આજે લોકસભામાં બજેટ રજુ થવાનું છે. નિર્મલાજીએ આમ તો આપણી સામે ગાજર લટકાવતાં કહ્યું છે કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટે અમુક કરવેરામાં ઘટાડો થશે.
પરંતુ નિર્મલાજીની આદત આપણે જાણીએ છીએ ! એ ડાબે હાથે આપીને જમણે-હાથ લઈ લે છે ! (પીએફની સ્કીમોની જેમ) એટલે અમે સામે ચાલીને થોડાં સૂચનો મુકી રહ્યા છીએ…
***
રેવડી ટેક્સ :
બિચારી ભારતની ગરીબ (ખાસ તો આળસુ) પ્રજાને મદદ કરવા માટે રાજકીય પક્ષો જે મહાન કાર્ય કરી રહ્યા છે તેમને શાંતિ થાય એટલા માટે હવે ખુલ્લેઆમ ‘રેવડી ટેક્સ’નું નામ જ પાડીને પ્રજાને ખંખેરવાનું રાખો ને, નિર્મલાજી !
***
મહિલા ટેક્સ :
આમાં તો ગરીબો કે આળસુઓને મદદ કરવાની વાત જ ક્યાં છે ? અહીં તો દેશની નારીશક્તિને જે સન્માન સદીઓથી નથી મળ્યું તે અપાવવાની વાત છે ! એટલે આને ‘રેવડી’ ગણી જ ના શકાય ! નિર્મલાજી, અમારી ખાસ વિનંતી છે કે આ ખાસ ટેક્સ માત્ર અને માત્ર પુરુષો પાસેથી વસૂલવામાં આવે ! કેમકે પુરુષોની કદી વોટબેન્ક બનવાની જ નથી !
***
સ્કેમ ટેક્સ :
જ્યાં જરૂર નથી ત્યાં ફ્લાયઓવર તાણી બાંધવાના, પુલ બંધાય પછી તરત જ તોડી પાડવાના, વાહનોનાં ટાયરો ફાટી જાય એવા ખતરનાક હાઈવે બનાવવાના, ૩૦ કરોડની જરૂર હોય ત્યાં ૩૦૦ કરોડ ખર્ચી નાંખવાના… આ પ્રકારનાં ‘વિકાસકાર્યો’ માટે અલગથી ટેક્સ નાંખો, નિર્મલાજી ! નહીંતર ‘રેવડી’ માટે પૈસા ક્યાંથી બચશે ?
***
માફી-માંડવાળી ટેક્સ :
નાણાંકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવો, મેડમ ! દર વરસે મોટા ઉદ્યોગપતિઓને ૧૦થી ૧૨ લાખ કરોડ ટેક્સ માફી કે લોનોની માંડવાળી કરવા માટે ‘પ્રમાણિકતાપૂર્વક’ પ્રજા ઉપર આ નામનો સીધો જ ટેક્સ નાંખોને !
***
ભક્તિ ટેક્સ :
ભાજપના કરોડો સભ્યો ઉપરાંત દેશમાં બીજા કરોડો ‘ભક્તો’ છે ! એમની પાસેથી ભક્તિ ટેક્સ ઉઘરાવો… ભલે એનું નામ ‘વિશ્વગુરુ સ્વપ્ન સંકલ્પ સંન્નિધિ ફાળો’ રાખો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment