એક સમાચાર, એક ભજિયું !

ક્યારેક એવું બને છે કે એક જ દિવસના છાપામાં એક સામટા એટલા બધા સમાચાર એવા ભેગા થઈ જાય છે કે ભજિયાં મુક્યા વિના રહી ના શકાય…

*** 

સમાચાર…
ઇસરોએ અવકાશમાં શાકભાજી ઉગાડવાનો સફળ પ્રયોગ કરી લીધો છે !

ભજિયું…
જોયું ? હવે સરકાર ઇસરોમાં પૈસા નાંખશે પણ ખેડૂતોની એમએસપી નહીં વધારી આપે !

*** 

સમાચાર…
ભારતના એક યુવાને એક જ મિનિટમાં વારાફરતી ૫૭ પંખા પોતાની ‘જીભ’ વડે બંધ કરીને રેકોર્ડ બનાવી દીધો !

ભજિયું…
એક તો ભાઈને કહો, શિયાળામાં એકસામટા ૫૭ પંખા ચાલુ રાખવામાં ક્યાંક શરદી થઈ જશે ! અને બીજું, કોઈ એના ઘરે ઇલેક્ટ્રીશીયનને મોકલો, કે ભઈ, એના ઘરની ‘સ્વીચો’ રિપેર કરી આપે !

*** 

સમાચાર…
મોદી સાહેબ કહે છેકે જો મેં ધાર્યું હોત તો હું શીશમહેલ બનાવી શક્યો હોત !

ભજિયું…
શીશમહેલ છોડો, સાહેબ, ફક્ત એક હાટકેશ્વરનો બ્રિજ તોડીને નવો બનાવવાનું ધાર્યું હોત તો સારું થાત !

*** 

સમાચાર…
રોહિત શર્મા કહે છે કે શું માઈક અને લેપટોપ લઈને બેઠેલાઓ નક્કી કરશે કે કોણે ક્યારે રમવું અને ક્યારે ન રમવું ?

ભજિયું…
રોહિતભાઈ શાંતિ રાખો ! બે વરસ પછી તમે પણ માઈક અને લેપટોપ લઈને જ બેઠા હશો !

*** 

સમાચાર…
ચીને ભારતની સરહદ ઉપર ચૂપચાપ બે જિલ્લા બનાવી દીધા !

ભજિયું…
ભૂપેન્દ્રભાઈ, ચીન પાસેથી કંઈક શીખો ! અહીં બનાસકાંઠામાં બે જિલ્લા બનાવ્યા એમાં તો હોહા મચી ગઈ છે !

*** 

સમાચાર…
કેજરીવાલ કહે છે કે હવે ભાજપ અને કોંગ્રેસ એકબીજા સાથે ગઠબંધન કરશે !

ભજિયું…
હદ છે યાર ! ઝગડીને છૂટાછેડા લીધા પછી કોઈ પત્ની પણ આટલી વાહિયાત શંકા નથી કરતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments