આધુનિક વિજ્ઞાન માણસનું ભલું કરે છે ? કે માણસને બગાડે છે ? અમુક એંગલથી જુઓ તો ચિત્ર અલગ જ દેખાય છે ! જુઓ…
***
અગાઉ લોકો કૂવા, તળાવ અને નદીનાં ‘મેલાં’ પાણી પીને ૧૦૦ વરસ જીવી જતા હતા…
પરંતુ સાયન્સે આપણને ‘મિનરલ’ વોટરની બોટલો આપી, ઘેર ઘેર RO નાંખી આપ્યાં… તો હવે લોકો ૪૦-૫૦ વરસમાં જ ખખડી જવા લાગ્યા છે !
***
અગાઉ લોકો ઘાણીનું ‘અશુદ્ધ’ તેલ ખાઈ ખાઈને ૭૦ વરસની ઉંમરે પણ બબ્બે ડઝન લાડવા પચાવી જતા હતા…
પરંતુ સાયન્સે આપણને ફિલ્ટર, ડબલ-ફિલ્ટર, લો-ફેટ, લો-કોલેસ્ટ્રોલ ટાઈપનાં તેલ શોધી આપ્યાં ! હવે જાતજાતનાં ‘ડાયેટ કંટ્રોલ’ કરવા છતાં ફાંદ વધતી જ જાય છે !
***
અગાઉ તો મીઠાનાં ગાંગડા મળતા હતા ! જેમાં માટી ઉપરાંત જાતજાતની ‘અશુદ્ધિઓ’ હતી…
પરંતુ સાયન્સે માનવજાતને ‘રિફાઈન્ડ’ ‘આયોડીનયુક્ત’ નમકની ભેટ આપી ! હવે નાના બાળકો ‘કુપોષણ’નો શિકાર બને છે અને મોટાઓનું ‘બીપી’ હાઈ થતું જાય છે ! કુછ તો ગડબડ હૈ…
***
અગાઉ લોકો બાવળ-લીમડા અને બબૂલનાં દાતણ ચાવતા, દાંતમાં મીઠું અને કાળું દંતમંજન ઘસતા… છતાં ૭૦-૮૦ વરસે પણ દાંત વડે અખરોટ તોડી શકતા હતા…
પરંતુ વિજ્ઞાને પેઢાં મજબૂત કરનારી, ‘કીટાણુંઓ કા સફાયા કરનેવાલી’, ‘કીટાણુંઓં સે લડતે રહેનેવાલી’ અને ‘મસૂડોં કો મજબૂત કરનેવાલી’ ટૂથપેસ્ટો બનાવી આપી… છતાં ૩૨ વરસ ન થયાં હોય ત્યાં તો બત્રીસીમાં સડો ઘૂસી જાય છે !
***
અગાઉ તો પેંડા, બરફી, લાડવા, જલેબી, ઘેબર, મોહનથાળ, મોતીચૂરના લાડુ, ઘી વડે લથપથ થતો શીરો, લાપસી, ખડી સાકરનાં પતાસાં… આ બધું જ ઠાંસીઠાંસીને ખાતા હતા… છતાં ‘ડાયાબિટીસ’નું નામ પણ ખબર નહોતી…
પરંતુ વિજ્ઞાને ‘શુગર-લેવલ’ની શોધ કરી ! ‘કોલોસ્ટ્રોલ’ની શોધ કરી ! ‘શુગર-ફ્રી’ ગોળીઓ શોધી કાઢી ! હવે આજે બાર વરસના બાબલાને પણ ડાયાબિટીસ પકડાય છે ! બોલો.
***
આમાં સમજવા જેવી વાત એક જ છે : જેમ જેમ સાયન્સ ‘સ્ટ્રોંગ’ થયું, તેમ તેમ માણસ ‘વીક’ બનતો ગયો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment