ખુલ્લંખુલ્લા સફેદ જુઠ્ઠાણાં !

આપણા દેશમાં અમુક જુઠ્ઠાણાં બેધડક, બેશરમ અને ખુલ્લમ ખુલ્લાં હોય છે છતાં આપણું એની ઉપર ધ્યાન જ નથી જતું ! જુઓ…

*** 

સફેદ જુઠ નંબર વન :
શપથવિધિ ! મિનિસ્ટરો, સાંસદો, ધારાસભ્યો વગેરે જે શપથ લે છે એમાં શું બોલે છે ? ‘દેશની અખંડિતતા… પ્રમાણિકતા… સેવા…’ અરેરે ! કેવું કેવું બોલવું પડે છે એમને ?

*** 

સફેદ જુઠ નંબર ટુ :
તમે કોર્ટોમાં જોયું છે ? જજ સાહેબ બેઠા હોય એની પાછળ ભારતના પેલા સિંહોવાળી મુદ્રા હોય છે… અને એની નીચે શું લખેલું હોય છે ?.... ‘સત્યમેવ જયતે’ ! ઓહ, રિયલી ?

*** 

સફેદ જુઠ નંબર થ્રી :
જ્યારે જ્યારે શેરબજારમાં મોટો કડાકો બોલી જાય છે ત્યારે એના માટેનાં જે કારણો હોય છે તે સાંભળીને હસવું કે રડવું ? યાર, શેરધારકોના ૧૩ લાખ કરોડ રૂપિયાના ધોવાણ પાછળ કોઈ મામૂલી વાયરસના ચાર કેસ જવાબદાર હોય ?

*** 

સફેદ જુઠ નંબર ફોર :
ટીવીના ચૂંટણી નિષ્ણાતો ! એમની ચેનલોના એક્ઝિટ પોલ જ્યારે સદંતર ખોટા પડ્યા હોય, છતાં ‘શા માટે’ આવાં પરિણામ આવ્યાં એના ખુલાસા કરતી વખતે એમનાં ડાચાં કેટલા સિરિયસ હોય છે ! 

કેમકે મતદાન પહેલાં એ જ એક્સ્પર્ટો જે જોશથી પોતાનાં ‘પ્રિડીક્શન અને એનાલિસીસ’ કહેતાં હતા એમાં તો સાવ ઊંધુ જ ચિત્ર રજૂ કરતા હતા !

*** 

સફેદ જુઠ નંબર ફાઈવ :
જ્યારે કોઈ મિનિસ્ટર કહેતા હોય કે ‘કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે !’

*** 

સફેદ જુઠ નંબર સિક્સ :
જ્યારે કોઈ બાયોપિક ફિલ્મની પહેલાં લખેલું આવે કે ‘આનો કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી !’

*** 

સફેદ જુઠ નંબર સેવન :
આ તો સદીઓ પુરાણું છે… સ્વર્ગ-નર્ક, હેવન-હેલ, જન્નત-દોજખ…!

*** 

સફેદ જુઠ નંબર એઈટ :
આ થોડું જુનું છે પણ હજી ચાલે છે કે ‘આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો !’

*** 

સફેદ જુઠ નંબર નાઈન :
આ પણ જુનું છે પરંતુ હજી બીજાં પચાસ વરસ ચાલશે… એ છે ‘ભારતનું સેક્યુલારીઝમ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments