અમારા બોડલાઈ ગામનો ડાહ્યલો ડોસો ૮૨ વરસની ઉંમરે પણ બહુ કકરો. એમને બે દિકરા. દિકરાની બે પત્નીઓ, એમનાં ય છોકરાં… એમ સંસાર મોટો.
ડાહ્યલા ડોસા પાસે મિલકત પણ સારી. એક આંબાની વાડી, એક ચીકુની વાડી, એક ખેતર નહેર પાસે અને એક ખેતરમાં ડીઝલ પંપ વડે ચાલતો કૂવો. આ ઉપરાંત પણ ડાહ્યલો ડોસો પોતાના પટારામાં અંગ્રેજના જમાનાના રાણીછાપ રૂપિયાના સિક્કા સાચવીને બેઠેલો.
એ ઘરમાં વહુઓને દબડાવે : ‘જો મારી બરોબર સેવા નીં કરહે તો મારી તમામ મિલકત ધર્માદા કરીને મરી જવા ! ઈયાદ રાખજો !’
ડાહ્યલા ડોસાને દર ત્રીજા દિવસે ભાણામાં ઘીથી લથબથતો શીરો જોઈએ. બપોરે જમ્યા પછી પલંગ પાસે કોઈ હાથ વડે પંખો નાંખનાર જોઈએ. રાત પડે સૂતાં પહેલાં કોઈ પગ દબાવી આપે તો જ ઊંઘ આવે. અને હા, રોજ સાંજે જમતાં પહેલાં નવટાંક દેશી દારૂની બે પ્યાલી પીવા જોઈએ !
જોકે આ દેશી દારૂનો વહીવટ ગામનો એક ગમન ગાંડો સંભાળતો હતો. આ ગમન છત્રીસ વરસનો થઈ ગયો હોવા છતાં વાંઢો હતો. બે ચોપડી પણ ભણેલો નહીં, ઉપરથી અક્કલનો ઓથમીર. એને મજૂરીનું કામ સોંપ્યું હોય તો પણ માથે ઊભા રહેવું પડે, નહિતર ખાડો ખોદવાને બદલે ઝાડવું ખોદી નાંખ્યું હોય !
આ ગમન ગાંડો રોજ બે ગામ દૂરના પીઠેથી અચ્છેર (અડધો શેર) દારૂ લેતો આવે. પછી શીંગચણાનું પડીકું ખોલીને, તેને સરસ થાળીમાં ઠાલવીને, સ્ટુલ ઉપર બાટલી અને પ્યાલીઓ ગોઠવીને ડાહ્યલા ડોસાના પલંગ સામે ઊભડક બેઠો હોય.
ડાહ્યલો ડોસો પલંગમાં બેઠો બેઠો નાની નાની ચૂસકી લેતો જાય અને પોતાની વહુઓની, દિકરાઓની ઝીણી ઝીણી ભૂલો કાઢીને મોટા અવાજે સંભળાવતો જાય : હહરીનો પાપડ કેમ કાચો રેઈ જાય ? ગમનિયા, આજે તો દાળનો વઘાર હો બળી ગૈલો ! ને ગઈકાલે મારો નાલ્લો પોયરો મારા પગ દબાવતાં દબાવતાં પોતે જ ઊંઘાઈ ગેલો…'
પછી ઊંચા અવાજે રોજની ફિક્સ ધમકી આપે ‘ઈયાદ રાખજો, મારી જો બરોબર સેવા નીં કીધી તો બધું ધરમાદા કરીને મરી જવા !’
ચાલો, આ તો રોજનું થયું. પણ એ સિવાય ડાહ્યલા ડોસાનું બીજું એક રૂટિન હતું. એ પોતાની જુવાનીનાં પરાક્રમોના કિસ્સા પેલા ગમન ગાંડાને સંભળાવે ! ‘તને ખબર કે ? આપણા નહેરવારા ખેતરમાં એક વાર જબ્બરો સાપ આવેલો ! મેં તો હહરીનાને આમ, પાવડે પાવડે છૂંદીને અથાણું કરી લાખેલો !’
ડાહ્યલા ડોસાનું બીજું એક પરાક્રમ હતું કે ‘મલ્લિકાર્જુન મહાદેવના મેળામાં એક હાંઢિયો (સાંઢ) ગાંડો થેઈ ગેલો ! કંઈ કેટલી દુકાન ઉડાલ્લાખી (ઉડાડી નાંખી) કંઈ કેટલાં ગાલ્લાં તોડી-ફોડી લાઈખાં ! પણ મારી હાંમે જો આઈવો કે નીં, તો મેં એની પૂંછડી ધરીને એવો ચક્કર ચક્કર ફેરઈવો કે દિકરો તમ્મર ખાઈને હૂઈ ગેલો !’
૮૨ વરસની ઉંમરે ડાહ્યલા ડોસાએ આના જેવા બીજા ચાર-પાંચ કિસ્સાઓ ઘરમાં એટલી બધી વાર કહી સંભળાવેલા કે હવે તો નાના છોકરાં પણ બગાસું ખાઈને રમવા ચાલી જતા હતા. પણ પેલો ગમન ગાંડો જાણે સાવ નવો કિસ્સો, પહેલી જ વાર સાંભળતો હોય એમ આંખો પહોળી કરીને ‘હું વાત કરે ?’ ‘પછી ?’ ‘ઓહોહો ?’ ‘ભારે કરી લાખી ડોહા !’ એવી દાદ આપતો જાય !
ક્યારેક ડાહ્યલો ડોસો બહુ ચગ્યો હોય તો બોલી પડે, ‘ગમન ગાંડા, મારાં પોયરાં ને મારી વોઉઓને (વહુઓને) તો મારી જરીક બી કદર નીં મલે, પણ તું મારી બો’ સેવા કરતો છે ! મેં મરી જવા તેની પેલ્લાં તને જ બધું આપીને જવા !’
આવી બધી વાતો સાંભળીને દિકરાઓના મનમાં ફાળ પડે કે ક્યાંક ડોસો ખરેખર આ ગાંડીયાને બધું આપી ના દે ! એટલે એમણે કહેવા માંડ્યું ‘બાપા, મરતાં પહેલાં બધુ કાગળ પર ચોખ્ખું કરી લાખો. કોને હું આપી જવાના છે… નીં તો આ ગમન ગાંડો અમને ભિખારી કરી મુકહે.’
આ બધી કચકચ સાંભળ્યા પછી એક દહાડો ડાહ્યલા ડોસાએ ગામના માસ્તરને બોલાવીને કીધું ‘તું લખ… મારા મોટા પોયરાને આંબાની વાડી, ને નાલ્લાને ચીકુની વાડી… મોટાને નેહરવારું ખેતરને, ને નાલ્લાને કુવાવારું ખેતર… પટારામાં જે રાણીછાપ રૂપિયા છે તેમાંના અડધા મોટી વોઊને ને અડધા નાલ્લી વોઉને…’
આમાં ડખો એટલો કે આંબાની વાડી મોટી અને ચીકુની વાડી નાની. બીજી બાજુ નહેરવાળું ખેતર બહુ નાનું અને કૂવાવાળું ખેતર બહુ મોટું ! ખેતીમાં મહેનત વધારે અને વાડીમાં માથાકુટ ઓછી. આના કારણે બંને દિકરાની વહુઓને એમ લાગ્યા કરે કે ડોહાએ મારા ધણીને ઓછું આપ્યું અને પેલીનો ધણી ફાવી ગયો.
ચાલો, આ લખાણ ફાઈનલ હોત તોય સમજ્યા, પણ હજી મહિનો બે મહિના ના થયા હોય ત્યાં ડોસાનું મગજ ફરી જાય ! એ ફરીથી પેલા માસ્તરને બોલાવીને કહે :
'ઘરમાં મારી કોઈને કદર જ નીં મલે. મોટો (દિકરો) મારી હાંમું બટેડી કરીને બોલે ? (દાંત ભીંસીને બોલે) તે હમજે હું એના મનમાં ? માસ્તર લખ…’
એમ કરીને ડાહ્યલો ડોસો નવી વસિયત લખાવે. ‘મોટાને ચીકુની વાડી, ને નાલ્લાને આંબાની વાડી… મોટાને કૂવાવારું ખેતર, ને નાલ્લાને નહેરવાડું ખેતર… અને મારા પટારામાં જે રાણીછાપ રૂપિયા છે ને ધરમાદા કરી લાખવાના ! વોઉઓને કંઈ નીં આપવાનું… ભાણું કરીને આપે તિયારે છણકા બો કરે !’
આના કારણે મોટાની વહુ ચેતી જાય. ડોસાની વધારે કાળજી લે… મોટો દિકરો પણ ડાહ્યોડમરો થઈને વાત કરે… નવા ઝભ્ભા સીવડાવી આપે, નવી શાલ લઈ આપે… એટલે વળી પાછું ડોસાનું વસિયતનામું બદલાય !
‘લખ માસ્તર ! મોટાને આંબાની વાડી, ને નાલ્લાને ચીકુની વાડી… મોટાને કૂવાવારું ખેતર, ને નાલ્લાને નહેરવારું ખેતર… ને બધ્ધા રાણીછાપ મોટી વોઉના !’
આ રીતે ડાહ્યલો ડોસો પોતાના બંને દિકરાને તથા બંને વહુઓને પોતાની આંગળી ઉપર નચાવે. આમાં બંને દિકરા કંટાળેલા, પણ થાય શું ?
એવામાં એક દિવસ ડાહ્યલો ડોસો ગુજરી ગયો !
ડોસાનું બારમું પત્યું ત્યાં સુધીમાં તો ઘરમાં ભારેલા અગ્નિ જેવી શાંતિ રહી પણ એ પછી થયો ભડાકો ! રોજ સવાર પડે ને ઝગડા શરૂ ! નાનો દિકરો કહે કે ડોહો મને જ મોટું ખેતરને મોટી વાડી આપી ગેલો છે. મોટો કહે, ‘તે તો ડોહાએ બદલી લાખેલું ! મરતાં પેલ્લાં મોટું ખેતર ને મોટી વાડી મારા નામે લખાવેલી ! પૂછ પેલા માસ્તરને !’
હવે નિશાળનો માસ્તર કંઈ વસિયતનાં કાગળ એના ઝોલામાં થોડો લઈને ફરતો હોય ? એ કહે ‘તમારા ડોહાના કાગળ તો મેં ડોહાને જ આપેલાં !’ દિકરાઓ કહે ‘પણ છેલ્લે હું લખાવેલું ? હાચું બોલજે, નીં તો માથું ભાંગી લાખા !’
આમાં માસ્તર ફસાયો ! એ સમજી ગયો કે મોટાના ફાયદાવાળી વાત કરીશ તો નાનો મને મારશે અને નાનાનું ખેંચીશ તો મોટો ઢીબી નાખશે ! એ તો છૂટી પડ્યો : ‘મે યાદ નીં મલે ! તમે જાણે ને તમારા બાપનાં કાગળિયાં જાણે…’
એ પછી તો ઘરમાં કંકાસ વધે જ ને ? ભાઈઓ બથ્થંબથ્થે આવી ગયા. જેઠાણી અને દેરાણી ચીપિયે ચીપિયે અને વેલણે વેલણે લડ્યાં ! છેવટે ઘરમાં બે ચૂલા અલગ થઈ ગયા ! છતાં ઝગડા તો ચાલુ જ રહ્યા…
એમાં એક રાતે બંને ભાઈઓ અને વહુઓ પોતપોતાના ચૂલામાંથી સળગતાં લાકડાં લઈને સામસામે ‘ધીંગાણે’ ચડ્યાં ! મામલો હદથી વધારે બહાર જતો જોઈને પાડોશીઓ વચ્ચે પડ્યા. બંનેને માંડ માંડ છૂટા પાડ્યાં. છતાં…
બન્યું એવું કે સળગતા લાકડામાંથી અમુક તણખા ઊડીને ગોદડાં ગોઠવ્યાં હોય એ ડામચિયામાં પડેલા, જેની કોઈને ખબર જ નહીં ! મોડી રાતે જ્યારે બધાં સૂઈ ગયેલાં ત્યારે પેલાં ભડભડ સળગી ઉઠેલાં ગોદડાંની આગ આખા ઘરમાં ફેલાઈ ગયેલી !
પણ સ્ટોરીનો ખરો ટર્ન હવે આવે છે !
આ ‘અગ્નિકાંડ’ના સમાચાર સાંભળીને પાંચ ગામ દૂર રહેતો એક ભૂવો આવીને કહે છે : ‘તમારા ડોહાનો આત્મા અજુ ભટકતો છે. તેની કોઈ છેલ્લી ઇચ્છા અધૂરી રે’ઈ ગેલી છે. એટલે જ આ બધું થતું છે. તમે કે’તા ઓય તો મેં વિધિ કરીને તમારા ડોહાના આત્માને બોલાવી આપું !’
હવે આખો ખેલ જુઓ… ડોસાના આત્માની વાત સાંભળીને નાના દિકરાએ એક કારસો ઘડ્યો. તેણે પેલા ગમન ગાંડાને સાધ્યો. તેને કહ્યું :
‘ભૂવો વિધિ કરે તિયારે તું એવી રીતે ધૂણવા લાગજે કે જાણે ડોહાનો આત્મા તારા શરીરમાં આવેલો છે ! પછી મેં પૂછું તિયારે ડોહાની મિલકત મારા ભાગે વધારે આવે તેવું બોલવાનું ! જો તેં નાટક પાધરું કીધું તો મેં તને રૂપિયા પાન્સો રોકડા આપા… ને તું જીવે તાં લગી તને રોજ નવટાંક દારૂ પીવડાવા !’
ગમન ગાંડો માની ગયો. પણ વિધિના દિવસે શું થયું ?
ભૂવાએ ધૂણીમાંથી ધૂમાડા કાઢ્યા... અને ગમન ગાંડો ધૂણતાં ધૂણતાં અવાજ બદલીને બોલ્યો કે ‘મારી આખરી ઇચ્છા છે કે નાલ્લાને મોટું ખેતર ને મોટી વાડી મલે, ને મોટાને નાલ્લું ખેતર ને નાલ્લી વાડી ! કેમકે નાલ્લો મને બો’ વા’લો ઉતો !’
આ જોઈને મોટા દિકરાને શંકા પડી. તેણે ગમન ગાંડાની બોચી ઝાલી. ‘હહરીના ! તું ઢોંગ કરતો લાગે ! તને નાલ્લાએ પટાવેલો લાગે !’
ત્યાં તો ગમન ગાંડાએ ચીસ પાડી. ધૂણતા ધૂણતાં તે બોલ્યો ‘અજુ બાકી છે !! હાંભળો… ગમન ગાંડાએ મારી બો’ સેવા કીધેલી છે. એટલે તેને પટારામાંના બધા રૂપિયા આપજો…’
આ સાંભળતાં જ નાનો દિકરો ભડક્યો. એ બોલ્યો ‘ડોહા ! આવી તો કંઈ વાતે જ નીં થૈલી ! હહરીના, મનમાં આવે તે નીં બોઈલા કર !’
નાના દિકરાએ ગમન ગાંડાની બોચી ઝાલી એટલે તે વધુ ઉછળ્યો !
‘અજુ બાકી છે !! હાંભળો… ગમન ગાંડાને દર વરહે પાંચ મણ કેરી ને પાંચ મણ ચીકુ અલ્લગ કા’ડી આપવાનાં… બિચ્ચારા ગમનાએ મારી બો’ સેવા કીધેલી છે !’
હવે તો બંને દિકરા ગમન ગાંડા ઉપર તૂટી પડ્યા : ‘એની બેનને… તું અમને બંનેને (ગાળ) હમજતો છે ? તારી તો-’
બસ, એ પછી વિધિ વિધિના ઠેકાણે રહી ! ગમન ગાંડાનાં કપડાં ફાટી ગયાં ! ભૂવો દક્ષિણા લીધા વિના જ ભાગી છૂટ્યો ! અને….
અને ડાહ્યલા ડોસાના આત્માને કદી શાંતિ મળી નહીં, કેમકે એ ઘરમાં કંકાસ ચાલુ જ રહ્યો…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment