વાંક રાજકપૂરની 'બોબી'નો !

આખી વાતમાં વાંક ન તો અમારા દોણજા ગામના વિનોદભાઈનો હતો, ન તો એમની પત્ની સંજનાનો હતો કે ન તો વિનોદભાઈ સાળા રાકેશ ઉર્ફે રિન્કુનો હતો… જો કોઈનો વાંક હતો તો એ રાજકપૂરનો હતો !

તમને થશે કે યાર, નાના ગામડાની વાતમાં રાજકપૂરનો વળી શું વાંક ? તો મારા સાહેબો, માત્ર રાજકપૂર જ નહીં, રિશિ કપૂરનો પણ ખરો, ડિમ્પલ કાપડિયાનો પણ ખરો અને ખાસ તો ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘બોબી’નો !

એમાંય જો મુજરીમના કઠેડામાં કોઈને સંપૂર્ણપણે દોષી માનીને હાજર કરવામાં આવે તો તે ‘બોબી’ ફિલ્મમાં લોન્ચ થયેલી ‘બોબી’ નામની બાઈકનો જ વાંક હતો !

બોલો, લાગ્યોને કિસ્સો ગજબનો ? તો વાત એમ હતી કે, ૧૯૭૩માં ‘બોબી’ ફિલ્મ આવી હતી. એમાં ક્લાઈમેક્સના દૃશ્યોમાં રાજદૂત કંપનીનું નાનકડું ૧૩૫ સીસીનું બાઈક ‘બોબી’ લઈને રીશી કપૂર તથા ડિમ્પલ કાપડિયા ઘરેથી ભાગી નીકળે છે, યાદ આવ્યું ?

એ પછી દેશભરમાં એ ‘બોબી’ બાઈકની ભારે ઘેલછા જાગેલી. એ હાઈપમાં અમારા દોણજા ગામના વિનોદભાઈ પણ આવી ગયેલા. આમ જોવા જાવ તો ૩૨ વરસની ઉંમરે ભલે એમનો ચહેરો પ્રાણ જેવો રહ્યો, પણ હેર-સ્ટાઈલ તો રાજેશ ખન્ના જેવી જ રાખતા ! 

એ તો ઠીક ‘બોબી’ પિકચર પહેલી વાર સાથે જ જોતાંની સાથે જ એ ડિમ્પલ કાપડિયાના આશિક બની ગયેલા. એમાંય જ્યારે ખબર પડી કે ડિમ્પલ તો રાજેશ ખન્નાને પરણી ગઈ છે, ત્યારથી એ પોતાને ડિમ્પલના ધણી જ માનતા હતા.

જોકે વિનોદની પત્ની સંજનાને એનો ખાસ વાંધો નહોતો કેમકે એ જાણતી હતી કે એમ કંઈ રાજેશ ખન્નાની હેર-સ્ટાઈલ રાખવાથી કોઈ કાગડાને દહીંથરૂં મળી ન જાય. પરંતુ વાત આપણે પેલી ‘બોબી’ બાઈકની કરતા હતા.

તો થયું એવું કે ‘બોબી’ પિક્ચર જોયા પછી વિનોદભાઈને એ બાઈક એટલી ગમી ગઈ કે ગમે તે કિંમતે ‘બોબી’ ઘરે લાવવાનો દૃઢ સંકલ્પ નિર્ધાર કરી બેસેલા. બાઈકની નોંધણી છેક સુરતમં થતી હતી અને એમાંય પાંચ-પાંચ હજાર ‘ઓન’ બોલાતા હતા. છતાં એ ‘ઓન’ ચૂકવીને વિનોદભાઈ ‘બોબી’ને વાજતે ગાજતે અમારા ગામમાં લઈ આવેલા !

તમે નહીં માનો, પણ સુરતના શો-રૂમથી છેક અમારા ગામ સુધી ‘બોબી’ને તેડી લાવવા માટે એમણે ખાસ ટેમ્પો કરેલો‌ ! એટલું જ નહીં, ટેમ્પોના પાછલા ભાગે પોતાની વ્હાલી ‘બોબી’ને તડકો ના લાગે એટલા માટે ખાસ ઓઢણી ઓઢાડીને, ટેમ્પોના આંચકા ના લાગે એટલા માટે ગાદલાં બિછાવીને અને વ્હાલી ‘બોબી’ને રસ્તામાં કંઈ થઈ ના જાય એટલા ખાતર ઓલમોસ્ટ પોતાના ખોળામાં ઝાલીને વિનોદકુમાર ‘બોબી’ને ગામડામાં પોતાના ઘરે લઈ આવેલા.

રોજ સવારે ઊઠીને પોતે નહાય એ પહેલાં ‘બોબી’ને નવડાવવાની ! પોતે કપડાં પહેરીને તૈયાર થાય એ પહેલાં ‘બોબી’ને નવડાવવાની ! પોતે કપડાં પહેરીને તૈયાર થાય એ પહેલાં ‘બોબી’ને કપડું મારીને ચમકાવવાની ! અને રાતના સૂતાં પહેલાં ગુડનાઈટ કીસ પણ કરવાની !

હવે સ્ટોરીમાં પહેલો ટર્ન ક્યારે આવ્યો ? જ્યારે વિનોદભાઈની સગી બહેન સુનીતાનાં લગ્ન લેવાયાં.

મસ્ત મજાનો મંડપ બંધાયો છે… ગ્રહશાંતિની વિધિ શરૂ થઈ રહી છે… ગોર મહારાજ મંત્રો ભણી રહ્યા છે, અમુક મહેમાનો આવી રહ્યા છે, અમુક મહેમાનો આવી ચૂક્યા છે… ત્યાં વિનોદભાઈની પત્ની સંજનાને ફાળ પડે છે કે ‘હાય હાય ! અજુ લગી મારાં બ્લાઉઝ હીવવા (સીવવા) લાખેલાં તે નીં આઈવાં ! હહરીનો નવહારીવારો (નવસારીવાળો) દરજી તો કે’તો ઉતો કે ભાભી, તમુંને ઘેરેબેઠાં મોકલી આપા… પણ જો આજે ની આઈવાં, તો કાલે લગનમાં મેં હું પે'રવાની ?’

છેક નવસારીથી અમારા દોણજા ગામે બ્લાઉઝો મંગાવવા શી રીતે ? ત્યાં સંજનાને યાદ આવ્યો તેનો સગો ભાઈ રાકેશ ઉર્ફે રિન્કુ ! સંજનાએ તેના ૧૮ વરસના ભાઈને બોલાવીને કીધું :

‘જોનીં, કોઈનું સ્કુટર કે બાઈક લેઈને નવહારી જાનીં ? તાં બાબુલાલ ટેલરને તાં મારાં બ્લાઉઝ હીવવા લાખેલાં, તે લઈને વ્હેલો વ્હેલો આવી રેંની ? ને આવતાં ચીખલીથી રૂપલી માલણને તાંથી બબ્બે   ડઝન વેંણી ને ગજરા હો લાવવાનાં છે !’

હવે આ રાકેશ ઉર્ફે રિન્કુ પણ રિશી કપૂરના વહેમમાં ! ‘જુઠ બોલે કૌવા કાટે’વાળા ગાયનમાં જે બ્લુ કલરનો સફારી સૂટ રીશી કપૂરે પહેરેલો, ડીટ્ટો એવો જ તેણે પણ એ જ બાબુલાલ ટેલરને ત્યાં સીવવા નાંખેલો !

રિન્કુ તો આવી ગયો ફોર્મમાં ! ટુ-વ્હીલરનું સરકારી લાયસન્સ ન હોવા છતાં આ તો મોટી બહેનનું ઓફિશીયલ લાયસન્સ મળી ગયું ! એ કોલ ઊંચા કરતો નીકળ્યો ત્યાં જ એની નજર પડી બનેવીલાલના ‘બોબી’ ઉપર ! એને થયું, આજે તો હાથ સાફ કરી જ લઉં !

આ બાજુ સાળા સાહેબ ‘બોબી’ લઈને ઉપડ્યા નવસારી બાજુ ! અને પેલી બાજુ બનેવીલાલ, જે મંડપમાં ગોર મહારાજની સામે વિધિમાં બેઠા હતા, એમનું ધ્યાન આમ તો વિધિમા જ હતું, પણ થોડી થોડી વારે એમની નજર બિલકુલ ‘સ્ટ્રટેજિક’ જગ્યાએ પાર્ક કરેલી ‘બોબી’ ઉપર ફરતી રહેતી હતા, છતાં…

એક લાંબી વિધિ પડ્યા પછી એ જુએ છે તો ‘બોબી’ ત્યાંથી ગાયબ છે ! વિનોદલાલ આખી વિધિ દરમ્યાન ઊંચાનીચા થયા કરે ! ‘સાલી બોબી ગેઈ કાં ?’

ચાલુ વિધિએ ચાર જણાને બોલાવીને પૂછ્યું પણ ખરું : ‘જરીક જોની, મારી ‘બોબી’ કેમ દેખાતી નીં મલે ?’

અહીં પત્ની બાજુમા જ બેઠી છે છતાં એ બોલતી નથી કે ‘એ તો રિન્કુ લેઈને નવહારી ગેલો છે…’ કેમકે છેક નવસારીનું નામ પડે તો વિનોદ ચાલુ વિધિએ ભડકો થઈ જાય !

છેવટે વિધિ પતી અને જમણવાર પણ પતવા આવ્યો ત્યારે રિન્કુ ‘બોબી’ સાથે પાછો પ્રગટ થયો ! પણ આ શું ?

બનેવીલાલ જુએ છે કે ‘હહરીની ‘બોબી’નું સ્ટેરિંગ કેમ ત્રાંસુ થેઈ ગેલું લાગે ? એની બેનને…. લાઈટનો કાચ હો ફૂટેલો લાગે..’ અને જરીક નજીક જઈને જુએ છે તો એમની વ્હાલી ‘બોબી’ની કાયા (બોડી) ઉપર રીતસરના ચાર મોટામોટા કાપા ! (સ્ક્રેચ)

હકીકતમાં થયેલું એવું કે ‘જુઠ બોલે કૌવા કાટે’વાળો બ્લુ સફારી ઠઠાડીને રીશી કપૂરની સ્ટાઈલમાં પાછા આવતાં ૧૮ વરસના રિન્કુના હાથમાંથી પેલી માત્ર ૧૮ મહિનાની લાડકી ‘બોબી’ છટકી ગયેલી ! 

રિન્કુના કપાળે લાલ ચકામું હતું, કોણીઓ છોલાઈ ગયેલી હતી અને પેલો ‘જુઠ બોલે કૌવા કાટે’વાળી બ્લુ સફારી સૂટ પણ ઘુંટણ પાસેથી આજનાં ફાટેલાં જિન્સની ફેશન મુજબનો બની ગયો હતો.

છતાં બનેવીલાલને તો ‘બોબી’ જ દેખાતી હતી. એમનો પિત્તો ગયો ! જબરદસ્ત બહેન-સમાણી ગાળ દઈને એમણે સાળાને કચકચાવીને એક લાફો ઠોકી દીધો !

‘તારી તે જાતનો સાળો મારું ? મારી બોબીને લેઈને કાં ગેલો ? ને આ કાં ઠોકી આઈવો ? (વધુ ગાળો) કોને પૂછીને લેઈ ગેલો ? ને પૂછવાની કાં માંડતો છે ?(ગાળ ગાળ) બોબીને હાથ જ કેમ લગાઈવો ?’

વિનોદલાલે ઉપરા-છાપરી વધુ ત્રણ લાફા મારી દીધા !!!  મંડપમાં બે ઘડી સન્નાટો છવાઈ ગયો ! પણ પછી વડીલોએ વચ્ચે પડીને વિનોદલાલને સમજાવ્યા કે ઘરમાં હારા પ્રસંગે આવું હારું ની લાગે. શાંતિ રાખોનીં… વગરે વગેરે…

પરંતુ પેલી વિનોદની પત્ની સંજનાને બરોબરની ચાટી ગયેલી ! એ વખતે તો એણે તોબરો ચડાવીને જેમ તેમ પ્રસંગ પતાવ્યો પણ મહેમાનોની વિદાય થતાંની સાથે જ ઘર માથે લીધું !

‘આટલાં બધાં હગાં-વ્હાલાંની હાંમે મારા ભાઈને માઈરો જ કેમ ? એવી તો હું મોટી મહારાણી છે તમારી આ ‘બોબી’? બે પૈહાની બાઈકનાં હારું મારા ભાઈની ફજેત કરી લાખી… અવે મેં આ ઘરમાં નીં રે’વાની !’

અને ખરેખર લગ્ન પતતાંની સાથે જ સંજના તેના ત્રણ વરસના બાબાને લઈને પોતાને પિયર, રુઝવાણી ગામે જતી રહી !

આ બાજુ વિનોદભાઈ પણ ગરમાગરમ અંગારા જેવા ! એ કહે ‘જતી હોય તો જુત્તે મારી ! મેં તેને ઝાટ નીં મનાવવા જવાનો !’

આમ જુઓ તો બિચારી રાજદૂત કંપનીની ‘બોબી’ સંજનાની ‘સોતન’ જ બની કહેવાય ને ?

આખી વાતમાં બિચારી ‘રાજદૂત’ કંપની પણ શું કરી શકે ? હા, જ્ઞાતિના અમુક લોકોએ ‘શાંતિદૂત’ બનીને  બંનેને મનાવવાની કોશિશ કરી જોઈ. પરંતુ એ બધું ‘બોબી’ ઉપર પડેલા ચાર ઘા ઉપર મીઠું ભભરાવવા સમાન હતું.

આમ ને આમ દોઢ વરસ લગી ચાલ્યું. એ પછી પેલો રિન્કુ, વિનોદનો સાળો, રૂપિયા કમાવા માટે દુબઈ-મસ્કત ચાલી ગયો.

હવે જ્યારે ઝગડાનું કારણ જ સાસરીમાં નહોતું ત્યારે જમાઈરાજ જરા મોળા પડ્યા. સંજનાને તેડી લાવ્યા.
આમ ને આમ ત્રણેક વરસ નીકળી ગયાં. 

એ પછી સ્ટોરીના છેલ્લા ટ્વિસ્ટ જેવી ઘટના બની ! નવા વરસની ભાઈબીજ આવી, એટલે ભાઈ રિન્કુ એની બહેન સંજનાને ત્યાં ભાઈબીજ જમવા આવ્યો.

પણ એ આવ્યો પોતાની વિદેશી કમાણીમાંથી ખરીદેલી નવી નક્કરો, ચકાચક ‘બુલેટ’ બાઈક લઈને !

આ ‘ધકધક… ધકધક…’ ફાયરિંગ કરતી ‘બુલેટ’ વિનોદલાલના ઘરને બારણે આવીને ઊભી રહી ત્યારથી જ એમનાં પેટમાં તેલ રેડાયું ! ‘હહરીનો મારો હાળો, એની બુલેટ બતલાવીને મોટો રૂઆબ મારવા આવેલો કે ?’

આખરે શીરો-પુરી અને પાતરાં ખાઈને જ્યારે સાળો પલંગમાં આડો પડ્યો ત્યારે બનેવીલાલે સિફ્તથી ‘બુલેટ’ની ચાવી સેરવી લીધી !

બહાર નીકળીને ધીમેથી બાઈક સ્ટાર્ટ કરીને એ નીકળી પડ્યા.. મનમાં નક્કી જ હતું કે ‘એની બેનને… આજે તો તારી બુલેટને ઠોકીને જ બતલાવું !’

હવે ખેલ જુઓ... કોઈ માણસ ગફલતથી અકસ્માત કરી બેસે અને કોઈ જાણી જોઈને બાઈક ઠોકી મારવા માગતું હોય એમાં બહુ મોટો ફેર હોય છે ! બનેવીલાલ શોધે છે કે બાઈકને ક્યાં ઠોકું... ક્યાં ઠોકું...?

બીજા કોઈના ચાલતા વાહનમાં ઠોકવા જાય તો ઝગડો થઇ જાય, માર ખાવાનો વારો આવે ! કોઈ રસ્તે ઊભેલા ખટારા સાથે અથડાવે તો કંઈ ગેરંટી ખરી, કે બાઈકને મોટું નુક્સાન થાય ?

છેવટે આપણા વિનોદભાઈએ સામે દેખાતી દિવાલમાં પડતું મુકવા માટે બાઈક ધમધમાવી અને ધડાકાભેર અથડાવી મારી ! પરંતુ એ પહેલાં જે સેકન્ડના અડધા ભાગમાં બાઈક પરથી કૂદી જવાનું હતું એમાં ભૂલ કરી બેઠા !

પરિણામ અણધાર્યું આવ્યું... વિનોદલાલનો પગ ભાંગી ગયો !

બાકી હા, ‘નુકસાની’ બિલકુલ સેમ-ટુ-સેમ હતી… ત્રાંસુ થયેલું સ્ટિયરીંગ, ફૂટી ગયેલી લાઈટ અને બોડી ઉપર બરોબર ચાર જ કાપા ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. જોરદાર.... મોજ આવી ગઈ

    ReplyDelete

Post a Comment