણેલાં અને નવું નવું હનિમૂન કરવા આવેલાં પતિ-પત્ની ગભરાઈ ગયાં ! હવે કરવું શું ?
છતાં દિનેશે હિંમત કરી. ‘બતલાવ, તારી મમ્મી કાં છે ?’
કુસુમે જે મહિલા તરફ આંગળી ચીંધી તેને જોતાં જ દિનેશને ૪૪૦ વોલ્ટનો કરંટ લાગ્યો ! કેમકે તે, સરસ મઝાની ગુલાબી સાડી પહેરેલી મહિલા, દિનેશના ઘાયલ થયેલા પપ્પાને લંગડાતી ચાલે ચાલવામાં તેમનો ખભો બે હાથે ઝાલીને મદદ કરી રહી હતી !
‘હહરીનું આ વળી કેવું ?’ એવો વિચાર દિનેશને આવી રહ્યો હતો. તેને પહેલી નજરે તો આખો મામલો સમજાયો જ નહોતો.
મામલો ખરેખર એવો હતો કે દિનેશ જેને જોઈને ‘હહરીનું’ બોલી ઊઠેલો, તે ‘હહરી’ એટલે કે દિનેશની ‘સાસુ’નું દિનેશના પપ્પા જોડે જુનું સેટિંગ હતું !
વાત એમ હતી કે બંનેની નોકરી સુરતમાં ! બંને પોત-પોતાના ગામથી આ બસમાં આવે બિલીમોરા, અને ત્યાંથી રોજ ટ્રેનમાં કરે અપ-ડાઉન ! ટ્રેનના આ અપ-ડાઉનમાં જ બંનેના ડબ્બાનું ‘શન્ટિંગ’ થઈ ગયેલું !
એટલે જ બંનેએ પોત-પોતાના ઘરે ‘ટ્રેનીંગ’ અને ‘જાત્રા’ના બહાનાં કાઢીને આ મહા-બળેશ્વરનું મિનિ-હનિમૂન ગોઠવેલું !
મજાની વાત તો એ પણ હતી કે આ સિનિયર કપલ ઉતર્યું હતું પેલી ઓરિજીનલ ‘હનીમૂન હોટલ’માં !
આ બાજુ પપ્પાને ઈજાની કળ વળી અને પેલી બાજુ દિનેશને આઘાતની કળ વળી ! તેણે દૂરથી નજર નાંખીને જોયું તો પેલા બંને જણા ઘોડાગાડીમાં બેસીને જતાં દેખાયાં !
તરત જ દિનેશે બીજી ઘોડાગાડી કરી : ‘ઉન કા પીછા કરો !’
આમ જોવા જાવ તો અહીં હિન્દી પિકચર જેવી ઘોડાગાડીની ‘ચેઝ’ મુકી શકાય, પરંતુ મહાબળેશ્વરની બજારની ભીડમાં એવું શક્ય નહોતું. ખેર, જ્યારે પેલી ઘોડાગાડી ઓરિજીનલ ‘હનીમૂન હોટલ’ પાસે ઊભી રહી ત્યારે અડધો કલાક જવા દીધા પછી દિનેશે અને કુસુમે ત્યાં ‘છાપો’ માર્યો !
છાપો મારનાર દિનેશ પાસે તો ‘સર્ટિફીકેટ’ પણ હતું ! પરંતુ પેલા સિનિયર ‘વેવાઈ-વેવાણ’ પાસે ક્યાં કોઈ લિગલ દસ્તાવેજ હતા ?
આખરે પોત-પોતાના ગામડે પાછા ફર્યા પછી ઇજ્જતના ઢંઢેરા ના પીટાય એટલા ખાતર માંડવાળી થઈ કે ‘આ લગ્ન અમને મંજુર છે !’
પણ એમ કંઈ બધું છૂપું રહેતું હશે ? જતે દહાડે ઉડતી ઉડતી વાત બંને વેવાઈ-વેવાણને ઘરે પહોંચી જ ગઈ.
છેવટે સમાધાન એવું થયું કે દિનેશ એના પપ્પાની જ બેંકમાં પટાવાળીની નોકરીએ લાગી જાય… જેથી ‘અપ-ડાઉન’માં પપ્પા અને સાસુજી ઉપર નજર રહે !
જોયું ? આખા કિસ્સાની શરૂઆતમાં જ મેં તમને કીધું કે દિનેશ આમ તો વધારે સારી નોકરીને લાયક હતો. પણ…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Nice
ReplyDeleteGreat turning point
ReplyDeleteKashyap mehta
ReplyDeleteતેં તો ભાય,ખરી ભભકી મારેલી દેહું. દાદુ..
ReplyDeleteવાતનો ઉપાડ કરેલો એનાથી જ અંત! વાહ, અદભૂત સ્ટોરી ટેલિંગ સ્કીલ.. કિસ્સો પણ એટલો જ રોચક...!
ReplyDelete