હિન્દી ભાષામાં ઓછી જાણીતી છતાં બિલકુલ અનોખી હોય એવી અમુક કહેવતો છે જેને આજના માહૌલમાં જોડો તો ક્યાંક ને ક્યાંક બહુ મજેદાર રીતે ફીટ થાય છે ! જુઓ…
***
‘અંધા બાંટે રેવડી ફિર-ફિર,
અપનોં કો હી દેય’
આ કહેવત અરવિંદ કેજરીવાલ ઉપર કેવી મસ્ત ફીટ થાય છે ! મફત વીજળી, મફત દવા, મહિલાઓને રોકડ, મૌલવીઓને પગાર… એવી રેવડી વહેંચવાનો ઢોંગ કરતાં કરતાં પોતે પોતાના સરકારી આવાસમાં ૨૭ લાખના ટીવી સહિત આઠ કરોડનું ઇન્ટિરીયર કરાવી લીધું ! લિકર કૌભાંડ તો અલગ…
***
‘અબ’ કી ‘અબ’ કે સાથ
‘જબ’ કી ‘જબ’ કે સાથ
આ તો નિતીશ કુમારનો જીવનમંત્ર છે ! ‘જિસ કે તડ મેં લડ્ડુ ઉસ કે તડ મેં હમ’વાળા આ ચબરાક નેતા હજી લાલુ યાદવ અને શાહ-મોદી બંનેને નચાવી રહ્યા છે. હમણાં ભલે અહીં હોય પણ સમય પલટતાંની સાથે એ પલ્ટુરામ ત્યાં પણ હોઈ શકે છે.
***
‘જીભ જલી ઔર
સ્વાદ ભી ન આયા’
બિચારા ક્રિકેટર ગવાસકર સાથે આવું જ બની રહ્યું છે ! ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરિઝમાં આ ભાઈ સતત ટીકાઓ કરતા રહ્યા, સલાહો આપતા રહ્યા… છેવટે અકળાઈને કહેવું પડ્યું કે ‘હા, અમારું સાંભળવાની ક્યાં કોઈને જરૂર જ છે ?’
***
‘ચૌબે ગયે છબ્બે બનને
દૂબે બનકર લૌટે’
કેનેડાની પ્રમુખ જસ્ટિન ટ્રુડોની બિલકુલ આ જ હાલત થઈ છે ! ખાલીસ્તાનીઓનો સાથ લઈને ભારત સામે ફૂંફાડા મારતા રહ્યા, સત્તા ટકાવી રાખવા માટે છીછરું રાજકારણ રમતા રહ્યા… પણ છેવટે ‘કટ-ટુ-સાઈઝ’ થઈને રાજીનામું આપવું પડ્યું.
***
‘ચિકને ઘડે પર કભી
પાની નહીં ઠહરેગા’
અમેરિકાના ટ્રમ્પ પણ કંઈ ઓછા નથી, એમની નફ્ફટાઈના, જુઠ્ઠાણાનાં, ગોટાળાના આટલા બધા મામલા જાહેર છે, ઉપરથી એક કેસમાં ૧૦મી તારીખે સજા પણ થવાની છે. છતાં એમની ઉપર કોઈ અસર છે ખરી?
***
‘દો ટકે કી મુર્ગી
નૌ ટકા મહેસૂલ’
જીએસટી…! એ પણ એક પાણીપુરી વેચનાર ઉપર ૪૦ લાખની નોટિસ ! બોલો છે ને પરફેક્ટ કહેવત ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment