આપણાં હિન્દી ફિલ્મ ગાયનોમાં ખજાનો છૂપાયેલો છે ! અમુક ગાયનો વરસો પછી નવેસરથી સાંભળો તો એમાં અલગ જ દૃશ્યો દેખાય છે ! જુઓ…
***
‘કહ દો કોઈના કરે
યહાં પ્યાર…
ઇસ મેં ખુશીયાં હૈં કમ
બેશુમાર હૈ ગમ…’
અહીં કવિને કોઈ બગીચામાં ચોકીદારની નોકરી લાગી છે. અંધારું થાય ત્યારે અમુક કપલિયાં જે ખૂણે ખાંચરે ભરાઈને બેઠાં હોય તેમને બહાર કાઢવા માટે કવિ ઊંચા અવાજે આ ‘ચેતવણી’ ગાઈ રહ્યા છે.
***
‘તેરી જુલ્ફોં સે જુદાઈ
તો નહીં માંગી થી
કૈદ માંગી થી, રિહાઈ
તો નહીં માંગી થી…’
અહીં માથે ટાલ પડી ગયા પછી કવિએ જે જુલ્ફાંદાર વિગ બનાવડાવી હતી તે હેલ્મેટ વિના ફૂલ સ્પીડે સ્કૂટર ચલાવવા જતાં માથા ઉપરથી ઉડી ગઈ છે ! હવે ગાયન ફરીથી વાંચો…
***
‘અરી ઓ, શોખ કલિયોં
મુસ્કુરા દેના, વો જબ આયે…’
અહીં કવિ ફૂલબજારમાં વાસી ફૂલો વેચવા બેઠા છે ! સવારથી કોઈ ઘરાક આવ્યું નથી… કવિ વારંવાર વાસી ફૂલો ઉપર પાણી છાંટતા રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ‘કોઈ ઘરાક આવે તો પ્લીઝ, જરા ફ્રેશ દેખાજો ! બોણી પણ નથી થઈ…’
***
‘ચમન તુજને સુમન
મારી માફક છેતરી જાશે…’
આ ગુજરાતી ગીતના કવિની ‘સુમન’ નામની પ્રેમિકા નથી ! અને તે ‘ચમન’ નામના દોસ્તને પોતાની વોટ્સએપ ચેટ ફોરવર્ડ નથી કરી રહ્યા ! અહીં કેસ એવો છે કે ‘સુમનલાલ’ નામનો કરુબાજ કવિનું ઓનલાઈન કરી ગયો છે ! હવે કહે છે, ચમનિયા, તું ચેતજે !
***
‘જો તુમ કો હો પસંદ
વો હી બાત કરેંગે
તુમ દિન કો અગર રાત
કહો, રાત કહેંગે…’
આ તો સિમ્પલ છે ! અહીં કવિ પરણી ગયા છે…!!!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment