જે રીતે આજના સિનિયર સિટીઝનો મોટા મોટા ફાંકા મારે છે કે ‘અમે તો થાંભલાની લાઈટ નીચે ભણતા...’ ‘હું તો એક જ પતંગથી ૪૦-૪૦ પેચ કાપતો…’ ‘ટ્રાન્ઝિસ્ટર રેડિયામાં નેક્સ્ટ ગાયન કયું આવશે એ હું બે મિનિટ પહેલાં કહી દેતો…’
એ રીતે આજે જે મિડલ-એજ પપ્પાઓ છે એ ઘરડા થશે ત્યારે કેવી ઊંચી ઊંચી ફેંકતા હશે ? સાંભળો…
***
એ વખતે નોકીયાના બ્લેક એન્ડ વ્હાઈટ ફોન આવતા. એમાં સાપોલિયાંની ગેમમાં મેં ૯૯૯૯ પોઈન્ટ કરેલા ! પછી ફોન જ અટકી ગયેલો !
***
ફેસબુકમાં તો ૧૧૦૦૦થી વધારે છોકરીઓ મારી ફ્રેન્ડ હતી ! ફેસબુકે મને સર્ટિફીકેટ પણ આપેલું ! બતાડું ?
***
મોદી તો અહીં મણિનગરમાં જ સ્કુટર પર આંટા મારતા હતા ! એક વાર બગડી ગયેલું તો મેં જ કીકો મારીને ચાલુ કરી આપેલું…
***
અચ્છા, કચ્છની પ્રખ્યાત દાબેલી તો એ વખતે અમદાવાદમાં હતી જ નહીં ! એની પહેલી લારી કોણે સ્ટાર્ટ કરેલી ખબર છે ? તારા કાકાએ !
***
સ્કૂલમાં ફ્રી પિરિયડ હોય તો હું ટોરેન્ટ પરથી બધાને ઇંગ્લીશ પિક્ચરો ડાઉનલોડ કરી આપતો હતો ! કેમકે મને વાઈ-ફાઈનો પાસવર્ડ ચોરતાં આવડી ગયેલું….
***
સાઈબર ક્રાઈમમાં આપડી માસ્ટરી હતી હોં ! પણ પોલીસને હજ્જી યે ખબર નથી, બોલ.
પણ પછી બધું છોડી દીધું, કેમકે તારી કાકીને એ પસંદ નહોતું. બાકી….
***
ટેસ્લા-ટેસ્લા શું કરે છે ? કોલેજમાં ટેકનોલોજી પ્રોજેક્ટમાં અમે ચાર જણાએ આખી ઇલેક્ટ્રીક કાર બનાયેલી ! પણ કોઈએ પાછળથી એનો ફ્યુઝ ઉડાડી મુકેલો…
***
અને તને શું લાગે છે, તારી આ કાકી ઓરીજીનલ છે ? ના…! એ તો કુંભમેળામાં અદલા-બદલી થઈ ગયેલી ! એને હજી ખબર જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment