આપણને નવાઈ લાગે, પણ આપણા કવિઓ અને શાયરોએ ‘બજેટ’ માટે પણ કેવી કેવી અદ્ભૂત રચનાઓ કરી છે ! જુઓ…
***
દિલ તમોને આપતાં આપી દીધું
પામતાં પાછું, અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું
(અહીં કવિ એના પગારમાંથી બારોબાર કપાઈ જતા ‘ટીડીએસ’ ની વાત કરી રહ્યા છે ! અને પછી માંડ છ-છ મહિને મળતા મળતા ‘રિફંડ’નું રહસ્ય સમજાવે છે !)
***
જે કંઈ હું મેળવીશ
હંમેશા નહીં રહે
જે કંઈ તુ આપશે
સનાતન બની જશે.
(અહીં કવિ સરકાર તરફથી અપાઈ રહેલી ‘રેવડી’ઓની વાત કરી રહ્યા છે ! દેશના કરદાતાઓ જાતે જે કમાય છે તેની કોઈ વેલ્યુ જ ક્યાં છે ? એ તો રેવડીઓ વડે જે સરકારો ટકી રહી છે એ જ ‘સનાતન’ સત્ય છે !)
***
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
(જ્યારે કોમનમેન સામે માઈક ધરીને બજેટ વિશે સારું બોલાવડાવે છે.)
કોઈ રડીને દિલ બહેલાવે છે
(જ્યારે વિપક્ષો બજેટની ટીકા કરીને મગરનાં આંસુ સારે છે.)
કોઈ ટીપે ટીપે તરસે છે
(ગરીબો નહીં ! જે રાજ્યમાં દારૂબંધી છે ત્યાંની વાત છે.)
કોઈ જામ નવા છલકાવે છે
(દેશના એ મુઠ્ઠીભર અબજપતિઓ, જેમને બજેટથી કોઈ જ ફરક પડતો નથી.)
***
ખુદા તારી કસોટીની
પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની
દશા સારી નથી હોતી
(બજેટ દ્વારા કરવેરાની આખી જે સિસ્ટમ છે એનો આટલો જ સાર છે ! જે ‘સારા’ છે એની જ દશા સારી નથી… બાકી જે ‘ખરાબ’ છે, ‘નફ્ફટ’ છે કે ‘લૂચ્ચા’ છે એમને તો હંમેશા જલસા જ છે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment