માતૃભાષા દિવસે મમ્મીની ભાષા !

અમને મહિલાઓ માટે માન છે. એમાંય માતાઓ માટે પુરેપુરું સન્માન છે. જોકે આજે ‘માતૃભાષા દિવસ’ છે. એટલે યાદ આવ્યું કે આજકાલની મમ્મીઓ એમનાં ઇંગ્લીશ મિડીયમ સંતાનો સાથે કઈ ભાષામાં વાત કરી રહી છે ? સાંભળો થોડા નમૂના…

*** 

ચલો બેટા, ક્વિક્લી ક્વિક્લી મિલ્ક ડ્રીંક કરીને ફીનીશ કરો, નહિતર મમ્મી પછી એન્ગ્રી થઈ જશે !

*** 

તને ટેન ટાઇમ્સ કીધું ને, કે ડસ્ટમાં જઈને પ્લે નહીં કરવાનું ? પછી ક્લોધ્સ ડર્ટી થઈ જશે તો વોશ કોણ કરશે ?

*** 

કમ ઓન… વન અવર ફીનીશ થઈ ગયો, હવે મોબાઈલમાં ગેમ્સ રમવાનું સ્ટોપ કરો અને મમ્મીને ફોન રીટર્ન કરો ? નહિતર ડેડી હોટ થઈ જશે !

*** 

એવરી ડે એવરી ડે લર્ન કરેલું કેમ બધું ફરગેટ થઈ જાય છે ? પ્રોપરલી સીટ કરો અને બધું ટેન ટાઈમ્સ રીડ કરીને રીમેમ્બર કરો…

*** 

ટિફીનમાં કેમ બધું રીમેઈન રહી જાય છે ? ડેઈલી ડેઈલી કંઈ બ્રેકફાસ્ટમાં પિઝા ને સેન્ડવનીચ ના હોય. રોટલી એન્ડ શાક પણ ઈટ કરવુ પડે ! જો, શાકમાં ડિફરન્ટ ડિફરન્ટ વેજીટેબલ્સ હોય અને વેજીટેબલ્સમાં વિટામિન હોય ! તું જો વિટામિન્સ નહીં ખાય તો સિંગલ એન્ડ થિન રહી જઈશ !

*** 

હવે, સો મચ હોમવર્ક મમ્મી અલોન અલોન કેવી રીતે કરશે ? હવે તું ગ્રો થઈ ગયો છે. સેલ્ફથી હોમવર્ક કરવાનું લર્ન કર… ટોટલ હોમવર્ક મમ્મી કરશે તો મમ્મી કુકીંગ ક્યારે કરશે ?

*** 

તને ટિચરે ‘ગુજરાતીના સબજેક્ટમાં ટ્વેન્ટી લાઈન્સનો એસે લખવાનું એસાઈનમેન્ટ આપ્યું છે ને ? તો ડેડીને પૂછ… એ તને ટીચ કરશે…

અને દાદા-દાદીને વિડીયો કોલ કરીને પૂછવાનું નથી ! એ લોક ટીચ કરવાને બદલે લેકચરીંગ કરશે…’

***

- મન્નુ શેખચલ્લી

Comments