આપણી સેન્ડવીચ જનરેશન !

સેન્ડવિચ જનરેશન એટલે કોણ ? જે લોકો ૧૯૫૦થી ૧૯૭૫ની વચ્ચે જન્મ્યા છે એવા લોકો યાને કે જેમની ઉંમર આજે ૫૦થી ૭૫ની વચ્ચે છે, એવા ! એમની દશા ખરેખર દયાજનક છે… જુઓ.

*** 

એક જમાનામાં ભાડાની સાઈકલ લાવીને મેદાનમાં દોડાવવી એ જલસો હતો…

આજે ઘરમાં કાર છે, પણ ચલાવતાં આવડતી નથી !

*** 

એક સમયે ‘ભારત બંધ’ ‘ગુજરાત બંધ’ ‘રેલ્વે બંધ’ ‘ચક્કા-જામ’ હડતાલો, કરફ્યુ… વગેરેથી જનજીવન બંધ રહે તેનાથી ટેવાઈ ગયા હતા…

આજે બે કલાક ઇન્ટરનેટ બંધ રહે તો અકળાઈ જવાય છે !

*** 

બાપા બે લાફા મારે તો સામું એક અક્ષર બોલાતું નહોતું. ઉલ્ટું પગે પડીએ તોય ઠપકો મળતો હતો…

આજે છોકરાંઓ સામું એક અક્ષર બોલતાં ડર લાગે છે. (ક્યાંક ‘ડિપ્રેશન’માં ના જતો રહે) ઉપરથી મારા બેટાઓ પગે પડીને ૫૦૦-૫૦૦ રૂપિયા કઢાવી જાય છે !

*** 

નાના હતા ત્યારે બાપાઓ, કાકાઓ, મામાઓ અને વડીલો બધા જ શીખામણો આપતા હતા…

આજે બધા જુવાનિયાઓ ‘એડવાઈઝ’ આપે છે ! (અને લેતા તો એકેય નથી. બોલો.)

*** 

ફિલ્મી ગાયનો, ગરબા, આરતી, થાળ, ભજનો, શ્ર્લોક વગેરે મોઢે હતાં…

આજે ય મોઢે છે. પણ સાલું, કોઈને સાંભળવું જ નથી ! શું કરીએ ?

*** 

એ વખતની પેઢીને ઇંગ્લીશમાં બોલવાનાં ફાંફાં હતાં… છતાં આજે ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લીશ આવડે છે.

આજની પેઢીને ગુજરાતીમાં ફાંફાં છે !! અને ગ્રામેટિકલી કરેક્ટ ગુજરાતી તો ભૈશાબ, ક્યારે શીખશે ?

*** 

એ વખતે રેશનની દુકાને લાઈન, ટ્રેન માટે લાઈન, સિટી બસ માટે લાઈન, અરે, પિક્ચરની ટિકીટો માટે લાઈન લાગતી હતી… ત્યારે કહેતા હતા ‘અરે… આ દેશનું શું થશે ?’

આજે ટ્રાફિકમાં માંડ અડધો કિલોમીટરની લાઈન લાગે છે તો કારમાં બેઠાં બેઠાં કહીએ છીએ ‘અરેરે… આ દેશનું શું થશે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments