વધુ 'ફેક-ન્યુઝ'નું મનોરંજન !

ક્યારેક સાચા ન્યુઝ સાવ ફેક-ન્યુઝ જેવા લાગે છે ! (જેમકે સૈફ અલી ખાન ઉપર થયેલો હૂમલો અને ઝડપાયેલો કહેવાતો હૂમલાખોર.) તો વળી ક્યારેક ફેક-ન્યુઝ સાચા જેવા લાગે છે ! (જેમકે સલમાન ખાન લોરેન્સ બિશ્નોઈની ધમકીથી ફફડી ગયો છે !) પરંતુ અમુક ઉપજાવી કાઢેલા ફેક-ન્યુઝ મનોરંજક તો હોય જ છે ! જુઓ…

*** 

મોટી ખબર આવી રહી છેકે કુંભમેળામાંથી… સૂત્રોના જણાવ્યા મુજબ હવે સાધુબાબા બનવાના કોર્સ ચાલુ થવા જઈ રહ્યા છે !

જો વિગતવાર વાત કરવામાં આવે તો કુંભમેળામાંથી આઈઆઈટી બાબાને ભગાડી મુકવાની ઘટના બાદ હવે રાજસ્થાન, કોટામાં આવેલા ખાનગી કોચિંગ ક્લાસવાળા જેન્યુઈન અને પ્રોપર સાધુબાબા બનવાના ક્લાસિસ ચાલુ કરવાના છે !

એક કોચિંગ ક્લાસના પ્રશિક્ષકે જણાવ્યું હતું કે આના કારણે કોટામાં આત્મહત્યાની ઘટનાઓ પણ ઓછી થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે મુંબઈના શેરબજારમાં પણ અમુક રોકાણકારો સાધુબાબા થવા માગે છે. તેમના માટે આવા કોર્સ લાભદાયી સાબિત થવાની સંભાવના છે.

*** 

વધુ એક મોટી ખબર આવી રહી છે… અમદાવાદથી ! અહીં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે !

તમને જણાવી દઈએ કે ‘પોન્ઝી સ્કીમ’ ટાઈપના આ કૌભાંડનો સૂત્રધાર એક પાણીપુરીવાળો છે ! સૂત્રોથી જાણવા મળ્યું છે કે આ પાણીપુરીવાળાએ પોતાની ઠગાઈ સ્કીમમાં કમ સે કમ ૧૫૦ જેટલી મહિલાઓને ફસાવી હોવાનું મનાય છે.

પાણીપુરી કૌભાંડની વાત કરવામાં આવે તો એમાં આ શકમંદ પાણીપુરીવાળાએ એવી સ્કીમ બહાર પાડી હતી કે બહેનો રોજ માત્ર ૧૦ રૂપિયા સળંગ ૧૦૦ દિવસ સુધી જમા કરાવે… અને પછી ૨૦ વરસ સુધી રોજ મફત પાણીપુરી ખાઈ શકે છે !

પાણીપુરી ખાવાની શોખીન મહિલાઓએ લાલચમાં આવીને પૈસા જમા કરાવ્યા હતા પરંતુ લગભગ ૧ લાખ ૫૦ હજાર જેવી માતબર રકમ સાથે પાણીપુરીવાળો તેનો ખૂમચો ઉઠાવીને રફૂચક્કર થઈ ગયો છે !

તમને જણાવી દઈએ કે પાણીપુરીના ‘પાણી’ વડે ‘ચૂનો’ લગાડવાની આ પહેલી ઘટના છે…

*** 

એક અનોખી ખબર આવી રહી છે… મુંબઈના બોરીવલી વિસ્તારમાંથી ! અહીંના એક બ્યુટિ પાર્લરે નવા વર્ષની ભેટ રૂપે એવી સ્કીમ શરૂ કરી હતી કે ૩૫ વરસથી મોટી વયની સ્ત્રીઓ માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ…

પરંતુ તમને જણાવી દઈએ કે આ સ્કીમ સદંતર ફ્લોપ નીવડી છે ! કેમકે કોઈ મહિલા પોતાને ૩૫ વરસથી મોટી માનવા તૈયાર જ નથી…

***

- મન્નુ શેખચલ્લી

Comments