‘આવડો આ ટ્રમ્પ એના મનમાં શું સમજે છે ? ભારતનું નાક કાપી નાંખ્યું !’
અમે અમારા ફ્રેન્ડ કમ ફિલોસોફર સમાન રણઝણસિંહના ઘરમાં પ્રવેશતાં જ અમારો બળાપો કાઢી નાંખ્યો.
રણઝણસિંહ ચમક્યા. ‘આલેલે ! સું થ્યું ? અમેરિકાએ મુંબઈ પર આતંકવાદી હૂમલો કઈરો ?’
‘આમાં આતંકવાદી હૂમલો ક્યાંથી આવ્યો ? એ પણ મુંબઈ ઉપર ?’
‘ના ના ! આ તો તેં ભારતનું નાક વાઢવાની વાત કરીને ? અટલે… કેમકે ઈ ટાણે તો હંધાય મીણબત્તીયું લઈને રોવા બેઠા તા ! કોઈને ભારતનું નાક દેખાણું જ નોતું ?’
અમે છંછેડાયા. ‘તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો ? આપણા ઇન્ડિયનોને આમ હાથકડીઓ બાંધીને પાછા મોકલે છે, એ કેમ ચલાવી લેવાય ?’
‘જો મન્નુડા !’ રણજણસિંહે હિંચકા ઉપર પલાંઠી વાળતાં કહ્યું ‘આ અગાઉ બાઈડનની સરકારે ભારતના ૧૧૦૦ અને ૧૬૦૦ ઘૂસણખોરુંને પાછા મોકલ્યા 'તા. એની હાંમે હજી તો માંડ ૨૦ ટકા જ થ્યાં.’
‘પણ આમ હાથકડી પહેરાવીને ?’
‘તો જ એની અસર થાય ને ? હવે કેવું મિડીયામાં કવરેજ થ્યું ? ઘરેણાં અને જમીન વેચી વેચીને જે ગ્યા તા એમની કેવી નામોશી થઈ ? ઓલ્યા ‘ડોંકી’ રૂટમાં કેવી કેવી યાતનાઉં છે એની યે વાતું કેવી બહાર આવી ? આ હંધાયની બે જ શબ્દમાં અસર વર્ણવી હોય તો એક ગુજરાતી પિચ્ચરનું નામ જ કાફી છે.’
‘કિયું ગુજરાતી પિચ્ચર ?’
‘ફાટી ને ?’
અમે હસી પડ્યા ! છતાં પૂછ્યું ‘જો ટ્રમ્પ ખરેખર તમામ ઘૂસણખોરોને ખદેડી મુકવા માગતા હોય તો કેટલા વરસ લાગશે ?’
‘અલ્યા, કોણે કીધું કે એ હંધાયને કાઢી મુકશે ? આ તો એની વોટ-બેન્કનો મામલો છે !’
‘વોટ-બેન્ક ?’ અમે ગુંચવાયા.
‘જો, ધારો કે મોદીજી બે ચાર ટ્રક ભરીને બાંગ્લાદેશી ઘૂસણખોરોને બોર્ડર પર મોકલી આપે તો આંયા કરોડો લોકો રાજી થાય કે નંઈ ?’
‘થાય જ ને ?’
‘તો બસ ! ટ્રમ્પ પણ ઈ જ કરે છે ! દે તાળી !’
રણઝણસિંહે તાળી માગી પણ અમારો હાથ માથું ખંજવાળવામાં બિઝી હતો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment