સોશિયલ મીડિયાના ફેક ન્યુઝ !

મોટી ખબર આવી રહી છે સોશિયલ મિડીયા રિસર્ચ સેન્ટરમાંથી… આ ખબર સાંભળીને તમે ખરેખર ચોંકી જશો, કેમકે આ રિસર્ચ સેન્ટરમાંથી આવનારી ખબર ખરેખર ચોંકાવનારી છે !

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ખબર ગુજરાતની યુવા પેઢી બાબતે છે. રિસર્ચ સેન્ટરની એક રિસર્ચમાં રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ગુજરાતના યુવાઓમાં મોબાઈલને લગતી એક ખતરનાક બિમારી ફેલાઈ રહી છે !

આ બિમારીની વિગતો એવી છે કે ગુજરાતના સાડા નવ લાખથી વધુ બેરોજગાર યુવાનોને કલાકો સુધી મોબાઈલમાં ‘રીલ્સ’ સ્ક્રોલ કર્યા કરવાની ગંભીર બિમારી છે.

જો આ બિમારીની વાત કરવામાં આવે તો સેંકડો યુવકોનું કહેવું છે કે રીલ્સ સ્ક્રોલ કરવામાં કેટલા કલાકો વીતી જાય છે તેનો કોઈ હિસાબ જ નથી !

રાજકોટમાં મવડી પ્લોટમાં રહેતા જયેશ નામના યુવાને રાત્રે બે વાગે રીલ્સ સ્ક્રોલ કરવામાંથી થોડી મિનિટનો સમય કાઢીને અમને જણાવ્યું હતું કે રીલ્સને સ્ક્રોલ કરવાનું કામ કદી ખતમ જ નથી થતું ! આટલી મહેનત અને આટલા ઉજાગરા તો મેં બારમાની એક્ઝામ વખતે પણ નહોતા કર્યા !

અમદાવાદના સરસપુર એરિયામાં આવેલી એક રેશનની દુકાનની બહાર ઉભેલા મહેશ નામના યુવાને કહ્યું કે હું ત્રણ કલાક પહેલાં કોઈ કામસર અહીં આવ્યો હતો પરંતુ રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં હવે સાવ ભૂલી ગયો છું કે હું અહીં શા માટે આવ્યો હતો…

આ બિમારી કેટલી ગંભીર છે તે વિશે જણાવતાં જાણીતા સાયકોલોજીસ્ટ શ્રી ચંદ્રશેખરે અમને બે કલાક પહેલાં કહ્યું હતું કે ‘જસ્ટ બે મિનિટ વેઈટ કરોને… હું આ થોડા રીલ્સ પતાવીને ફ્રી થાઉં પછી તમને કહું છું…’

વધુ મજેદાર ખબરો માટે જોતા રહો અમારા ફેક ન્યુઝ !

***

- મન્નુ શેખચલ્લી

Comments