નિર્મલાજીએ બજેટમાં ઇન્કમટેક્સની મિનિમમ લિમિટ ડાયરેક્ટ ૧૨ લાખની કરી નાંખી એમાં શરૂ શરૂમાં તો સૌ હરખાઈ ગયા ! પણ હવે ધીમે ધીમે મુંઝવણો બહાર આવી રહી છે…
***
આજે જેનો પગાર ૮૦-૮૫ હજાર છે એની તો કોઈ વેલ્યુ જ ના રહી, બોસ ! (કેમકે આવા પગારદારોમાં અમુક લોકો ખરેખર ‘બોસ’ લેવલમાં છે.)
***
જે નવાસવા નોકરીમાં જોડાઈને ૧૫-૨૦ હજારનો પગાર લઈ રહ્યા છે એ તો ‘ભિખારી’ ગણાશે ! કેમકે કેન્દ્ર સરકારમાં કોઈ સિનિયર પટાવાળો એટલા રૂપિયાનો તો ‘ટેક્સ’ ભરતો હશે !
***
નિર્મલાજીએ મેરેજનું તો આખું માર્કેટ બગાડી નાંખ્યુ છે ! કેમકે હવે છોકરીઓ છોકરાઓને પૂછી રહી છે : ‘લે, તું ઇન્કમટેક્સ ભરવા જેટલું ય નથી કમાતો ?’
***
અને જેમનો પગાર આજે ખરેખર મહિને ૧ લાખ રૂપિયાનો છે એમનું તો નિર્મલાજીએ નાક જ કાપી લીધું છે : ‘મારી ઇન્કમને મેડમ ઇન્કમ જ નથી ગણતાં ? ગજબ બેઇજ્જતી હૈ !’
***
અરે, જે લોકો ઇન્કમટેક્સ ખાતામાં ઓફિસરો છે એમની દશા તો વિચારો ? નવો સ્લેબ અમલમાં આવતાંની સાથે જ ૮૮ ટકા કરદાતાઓ ઘટી જશે ! મતલબ કે એમના ‘ધંધામાં’ ૮૮ ટકાનો ધરખમ ઘટાડો ?!
***
દિલ્હીની મહિલાઓમાં પણ કન્ફ્યુઝન છે. ભલેને એનો પતિ મહિને ૧ લાખનો પગાર લાવતો હોય, છતાં પત્ની વિચારી રહી છે કે ‘ચૂંટણી પછી પેલા જે મહિને ૨૫૦૦ મળવાના છે એ તો મળશે જ ને ?’
***
… અને અસલી ટ્યુબલાઈટ તો છેક ૧૧ વરસ પછી અમારા દિમાગમાં હવે થઈ રહી છે ! યાદ છે ? મોદીજીએ ૨૦૧૪માં શું કહ્યું હતું ?
‘દરેકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા આવશે !!’
જુઓ, નિર્મલાજીએ 'નડ્યા વિના' ૧૨ લાખ તો ‘આવવા દીધા’ ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment