પ્રિ-વેડિંગ શૂટની વિધિ !

વરસો પહેલાં ગોર મહારાજોને કલ્પના સુધ્ધાં નહીં હોય કે લગ્નોમાં જતે-દહાડે ‘પ્રિ-વેડિંગ શૂટ’ નામની વિધી ઉમેરાઈ ગઈ હશે !

એ તો ઠીક, એ વિધિમાં કોઈ ગોરમહારાજની પણ જરૂર જ નહીં પડતી હોય ! બાકી આજકાલના પ્રિ-વેડિંગ શૂટ જોવા જેવાં હોય છે…

*** 

દરેક કપલને લાગે છે કે પોતે તો ફિલ્મસ્ટારો બનવા માટે જ સર્જાયા હતા ! પરંતુ પેલી બારમા ધોરણની એક્ઝામે જ આખી કરિયર બરબાદ કરી નાંખી !

*** 

કોમેડી ત્યારે થાય છે જ્યારે દેખાવે અને સ્વભાવે અજય દેવગણ જેવા મૂરતિયાને ટાઇગર શ્રોફના ડાન્સ જેવાાં સ્ટેપ્સ આપીને નાચવા માટે મજબૂર કરવામાં આવે છે !

*** 

ટ્રેજેડી ત્યારે થાય છે જ્યારે કન્યા મૂરતિયાની આંગળી પકડીને ‘શક્તિમાન’ જેમ ગોળ ગોળ ફૂદરડી ફરતી હોય છે… અને પેલા ડફોળ મૂરયિતાને ખબર જ નથી કે આ છેલ્લી ઘટના છે જ્યારે ચોકરી એની આંગળી ઉપર નાચતી હશે !

(કેમ કે પછી તો ઉલ્ટું જ થવાનું છે.)

*** 

આમાં આખો એક લિગલ એંગલ પણ છે ! કેમકે વેડીંગ ફોટોગ્રાફર પેલા કપલને સૂમસામ ખંડેર જેવી જગ્યાઓ ઉપર લઈ જાય છે, કપલને ‘રોમાન્સ’ કરવા માટે કહે છે, ‘ઇન્ટીમેટ’ થવા માટે ઉશ્કેરે છે… અને પછી એનો ‘વિડીયો’ ઉતારી લે છે !

છતાં આમાં કોઈને ‘પ્રાયવસી’નો ભંગ દેખાતો નથી ! બોલો.

*** 

અચ્છા, અમુક સુંદર બગીચાઓ, નદી કિનારા, ઓવારા અને ઝરુખાઓ તો એટલા ફેમસ હોય છે કે મેરેજ સિઝનમાં ત્યાં દસ-દસ કપલ પોઝ આપવા માટે લાઈનમાં રાહ જોતા હોય છે !

યાર, આવું તો સમૂહ લગ્નોમાં પણ નથી હોતું !

*** 

આ બધામાં સૌથી વધુ રોમાન્સનો ‘અનુભવ’ તો માત્ર ફોટોગ્રાફરને જ હોય છે ! એ જ મારો બેટો, ‘ગાઈડન્સ’ આપતો રહે છે : ‘હવે એકબીજાના ગળામાં હાથ પરોવો… હવે આંખોમાં આંખો નાંખીને પ્રેમથી જુઓ… હવે દુલ્હનના કપાળ ઉપ કીસ કરો… અરે, જરા ફીલીંગ લાવો… ફીલીંગ !’

*** 

અને તમે ખાસ માર્ક કરજો, દુલ્હનના મેકપ માટે, એની હેરસ્ટાઈલ માટે, એનાં અડધો ડઝન કપડાં સાચવવા માટે બબ્બે આસિસ્ટન્ટો હસે પણ બિચારા દુલ્હાને પરસેવો થતો હોય તો કોઈ એને ટીશ્યુ પેપર પણ આપવા માટે નહીં ઊભું હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments