ભારતનાં શેરબજારો માત્ર બિઝનેસનાં કેન્દ્રો નથી, આ તો જિંદગીના અમુલ્યો બોધપાઠ શીખવતાં જ્ઞાન-કેન્દ્રો છે ! ખુદ શેરબજારમાંથી જ્ઞાન મેળવી ચૂકેલા પરમજ્ઞાનીઓ દ્વારા કહેવાયેલાં પરમજ્ઞાનનાં મણકાઓ આ રહ્યાં…
***
ભગવાને શેરબજારોનું સર્જન શા માટે થવા દીધું ?
જેથી માનવજાતને બદલાતાં હવામાન અને બદલાતા સ્ત્રીના સ્વભાવમાં ભરોસો પડે !
***
અહીં ૧૦૦ જણા હર્ષદ મહેતા બનવા માટે રૂપિયા લઈને આવે છે…
એમાંથી ૯૦ જણા નરસિંહ મહેતા બનીને મંજીરાં લઈને બહાર નીકળે છે !
***
શેરબજાર એક એવી જગ્યા છે જ્યાં શેર વેચી નાંખનારા અને શેર ખરીદી લેનારા બંને એમ જ સમજે છે કે પોતે બહુ હોંશિયાર છે !
***
મુંબઈના કમ સે કમ ૫૦ ટકા કાર્ડિયોલોજીસ્ટો શેરબજારનો ટ્રેન્ડ જોઈને જાણી લે છે કે આજે ‘ઘરાકી’ કેવી રહેશે !
***
બિલકુલ સ્થિર થઈ ગયેલો ભમરડો અને સાવ સ્થિર થઈ ગયેલા શેરના ભાવ.. આ બને ‘સંમોહન’ની ક્ષણભંગુર અવસ્થા છે !
(બોલો, બહુ ઊંચી આવી ને ?)
***
શેરબજારમાં મેગ્નીફાઈંગ ગ્લાસનું શું કર્તવ્ય હોય છે ?
બે કર્તવ્ય હોય છે (૧) આઈપીઓ ફોર્મમાં કીડીના પગ જેવા અક્ષરે છાપેલી વિગતો વાંચવામાં સહાય કરવી.
અને (૨) કંપનીનું ‘વેલ્યુએશન’ બતાડવું.
***
શેરમાર્કેટ એક એવું માર્કેટ છે જે છપ્પર ફાડીને આપે છે…
અને થપ્પડ મારીને લઈ લે છે !
***
બિચારો ઇન્વેસ્ટર વરસોની મહેનત પછી ૧૦ કરોડનો પોર્ટફોલિયો બનાવી શકે છે.
પણ પક્ષપલટુ કોંગ્રેસી ભાજપમાં જોડાય એના બે જ દિવસમાં ૧૦૦૦ કરોડનો પોર્ટફોલિયો મેળવી લે છે !
(આ પરમજ્ઞાન બદલ દેશની અદ્ભુત રાજનીતિનો આભાર માનવો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment