કોલ્ડ-પ્લે નો 'ફેસબુક સેમિનાર' !

અમદાવાદના નમો સ્ટેડિયમમાં બ્રિટનનું ‘કોલ્ડ-પ્લે’ બેન્ડ આવીને બબ્બે કોન્સર્ટ કરી ગયું. આના વિશે એકાદ ફેસબુક પેજમાં ચાલી રહેલી ચર્ચા (પંચાત) કોઈ સેમિનારથી કમ નથી ! લ્યો વાંચો…

roky_raja20 : wow  ! It was amazing ! I have dance for 2 hawars !

senior@70 : hours નો સ્પેલિંગ તો આવડતો નથી ! આ ઘેલસઘરાઓને કોલ્ડ-પ્લેનું એકેય ગીત આખું મોઢે હશે ખરું ?

bhartiya101: આખું તો ‘જનગણમન’ પણ કોને આવડે છે ? આ પેઢીમાં આશા રાખવી વ્યર્થ છે !

pinky.bold_17 : એમ તો દેશભક્તિનાં ઢોલ પીટનારાઓને પૂછી જોજો. આખું ‘વંદે માતરમ’ ગાઈ બતાડે તો સાચા.

jagrut_nagrik 56 : આ ‘કોલ્ડ-પ્લે’ વાળા ઇન્ડિયામાંથી કેટલા રૂપિયા ઉસેટીને લઈ જશે ? એમની ઉપર કોઈ ટેક્સ ખરો ? ૨૦ હજાર પોલીસોનો બંદોબસ્તનો ખર્ચો કોના માથે ?

જીગો_બિન્દાસ : અમારા ૨૨ જણાના ગ્રુપને તો પોલીસવાળાએ જ એન્ટ્રી અપાવેલી… સસ્તામાં ! Indian police very good.

રિંકુ_અમદાવાદી : સ્ટાર્ટ થઈ ગયાના અડધો કલાક પછી અડધા ભાવે મળતી હતી. અમે તો ગેટની બહારથી જ લીધી.

cool.dood25 : મારી બાજુવાળો છેક બેંગલોરથી ફ્લાઈટમાં આવેલો. ઓન-લાઈનમાં ૨૫,૦૦૦ આપેલા. હોટલ ભાડું ૨૦,૦૦૦, હોટલથી સ્ટેડિયમ સુધી કેબનાં ૭૮૦… બિચારો સતત બે કલાક સુધી ઊભો ઊભો ઠેકડા મારતો હતો. હવે ગણો એક ઠેકડો કેટલાનો પડ્યો ?

HOT.BABE19 : sertan thing in life are invaluable.. understand?

rapidex-303 : 'certain' spelling wrong. If 'thing' use, 'are' not use. But 'is' use. Not 'understand' but 'understood'... Understood?

ભાષાચતુર : આ નવી પેઢીનું અંગ્રેજી વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી.

senior@70 : મારી બાજુમાં નાચી રહેલી છોકરીઓ ચીસો પાડીને અંગ્રેજીમાં રડતી હશે, એવું મને લાગ્યું.

સિનિયર ૫૬ : હું તો ગયો નહોતો પણ ૨૫૦૦ રૂપિયા આપવા છતાં ત્રણ કલાક ઊભા રહેવું પડે ? આ તો ગ્રાહક-સુરક્ષામાં ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

cricketlover 34:  આ જ સ્ટેડિયમમાં આટલા જ રૂપિયા ખર્ચીને મેં વર્લ્ડ-કપની શરમજનક હાર જોઈ છે. એના કરતાં સારું હતું. ઇન્ડિયાએ તો આવાં ‘બેન્ડો’ જ ઊભાં કરવાં જોઈએ. શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments