મિડીયામાં તો સૈફ અલી ખાન ઉપર થયેલા હુમલાનો વીંટો વળી ગયો છે ! (કેમકે મિડીયા હવે કુંભની ‘ભગદડ’ પાછળની ભાગદોડમાં બિઝી થઈ ગયું છે) છતાં સૈફ અલીના કિસ્સામાં લોકોને હજી સવાલો છે. તો સાંભળો, ખુદ સૈફ અલી ખાન એની ‘બોલીવૂડ’ સ્ટાઈલમાં કેવા ખુલાસા કરી શકે ?
***
સવાલ : સીસીટીવીના ફૂટેજ મુજબ હુમલો તો રાતના દોઢેક વાગે થયો. તો પછી હોસ્પિટલે પહોંચતા ત્રણ કેમ વાગી ગયા?
જવાબ : ‘અરે યાર, હું ફિલ્મ સ્ટાર છું, મેકપ કરતાં એટલી વાર તો લાગે કે નહીં ?’
***
સવાલ : ઘરમાં બબ્બે કાર હતી છતાં તમે રીક્ષામાં બેસીને હોસ્પિટલે કેમ ગયા ? શું કરીના કાર ના ચલાવી શકે ?
જવાબ : ‘જરા સમજો યાર… કરીના કાર ચલાવે તો ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’નો કેસ થાય એવું હતું !’
***
સવાલ : સીસીટીવીમાં જે માણસ દાદરા ઉતરીને જતો દેખાય છે, અને જેની ધરપકડ થઈ છે એ બંનેના ચહેરા કેમ અલગ લાગે છે ?
જવાબ : યે બોલીવૂડ હૈ ભાઈ સાહબ ! પહેલા માણસે એકશન દ્રશ્યો કરવાનાં હતાં. જ્યારે બીજા માણસે કબૂલાતના લાંબા લાંબા ડાયલોગ્સ બોલવાના હતા ! એટલે ડમી એકટર વાપરવા પડે ને ?
***
સવાલ : તમને કરોડરજ્જુમાં ઈજા થઈ. અઢી ઈંચ જેવડો ચાકૂનો ટુકડો અંદર ઘૂસી ગયો, છતા માત્ર ચાર જ દિવસમાં આટલી ઝડપી રિકવરી શી રીતે થઈ ગઈ ?
જવાબ : હવે બધી ક્રેડિટ મારી સુપરફીટ બોડીને જ આપશો ? થોડી ક્રેડિટ હોસ્પિટલ અને ડોક્ટરને પણ લેવા દો ને ?
***
સવાલ : તમને આટલી જ ઈજાઓ થઈ છતાં આવડો મોટો ઇશ્યોરન્સ ક્લેમ શી રીતે પાસ થઈ ગયો ?
જવાબ : ‘એક્ચ્યુલી એમાં શું છે કે હું ACKO ઇન્શ્યોરન્સ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છું !’
***
સવાલ : પોલીસે જે એફઆઈઆર ફાઈલ કરી છે એમાં આટલી બધી ઝોલ કેમ છે ?
જવાબ : ‘છોડોને બોસ ? અહીં બોલીવૂડ પાસે જ જ્યાં સારા સ્ટોરી રાઈટરો નથી ત્યાં બિચારી પોલીસ ક્યાંથી સારી સ્ટોરી બનાવી શકે ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment