યાર, અમેરિકામાં લોકશાહી ખરી, પણ બોસ, ભારત જેવી તો નહીં જ !
કલ્પના કરો, જો ભારત જેવી લોકશાહી ત્યાં હોત તો ૩૧ ડિસેમ્બરે જે પિક-અપ ટ્રક વડે અનેક લોકોને કચડી નાંખવાની અને મશીનગન વડે ગોળીઓ ચલાવવાની ઘટના બની ગઈ એ પછી ત્યાં કેવાં નિવેદનો આવ્યાં હોત…
***
પોલીસે વધુ એક ફેક એન્કાઉન્ટર કર્યું છે. સમગ્ર ઘટનાની સેન્ટ્રલ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે.
- અર્વિન કેર્જીવૉલ
***
ન્યુ ઓર્લિયન્સની ઘટનાના આરોપીનો ફોટો, બાયો-ડેટા, વિડીયો, અંગત માહિતી…. બધું જ જાહેર કરવામાં આવે છે, પણ ન્યુયોર્ક અને વોશિંગ્ટન શૂટ-આઉટના આરોપીના ચહેરા કેમ છૂપાવી રાખ્યાં છે ? શું આ એક આરોપી ચોક્કસ ધર્મનો છે એટલે ?
- બેરકા ડોટ
***
આઈએસનો ઝંડો વાહનની ડેકીમાં રાખવાથી કોઈ આતંકવાદી સાબિત નથી થઈ જતું.
- એકલેશ યેડાઈ
***
અમેરિકામાં આઈએસ ઉપર મુકાયેલો પ્રતિબંધ ગેરબંધારણીય છે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ કરીશું.
- મેલ્વિકાર્જેન કેર્ગે
***
અમેરિકન આર્મી જ આતંકવાદીઓનું ઉત્પાદન કેન્દ્ર છે. દેશની આર્મી ગુન્ડાગિરી કરે છે.
- મેમ્ટા બેન્ઝી
***
આ તો મિડીયા ટ્રાયલ છે. આરોપી હજી ગુનેગાર સાબિત થયો નથી. શક્ય છે કે તેના વાહનમાં કોઈ ખામી ઊભી થઈ હોય, જેનાથી તે કાબુ ગુમાવી બેઠો.
- રેઝડીપ સાર્ડીસાય
***
પકડાયેલી પિક-અપ ટ્રકની ફોરેન્સિક લેબમાં તપાસ કરાવવી જરૂરી છે. વાહનમાં યાંત્રિક ગડબડ અગાઉથી કોઈ ત્રીજી વ્યક્તિએ કરી હોઈ શકે.
- રેમ જેટમેલોને
***
આમ જનતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલી સરકાર હવે આતંકવાદનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી જવા માગે છે.
- ઓમાર એબ્ડુલ્ઝ
***
સમગ્ર ઘટનાને ધાર્મિક રંગ આપીને એક ચોક્કસ રાજકીય પાર્ટી ગંદુ રાજકારણ રમી રહી છે. અમે તો શાંતિ માટે લડીએ છીએ.
- રેહુલ ગેન્જીસ
(જોયું ? હવે ટોટલ લોકશાહી જેવું લાગે છે ને ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment