‘એની બેનને…. પીધેલું ઓય તિયારે તો ભર બપ્પોરનો તડકો ધજમજેની ચાંદની જેવો લાગે… રાતનાં અંધારું હોય તો બી હહરીનું ઉજેડ ઉજેડ (ઉજળું ઉજળું) જેવું લાગિયા કરે… ખેતરના કાંટામાં ગબડી પડેલો ઓય તો બી પોચી ગોદડીમાં હૂતેલો લાગે…
પણ એની માંયને…. પીધેલું ઉતરી જાય પછી બો નીં હારું લાગે ! હહરીનું હવારનું ઉજેડ આંખમાં વંહદેર (અંગાર) જેવું વાગે ! ખાટલામાં હૂતેલો ઓય તો બી હહરીનાં કાંટા જેવા વાગે… ને આખી ડુનિયાં એની માંયને… નરક-નરક જેવી લાગે !’
આ પરમેનેન્ટ વ્યથા હતી અમારા ગામના દારૂડીયા નંબર વન તરીકે જાણીતા ‘ભીખુ બાટલી’ની.
એની બત્રીસ વરસની ઉંમરમાં માંડ અડધી જિંદગી એવી કાઢી હશે જ્યારે તેણે દારૂ ન પીધો હોય. બાકી જ્યાં સુધી એ એકાદ પ્યાલી દારૂ ન પીએ ત્યાં સુધી એના પોતાના ટાંટિયા ઉપર ઊભો પણ ન રહી શકે.
જોકે એનાં લગ્ન પણ નહીં થયેલાં અને એના ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મુકેલો પછી એની જિંદગીનું એકમાત્ર ધ્યેય દારૂ પીને મસ્ત રહેવાનું જ હતું. શરૂશરૂમાં તો એ ઉધાર માંગીને પી લેતો પણ જ્યારથી ગામલોકો એની કુટેવ જાણી ગયા પછી દારૂ પણ મફતમાં નહોતા પીવડાવતા.
છતાં જો નવટાંક દારૂના પૈસા મળવાના હોય તો બે ચાર ખાડા ખોદી આપે. અથવા ચાર પાંચ ગુણ ઉંચકી નાંખે. પરંતુ જેવો દિવસ ચડે, તડકો કકરો થાય કે તરત ભીખલાના ટાંટિયા ગરબા રમવા માંડે. ઊંચકેલી ગુણ સાથે એ ભોંય પર ફસકી પડે અથવા પાવડો પોતાના જ પગમાં મારી બેસે !
પછી મોટો ભેંકડો તાણીને નાનાં છોકરાંની જેમ રડવાનું ચાલુ કરે. ‘અરેએએ… કોઈ મને નવટાંક દારૂ લેઈ આપો રે… નીં તો મેં મરી જવાનો !’
ભીખલાને મજૂરીએ રાખનારને દયા આવે અથવા તે કંટાળે, તો છેવટે બે પ્યાલી પેટમાં રેડાય ! એટલે ભીખો કામે વળગે ! પરંતુ સાંજ પડ્યે મજૂરીના જે રૂપિયા મળે તે લઈને સીધો પહોંચે બાટલી લેવા !
આખી રાત એ બાટલી વડે ‘સ્વર્ગ’ના નશામાં એ કોઈના ખેતરમાં સૂતો હોય કે કોઈ ફળિયામાં રસ્તા વચ્ચે જ લાંબો થઈને પડ્યો હોય… પરંતુ સવારનો તડકો આંખોમાં વાગે કે તરત બિચારાનું ‘નર્ક’ એને ઘેરી વળે !
આ ભીખાને એક વાર એની બાટલીએ કેવી લાંબી સફર કરાવી હતી એની કહાણી બહુ મજેદાર છે. બન્યું એવું કે ગામની રાઇસ મિલમાં તે એક સાંજે પોલીશ થયેલા ચોખાની ગુણો ઊંચકીને એક ઘરાકના ટ્રેકટર જોડે બાંધેલા ટ્રેલરમાં ચડાવી રહ્યો હતો ત્યાં જ એને તમ્મર આવી ગયાં !
રાઈસ મિલનો માલિક જાણે કે ભીખો હવે નવટાંકનો દારૂનો જ ઘરાક છે ! એને બે પ્યાલી પીવડાવીને પાનો ચડાવ્યો ‘ચાલ ફટાફટ ગુણચાં ઉંચકવા લાગ તો ? અ’વે થોડાંક જ બાકી રિયાં !’
એક ને બદલે બબ્બે નવટાંક દારૂ ગટગટાવી ગયા પછી જેમતેમ કરીને ચોખાની ગૂણો ઊંચકીને ટ્રેકટરના ટ્રેલરમાં ચડાવતાં ભીખો એટલો કદરાઈ ગયો કે એણે એ ગૂણોની વચ્ચે જ પડતું મુક્યું ! બીજી જ મિનિટે એ તો સાલો, ઊંઘી ગયો ! થોડી વારમાં અંધારું ઘેરાવા લાગ્યું...
હવે નસીબના ખેલ જુઓ… ટ્રેકટરના માલિકે રાઈસ મિલનો હિસાબ ચૂકતે કરીને વાહન હંકારી મુક્યું ! ભીખલો એ ટ્રેક્ટરના ટ્રેલરમાં !
ટ્રેકટરમાં ચડાવેલી ચોખાની ગૂણોનો ચીખલીના એક વેપારી સાથે સોદો થયેલો. એ વેપારી કહે ‘આ માલ મારે આજે જ નવસારી મોકલવાનો છે. તમે એક કામ કરોનીં, તમારા ટ્રેકટરનું ટ્રેલર અંઈ મુકી જાવ, ને મારું ખાલી ટ્રેલર તમે લેઈ જાવો ! તો મારે આ ગૂણચાં (ગૂણો) ફેરવવાની મજૂરી બચે.’
આને કારણે બન્યું એવું કે ચોખાના માલમાં ગૂણચા સાથે ભીખલો પણ વેપારીના ટ્રેકટરમાં જોડાઈ ગયો !
હવે બીજા દિવસે સવારનો સુરજ બરોબર માથે ચડ્યો ત્યારે ભીખલાની આંખો ખૂલી ! બેઠો થઈને જુએ છે તો બહાર મોટું ગોડાઉન છે ! ‘એની બેનને… આ મેં કાં આવી પોંઈચો ?’
નશો ઉતરી જવાને લીધે ભીખા માટે તો આ ગોડાઉન ‘નરક’ સમાન જ હતું ને ? લથડીયા ખાઈ રહેલાં પગ થોડા સીધા પડે એના માટે પણ બે પ્યાલી પેટમાં જવી જરૂરી હતી !
ભીખો પહોંચ્યો ગોડાઉનના માલિક પાસે અને પોક મુકીને રડવા લાગ્યો : ‘આ ગરીબ માણહને તમેં કાં ઘંહલી (ખેંચી) લાઈવા ? મેં તો જરીક થાકીને ગુણચામાં ઊંઘાઈ ગેલો ! અ’વે મેં પાછો કેમ કરીને જવા ? ગજવામાં પૈહા હો નીં મલે !’
દયા ખાઈને ગોડાઉનના માલિકે માત્ર બસભાડું જ નહીં, થોડું ખાવાના પણ પૈસા આપ્યા ! ભીખલાને તો રૂપિયા હાથમાં આવતાં જ સીધા ‘સ્વર્ગ’નો રસ્તો દેખાયો ! આમતેમ પૂછીને નવસારીમાં ક્યાંકથી દારૂ શોધી કાઢ્યો ! સવારની બે પ્યાલી મળી, એટલે એ તો તાનમાં આવી ગયો.
બાકીના પૈસે નવસારીમાં પેટ ભરીને ખાધું. એકાદ પિકચર જોયું, ત્યાંથી છૂટીને નવી બાટલી શોધી… એમ કરતાં રાત પડી. ‘હવે હહરીનું પાછું કેમ કરીને જવાનું ? પૈહા તો પુરા થવા આઈવા !’
ભીખલો પહોંચ્યો હાઈવે પર. મનમાં એમ કે ‘બસમાં ટિકીટ ફડાવવી પડે તેના બદલે એકાદ ટોલામાં (ટ્રકમાં) ચડી બેહવા મલે તો મફતમાં ચીખલી પૂગી જવા.’
એક હાઈવે-હોટલ પાસે થોડી ટ્રકો ઊભેલી ત્યાં તે પહોંચી ગયો. ખાટલા પર બેસીને ટ્રક ડ્રાયવરો જમતા હતા. ત્યાં જઈને તેણે બે હાથ જોડીને રડવા માંડ્યું : ‘ગરીબ માણહ છું, ગજવામાં પૈહા નીં મલે, તમે જો ટોલીમાં બેહાડીને ચીખલી ઉતારી મુકતે તો તમારા જેવો ભગવાન નીં મલે…’
એક ટ્રક ડ્રાયવરે કહ્યું ‘ઠીક હૈ, વો પીલી ટ્રક મેં ચડ જા. પીછે સામાન હૈ, ઉસ મેં સો જાના.’
લોચો ભીખલાએ લોચો શું માર્યો, કે એકને બદલે એ કોઈ બીજી જ પીળી ટ્રકમાં જઈને સૂઈ ગયો ! હવે એ ટ્રક જઈ રહી હતી સુરત !
બીજા દિવસે સવારે (એટલે કે સુરજ માથે આવે ત્યારે) ભીખાને આગલા દિવસનો જ ‘એકશન-રિપ્લે’ દેખાયો ! ‘હહરીનું પાછું એ જ ગોડાઉન કાંથી આઈવું ?’
જોકે નીચે ઉતર્યા પછી થોડીવારે ખબર પડી કે આ તો સુરતનું ગોડાઉન છે ! ભીખાએ ફરી બિખારી બનવાનો એકશન રિ-પ્લે કરી જોય પણ અહીં કોઈએ દાદ આપી નહીં. એને પેલા ગોડાઉનમાંથી કાઢી મુક્યો.
હવે ભીખલાની હાલત ખરાબ હતી. રાતનો હેંગ-ઓવર ઉતારવા માટે બે પ્યાલી તો જોઈએ ! પણ તે શોધવી ક્યાંથી ? ખિસ્સાં પણ ખાલી હતાં. આખરે તેને એક વિચાર આવ્યો :
‘ભલે કોઈ પૈહા નીં આપે, પણ એક દારૂડીયો બીજા દારૂડીયાને દારૂ પીવાની તો ના નીં જ પાડે !’
ભીખલાએ હવે તપાસ કરવા માંડી કે ‘અંઈ દારૂ કાં મલતો છે ?’ પૂછતાં પૂછતાં એક મકાનના ભોંયરામાં આખું પીઠું મળી ગયું !
ભલે અહીં ઘરાક ઓછા હતા પણ જે હતા તે દિલદાર હતા. ભીખલાએ પહેલાં એક પ્યાલી માગી, પછી બીજી… પછી ત્રીજી… પછી તો ભીખલો ચગ્યો ! એણે પોતાની આખી આ ‘દાસ્તાન’ બહેલાવી મલાવીને કહવા માંડી ! આમાંને આમાં એ સિંગ-ભૂજિયાં અને ચવાણા સાથે અડધી બાટલી પેટમાં પધરાવી ગયો.
દોઢ કલાક પછી જ્યારે ભીખો રોડ પર નીકળ્યો ત્યારે એના પગ ‘દોઢિયું’ રમતા હતા. આમાં ને આમાં એ અથડાઈ પડ્યો એક જીપ સાથે… અને તમે નહીં માનો, એ જીપ પોલીસની હતી !
ભીખલાની કહાણીનો સૌથી ઇન્ટ્રેસ્ટીંગ ટર્ન તો હવે આવે છે ! શું પોલીસે એને કસ્ટડીમાં નાંખ્યો ? ના !
વાત એમ બની કે સડક પર ગબડી પડેલા ભીખલાનો ચહેરો જોઈને એક હવાલદારને ‘આઇડિયા’ આવ્યો ! તેણે ઇન્સ્પેક્ટરને કહ્યું : ‘સાહેબ, પેલા બૂટલેગરની બદલે આને જેલમાં મોકલી આપીએ તો કેવું ?’
મામલો દર-અસલ એવો હતો કે આગલી રાત્રે મોટી રેડ પાડીને જે બૂટલેગરને પકડ્યો હતો તેણે ઓફર આપી હતી કે ‘મને જો જેલમાં નીં લાખે તો તમને લોકોને માલામાલ કરી આપા !’
જોકે રેડ પાડ્યા પછી તમામ કાગળિયાં તો બની જ ગયાં હતાં, એટલે કોર્ટમાં પેલા બૂટલેગરને રજૂ કરવો જ પડે તેમ હતું. પણ હવે બૂટલેગરને બદલે ભીખલાને રજુ કરવાનો 'તત્કાલ પ્લાન’ બની ગયો !
પરંતુ એનો વિધિસર ‘સોદો’ પણ થવો જોઈએ ને ? એટલે ભીખલાને પકડીને લઈ ગયા પોલીસ સ્ટેશને. બૂટલેગરે ઓફર કરી કે ‘મારા બદલે તું જેલમાં જહે તો તને રોજના વીહ રૂપિયા આપા. ઉપરથી જેલના રોટલા તો તને મફતમાં જ મલવાના ! બોલ, હું કે’તો છે ?’
ભીખો કહે ‘રોટલાનું તો હમઈજા, પણ બાટલીનું હું ? જેલમાં મને રોજ હાંજ પડે દારૂ મલે તેવું ગોઠવી આપે તો અ’મણાં ચાઈલો !’
બૂટલેગરે ‘ડન’ કરી નાંખ્યું !
હવે મજા જુઓ… બૂટલેગરની પહોંચને લીધે ભીખલાને તો જેલમાં જલ્સા થઈ ગયા ! સવાર સાંજ જેલના રોટલા ખાવાના અને રાત પડે બાટલી ! આમાં ને આમાં બે મહિના નીકળી ગયા.
એ પછી આવી કોર્ટની તારીખ ! ભીખલાએ વકીલને કહ્યું, ‘મને જેલમાં જ રાખજે ભાઈ ! બા’ર નીકળીને મને જે પૈહા મલે તેમાંથી અડધા તારા !’
આમ કરતાં કરતાં વધુ બે મુદત માટે ભીખો બાટલી જેલમાં ! છેવટે પેલો બૂટલેગર કંટાળ્યો. એણે વકીલને તતડાવીને કીધું ‘આમ કાં લગી તારીખ પડાવતો છે ? ગમે તેમ કરીને જામીન પર છોડાવ ! પેલો ભીખલો હહરીનો મોંઘો પડતો ચાઈલો !’
આખરે વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે ‘ભાઈશ્રી ફલાણા ફલાણાની જેલમાં ચાલચલગત સારી માલુમ પડેલી હોઈ, તેમજ ફરીથી આ ધંધો નહીં કરવાની સોગંદથી બાંહેધરી આપેલ હોઈ, મારા અસીલને જામીન આપવામાં આવે !’
નામદાર કોર્ટે દયા ખાઈને ( કે શી ખબર, પૈસા ખાઈને) આ દલીલ મંજૂર પણ રાખી ! ભીખલો ભરી કોર્ટમાં કરગરતો રહ્યો કે 'મને જેલમાં જ રાખો... મેં બો' મોટો ગુનો કીધેલો છે, માંઈબાપ !' પરંતુ નામદાર કોર્ટને ભીખલાની દયા ન આવી.
કહે છે કે એ પછી એક રાતે ગામની સીમમાં એક ટેમ્પો આવેલો. એમાંથી હાથે-પગે દોરડાં બાંધેલા ભીખલાને રસ્તા ઉપર જ ખાલવીને (ઉલાલિયો કરીને ફેંકીને) ટેમ્પો ચાલી ગેઈલો…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
આવા કંઈ કેટલાય ભીખલાઓ આપણે ત્યાં જોવા મળે એમને deaddiction centre માં ભરતી કરી દારુ છોડાવવો જોઈએ.
ReplyDelete