આજની 'જેન-ઝિ'નાં ખાસ લક્ષણો !

‘જેન-ઝિ’ એટલે કોણ ? જેનો જન્મ ૧૯૯૯ અને ૨૦૧૨ની વચ્ચે થયો છે તે ! યાને કે આજે જે લોકો ૧૨ થી ૨૫ વરસના છે તે ! એમનાં ચોક્કસ લક્ષણો છે ! તમે માર્ક કરજો…

*** 

એમનું માનવુ છે કે સ્માર્ટ ફોન તો એમનો જન્મસિધ્ધ અધિકાર હતો ! ભલે અમુકને મોડો મળ્યો…

*** 

સ્માર્ટ ફોન એમના શરીરનું ‘અભિન્ન અંગ’ છે ! કેમકે હવે તો એને ટોઈલેટમાં પણ સાથે લઈને જાય છે.

*** 

આ લોકો ગૂગલ મેપ વિના ક્યાંક પહોંચી શકતા નથી…

આ લોકો ૫૦ કે ૧૦૦ની નોટ આપ્યા પછી પાછું આવેલું પરચૂરણ બરોબર છે કે નહીં તે ગણી શકતા નથી…

અને આ લોકો હજારો રૂપિયાનું ઓનલાઈન શોપિંગ કરી શકે છે પણ બજારમાંથી એક ટંકનું શાક ખરીદી શકતા નથી !

*** 

આ જનરેશનની છોકરીઓ સૌથી પહેલાં ‘મેગી’ બનાવવાનું શીખે છે. અને મેગી બનાવતાં પહેલાં સેલ્ફી માટે મોં બનાવવાનું શીખી જાય છે !

*** 

આ જનરેશનના છોકરાઓ મુક્કા મારવાનું અને કારને અથડાવી મારવાનું વિડીયો ગેમ વડે શીખે છે. અને ગાળો બોલવાનું વેબસિરીઝ જોઈને શીખે છે.

*** 

એમનાં સપનાં બહુ ઊંચા હોય છે પણ જરી અમથી તકલીફ પડે એમાં તો ‘ડિપ્રેશન’માં જતા રહે છે !

*** 

છતાં એમનું માનવું છે કે એમણે જે ‘સ્ટ્રગલ’ કરી છે એની સરખી કદર થતી નથી.

*** 

પોતે કોઈ ઈન્ફ્લુએન્સરના સાડા ત્રણ લાખ ફોલોઅર્સમાંનો એક હોય, છતાં પોતાને ‘ડિફરન્ટ પરસન’ માને છે !

*** 

બધાને કંઈક ‘યુનિક’ કરવું છે છતાં રોજ કંઈ પણ કરતાં પહેલાં ચેક કરે છે કે આજકાલ ‘ટ્રેન્ડીંગ’માં શું છે !

*** 

અને હા, એમને ‘ઇન્ડીપેન્ડન્ટ’ લાઈફ તો જીવવી છે, પણ એમની ફરિયાદ છે કે એમના પેરેન્ટ્સ ‘સપોર્ટ’ નથી કરતા ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments