ગુજરાતીમાં ક્રિકેટના રૂઢિપ્રયોગો !

આઈપીએલમાં ભોજપુરી કોમેન્ટ્રી ખરેખર મજેદાર હોય છે, પણ ગુજરાતી કોમેન્ટ્રી સાવ રેઢિયાળ હોય છે ! કેમકે કોમેન્ટેટરો અડધો અડધ અંગ્રેજી શબ્દો વાપરે છે !

પરંતુ ઓર્ડીનરી ગુજરાતી પ્રજાએ ક્રિકેટની પરિભાષાને વરસોથી રૂઢિપ્રયોગમાં વાપરી લીધી છે ! જુઓ…

*** 

ક્લિન બોલ્ડ થઈ ગયો :
આ રોમેન્ટિક રૂઢિપ્રયોગ છે ! છોકરીનું રૂપ જોઈને છોકરો ભલે ‘ઘાયલ’ થાય, પણ પેલી એક સ્માઈલ કરે ત્યાં તો છોરો ‘ક્લિન બોલ્ડ’ થઈ જાય !

*** 

બાઉન્સર જાય છે :
યાદ કરો, સ્કુલમાં ભણતા હતા ત્યારે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, હાયર મેથ્સ… આ બધું માથા ઉપરથી જતું હતું ને ? એટલે જ કહેતા હતા, યાર, બધું ‘બાઉન્સર’ જાય છે !

*** 

ફિલ્ડીંગ ભરે છે :
છોકરીને પટાવવાની હોય તો એની આગળ પાછળ આંટા મારવાના, એના ભાઈ જોડે ભાઈબંધી કરવાની, એની મમ્મી માટે શાક લાવી આપવાનું, દોડીને ગેસનો બાટલો ઊંચકીને ઘરે મુકી જવાનો… આ બધું કરનારા માટે કહેતા હતા ‘બિચારો ફિલ્ડીંગ ભરે છે !’

*** 

દાવ ડિકલેર કરી દીધો :
જુની ગુજરાતીમાં ‘દાવ થઈ ગયો’ એટલે છેતરાઈ ગયા… ‘દાવ જીતી ગયા’ એટલે બાજીમાં ફાવી ગયા… પરંતુ ક્રિકેટની ભાષામાં ‘દાવ ડિકલેર કરી દીધો’ મતલબ કે ભૈશાબ, હથિયાર હેઠાં મુકી દીધાં ! સમજ્યા ?

*** 

હિટ-વિકેટ / સેલ્ફ આઉટ :
જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી પહેલાં જ હારી જાય છે, અથવા સામ પિત્રોડા કોંગ્રેસને કફોડી સ્થિતિમાં મુકી દે એવાં નિવેદનો કરે છે, તેને ‘હિટ-વિકેટ’ અથવા ‘સેલ્ફ-આઉટ’ જ કહેવાય !

*** 

કટ મારવી :
રાજકારણમાં, ફિલ્મી ડાયલોગમાં, દુશ્મનીમાં કે દોસ્તીમાં… સામેવાળાની ધૂવાંધાર દલીલની માત્ર એક જ નાની અમથી ટિપ્પણી વડે હવા કાઢી નાંખી હોય તેને ‘કટ મારવી’ કહે છે !

*** 

મેચ ફિક્સીંગ છે બોસ :
આ તો ક્યાં નથી ? ફિલ્મોના પેઈડ રિવ્યુ, મિડીયાની મસ્કાબાજી, ન્યાયતંત્રની પોલમપોલ અને સરકારી કોન્ટ્રાક્ટમોમાં મિલિભગત… ઇવન ચૂંટણીઓ ! બધે રિઝલ્ટ પહેલેથી ‘ફિક્સ’ હોય છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments