ખાટીમીઠી ગોળીઓના ફેક ન્યુઝ !

મોટી ખબર આવી રહી છે નાની નાની કરિયાણાની દુકાનોથી… અને મોટા મોટા મોલથી…

ખબર ચોંકાવનારી છે, અને ખબર ખબર રાખનારી છે ! તમને જણાવી દઈએ કે આ ખબર સાંભળીને તમે ખુશ થઈ જશો ! કેમકે એ તમારા ખિસ્સાંને કપાઈ જતાં બચાવવાની ખબર છે !

ખિસ્સાંની જો વાત કરવામાં આવે તો પાંચેક વરસ પહેલાં દેશના કરોડો ગ્રાહકોનાં ખિસ્સાં કેવી રીતે કપાઈ રહ્યાં હતાં તેની તેમને ખબર જ નહોતી.

જો વિગતવાર જણાવવામાં આવે તો દેશના ૧૦૦ કરોડ જેટલા ગ્રાહકોના ખિસ્સામાંથી રોજના ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયા ચાલાકીથી કાઢી લેવામાં આવતા હતા !

આટલી મોટી રકમ ગ્રાહકોનાં ખિસ્સામાંથી કાઢી લેવાની જબરદસ્ત મોડસ ઓપરેન્ડી અમલમાં હતી. જેમાં કોઈ હાઈ-ફાઈ ટેકનોલોજી નહીં, પરંતુ ૫૦ પૈસા કે ૧-૧ રૂપિયામાં મળતી ખાટી-મીઠી ગોળીઓનો ઉપયોગ થતો હતો !

આ ખાટી-મીટી ગોળીઓ વડે ચાલતા કૌભાંડનો વરસો સુધી પર્દાફાશ થયો જ નહોતો. કેમકે પોલીસ, છૂપી પોલીસ કે સીબીઆઈને આખા કાંડની કદી ગંધ સુધ્ધાં આવતી નહોતી ! તો શી રીતે ચાલી રહ્યું હતું આખું કૌભાંડ ? 

તમને જણાવી દઈએ કે પાંચેક વરસ પહેલાં જ્યારે તમે કરિયાણાની દુકાને કે મોલમાં ખરીદી કરવા માટે જતા હતા ત્યારે બે-પાંચ રૂપિયાના પરચૂરણને બદલે તમને આવી ખાટી-મીઠી ગોળીઓ પકડાવી દેવામાં આવતી હતી !

એક કરિયાણાની દુકાનના માલિકે ખાટી-મીઠી ગોળીઓની ખાલી બરણી બતાડતાં કહ્યું હતું કે ‘અગાઉ અમે આવી ૧૦૦ ગોળી માત્ર ૩૦ રૂપિયામાં જથ્થાબંધમાં ખરીદતા હતા અને ઘરાકોને પધરાવીને એમાંથી ૭૦ ટકા નફો કમાતા હતા.. પણ અફસોસ, હવે એ જમાનો જતો રહ્યો છે…’

એક મોટી મોલના પાર્ટને રડતાં રડતાં જણાવ્યું કે, ‘અમે ખાટી-મીઠી ગોળીઓ પધરાવવાના ધંધામાં રોજના ૪ થી ૫ હજાર કમાઈ લેતા હતા. પણ નખ્ખોદ જજો આ મોબાઈલથી પેમેન્ટની શોધ કરનારાનું !’

ખાટી-મીઠી ગોળીઓ બનાવતી એક ફેકટરીના માલિકે ઝાંપા પર લાગેલું તાળું બતાડતાં આક્ષેપ કર્યો હતો કે ‘ખાટી-મીઠી ગોળીઓ પબ્લિકને પીવડાવવાનો આખો ધંધો એક રાજકીય પાર્ટીએ હાઈજેક કરી લીધો છે ! અમારે તો દેવાળું ફૂંકવાનો વારો આવ્યો છે…’

***

- મન્નુ શેખચલ્લી

Comments