હવે પ્રેમ પણ અઘરો ?

હાલમાં જે ‘વેલેન્ટાઈન ડે’નો તહેવાર ગયો એમાં લેખકો અને ચિંતનકારોએ પ્રેમ વિશે જે લેખો લખ્યા, જે ભાષણો કર્યાં… એ વાંચી સાંભળીને થયું કે…

*** 

અગાઉ તો ધર્મને સમજવો અઘરો હતો, ભગવાનને સમજવા અઘરા હતા… હવે ‘પ્રેમ’ પણ અઘરો થઈ ગયો, બોસ !

*** 

તમે મને કહો, શું ‘ક્રિકેટ’ને સમજાવવું પડે છે ? શું કોઈ દહાડો એવો લેખ વાંચ્યો કે ‘ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકર એની સ્કેવર-કટ દ્વારા શું કહેવા માગે છે ?’

*** 

શું કોઈ ડાયરાના કલાકારને એવું કહેતાં સાંભળ્યા છે કે ‘આ ક્રિકેટ ટીમમાં અગિયાર જણાની જ ટીમ કેમ હોય છે ? કેમ દસ નહીં ? કેમ બાર નહીં ?.... આ અગિયારનો મહિમા હમજવા જેવો છે બાપલ્યા…’

*** 
ક્રિકેટ છોડો, શું ‘શેરબજાર’માં કોઈ તત્વજ્ઞાન છૂપાયેલું છે ? શા માટે સંતો આપણા સટોડિયાઓને ‘મંદીનું મહાત્મ્ય’ અને ‘તેજીનું તત્વજ્ઞાન’ વિશે પોતાના ગહન જ્ઞાનનો લાભ નથી આપતા ?
(અરે, ‘તેજી-મંદી મનમાં ન આણીએ…’ એવું ભજન પણ કોઈ કવિ લખતા નથી.)

*** 

જે રીતે ‘સાચો પ્રેમ કોને કહેવાય ?’ એના ઉપર ભાષણો ઠોકે છે એ રીતે કોઈ કવિ ‘સાચા શેરને શી રીતે પામવો ?’ એનું પિંજણ કેમ નથી કરતા ?

- કેમ કે શેરબજાર ભલે અઘરું હોય, ‘પ્રેમ’ તો એનાથી ય અઘરો છે ! ભૈશાબ !

*** 

ના ના, શું હજારો લાખો પ્રેમીઓનાં દિલ ‘પ્રેમ’માં જ તૂટે છે ?

શું ઇન્ડિયા છેલ્લા બોલે એક રનથી હારી જાય, શેરબજારમાં ૪૦૦૦ પોઈન્ટનો કડાકો બોલી જાય, મેડિકલ એડમિશન માત્ર એક માર્કથી છૂટી જાય કે ફક્ત એક ઓટીપી એન્ટર કરતાંની સાથે જ બેન્કમાંથી ૯૭ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા ઉપડી જાય…

ત્યારે દિલ નથી તૂટતાં ? ભૈશાબ તૂટે જ છે ! છતાં એના ગાયનોને શાયરીઓ હોય છે ? ના, કેમકે અઘરો તો ‘પ્રેમ’ જ છે ને ?

*** 

માટે હે કવિઓ, લેખકો અને ચિંતનકારો જરા દયા કરો… પ્રેમને વધારે અઘરો ના બનાવો. પ્લીઝ.

***

- મન્નુ શેખચલ્લી

Comments