હિન્દી ફિલ્મોનાં ગાયનો તો જ્ઞાનનો મહાસાગર છે ! એમાં જ્યારે પણ ડૂબકી મારો ત્યારે સાવ નવાં નવાં અણમોલ મોતી મળી આવે છે ! દાખલા તરીકે, અમુક સેડ સોંગ્સને જરા અલગ એંગલથી જુઓ તો કંઈ જુદું જ દેખાશે !
***
‘દુશ્મન ન કરે, દોસ્તને
વો કામ કિયા હૈ
ઉમ્રભર કા ગમ હમેં
ઇનામ દિયા હૈ…’
આ ગાયનને મોદી સાહેબના એંગલથી સાંભળો ! ડોનાલ્ડ ટ્રમ્પ જે એક જમાનામાં સાહેબના ખાસ ‘મિત્ર’ હતા. એમણે પોતાની શપથવિધિમાં સાહેબને આમંત્રણ જ ના પાઠવ્યું ! બોલો.
***
‘તસવીર બનાતા હું
તસવીર નહીં બનતી…’
બિચારા કોંગ્રેસીઓ અને એમની મિડીયા ગેંગ માંડ માંડ રાહુલ ગાંધીની ઇમેજ (તસવીર) બનાવે છે ત્યાં તો ખુદ રાહુલ બાબા જ કંઈક અગડમ બગડમ નિવેદન આપીને આખી ઈમેજની પથારી ફેરવી નાંખે છે ! (જેમકે હમણાં એ બોલ્યા કે ‘આઈ એમ ફાઈટિંગ ધ સ્ટેટ ઓફ ઇન્ડિયા !’)
***
‘સબ કુછ લૂટા કે હોશ મેં
આયે તો ક્યા કિયા
દિન મેં અગર ચરાગ
જલાયે તો ક્યા કિયા ?’
આ ગુજરાત સરકારનું સેડ સોંગ છે ! ખ્ચાતિકાંડ, બીઝેડકાંડ, જમીનકાંડ, ગેમિંગ ઝોનકાંડ… દરેક વખતે સરકાર મોડે મોડે જાગે છે અને પછી ધોળે દહાડે દીવો લઈને ગુનેગારોને શોધે છે !
***
‘રહતે થે કભી જિન કે દિલ મેં
હમ જાન સે ભી પ્યારોં કી તરહા
બૈઠે હૈં ઉન્હી કે કૂચે મેં
હમ આજ ગુનહગારોં કી તરહા !’
તિહાડ જેલમાંથી માંડમાંડ જામીન પર છૂટેલા અરવિંદ કેજરીવાલ અને એમના સાથીઓનું આ ફની કોરસ ગાયન છે !
***
‘તુમ્હારી નજર ક્યું
ખફા હો ગઈ…
ખતા બક્ષ દો
ગર ખતા હો ગઈ…’
૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે હમાસે ઇઝરાયેલ ઉપર હુમલો કરવાની જે ‘ખતા’ (ભૂલ) કરી હતી તેના સાંધેસાંધા છૂટા પડી ગયા પછી હવે ઘુંટણીયે પડીને યુદ્ધવિરામની માફી માગે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment