નારણ ડોહો કાં ચાલી ગૈલો ?

‘ડોહો કાં ગિયો ? ઘરમાં તો નીં મલે…’

‘મેં મંદિરે હો ગેઈ આઈવો ! તાં બી નીં મલે.’

‘ખેતરમાં હો નીં મલે… તો ડોહો ગિયો કાં ?’

નવસારી પાસે આવેલા ખડસૂપા ગામમાં રહેતા નારણકાકા ઉર્ફે નારાયણદાદાના ઘરમાં સૌને ફાળ પડી હતી. એંશી વરસની ઉંમર વટાવી ચૂકેલો એમનો ડોહો (એટલે કે બાપ) આખા ગામમાંથી ગાયબ હતો !

નારણ ડોહાના બંને દીકરા, લલ્લુ-નારણ અને જગુ-નારણ બંને એકબીજાનો વાંક કાઢી રહ્યા હતા. દીકરાઓ પોતપોતાનાં બૈરાંનો વાંક કાઢી રહ્યા હતાં અને બૈરાંઓ પોતપોતાની વહુઓનો વાંક કાઢતાં હતાં. વહુઓ એમનાં છોકરાંને ઢીબી રહ્યાં હતાં. ‘તમુંને કેટલી વાર કીધેલું કે ડોહાનું ધ્યાન રાખવાનું ? તેને એખલો નીં મુકવાનો ?’

ઉંમર થવાને કારણે ભલે નારણ ડોસાનું શરીર હજી કકરું હતું પણ મગજના સ્ક્રૂ થોડા ઢીલા થવા માંડેલા. એ મંદિરે જાય પછી પાછા આવવાનો રસ્તો ભૂલી જાય ! કોઈવાર ખેતરમાં પહોંચી જાય તો કોઈવાર બીજા જ ફળિયામાં કોઈ બીજાના જ ઘરને પોતાનું ઘર સમજીને ઓટલે બેઠાબેઠા બીડી ફૂંકતા હોય !

એ સાંજે ડોહો મંદિરે ગયો પછી છેક રાત્રે ઘરે ના પહોંચ્યો એટલે શોધખોળ ચાલુ થઈ. ડોહાનાં જે ‘ભૂલા પડવાનાં’ ફિક્સ ઠેકાણાં હતાં ત્યાં પણ એ મળ્યો નહીં એટલે સૌને ફાળ પડી.

એવામાં રોજ નોકરી માટે નવસારી સુધી એસટી બસમાં અપ-ડાઉન કરનારા એક જુવાનિયાએ કીધું ‘ડોહાને મેં નવસારી ઘમી જતી બસમાં ચડતો જેવો જોયેલો…’

આટલી ભાળ મળતાં જ બંને ભાઈઓએ મોટર સાઈકલ દોડાવી નવસારી બાજુ ! ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો રાતના દસેક વાગી ગયેલા. નવસારીના બસ-ડેપો ઉપર તો જાણે સેમી-કરફ્યુ ! હવે નારણ ડોસાને ક્યાં શોધવો ?

છતાં લલ્લુ-નારણ અને જગુ-નારણે શોધ ચાલુ રાખી. જે મળે તેને પૂછે : ‘તમે કોઈ ડોહાને જોયો કે ? એની લાંબી હરખી દાઢી છે, મોઢા પર બાપજીનાં ચાઠાં છે (શીતળાના ડાઘ) અને એક પગે જરીક લંગડાતો છે…’

આ ત્રણમાંથી બે લક્ષણો કામમાં આવી ગયાં. એક રીક્ષાવાળાએ કીધું : ‘એને મેં રેલ્વે સ્ટેશન ઘમી (પાસે) જોયેલો… પણ આઘેથી જ !’

બંને દીકરા પહોંચ્યા રેલ્વે સ્ટેશને. જે મળે તેને પૂછે : ‘કોઈ ડોહાને જોયો કે ? લાંબી હરખી દાઢી છે, એક પગે જરીક લંગડાતો છે…’ પચાસેક જણાને પૂછ્યા પછી પત્તો ખાધો નહીં એટલે લલ્લુ-નારણને અક્કલ સુઝી ! એ ‘પૂછપરછ’ની બારીએ પૂછવા ગયો !

બારીએ બેઠેલો કર્મચારી બગડ્યો : ‘હહરીના, અંઈ તમારા બાપનું ટાઈમ ટેબલ લેઈને બેઠેલા છે કે ? તારો ડોહો કઈ ગાડીમાં બેહીને કાં ગિયો તે મને કાંથી ખબર ?’

આના કારણે જગુ-નારણને લાઈટ થઈ ! એણે ટિકીટબારીએ જઈને પૂછ્યું ‘કોઈ ડોહાને જોયેલો કે ? લાંબી હરખી દાઢી છે. મોઢા પર બાપજીનાં ચાઠાં, ને એક પગે જરીક લંગડાતો છે.’

‘એ તમારો બાપ ઉ’તો ? તે તો ગિયો કાશી !’

‘હેં ?’ જવાબ સાંભળીને બંને દીકરા ચોંક્યા. 

ટિકીટબારીના માણસે કીધું. ‘આમ તો બધાનાં ચોકટાં (મોઢાં) યાદ નીં રેય, પણ આ ડોહાએ ટિકીટ માંગતા એમ કીધું કે કાશી જવાની એક ટિકીટ આપજે પિરા… એટલે મેં એમને હમજાઈવું કે અંઈથી ડાયરેક કાશીની ગાડી નીં મલહે, પણ ડોહા તું વડોદરા ચાઈલો જા… તાંથી તને કાશીની બો’ બધી ટ્રેન મલી જહે.’

આ સાંભળતાં જ બંને દીકરા એકબીજા સાથે ઝગડવા લાગ્યા ! ‘હહરીના, મેં તને કેટલી વાર કીધેલું કે ડોહાને કાશીની જાતરા કરાવી લાવ ! પણ તને નોકરીમાંથી ટાઈમ જ નીં મલે !’

‘રજાનો સવાલ જ નીં મલે ! ડોહો કે’તો ઉતો કે મેં તો કાશીમાં જેઈને જ મરવાનો ! તે અ’જુ તો કકરો ઉતો ને ? મરવા જેવો થોડો થેઈલો ?’

વાત એમ હતી કે નારણ ડોસો છેલ્લાં ત્રણ વરસથી જીદ લઈને બેઠો હતો કે ‘પોયરાઓ મને કાશી લેઈ જાવો ! અવે મેં જીવી જીવને થાકી ગિયો… મેં તો અવે કાશીમાં જ જેઈને મરવાનો ! ધરમનાં ચોપડામાં હો લખેલું કે જે આતમા કાશીમાં જેઈને મરે તેને ચોરિયાહીં લાખ (ચોર્યાસી લાખ) ફેરા ફરવામાંથી ડાયરેક મુક્ટી મલી જતી છે !’

એમાંય ક્યારેક વાલની દાળ કે વેંગણ-પાપડીનું શાક અથવા મસ્ત મજાનું ઉંધીયું ખાવાને લીધે જ્યારે પેટનો ગેસ છાતીમાં ચડી જાય ત્યારે નારણડોસો બૂમાબૂમ કરી મુકતો : ‘મરી ગિયાં પોયરાંઓ…. જુવો તો ખરાં ! મેં મરી ચાઈલો… મને રાતોરાત કાશી લેઈ ચાલો… નીં તો મેં ભૂત થેઈને તમારી છાતી પર ઘંટી ચલાવા !’

પણ સવારે પાછો ગેસ ઉતરી જાય (કે ઝાડા વાટે છૂટી જાય) એટલે ડોસો પાછો મંદિરે જઈને ભગવાન સામું હાથ જોડે ‘આ વખતે તો મને બચાઈવો છે પણ અ’વે જો ઉપર તેડાવવાનો ઓ'ય તો પેલ્લાં કાશીની જાતરા કરાવજે !’

જોકે બંને દીકરાઓ ડોસાને ગાંઠ્યા નહીં એટલે ડોસાએ જાતે જ ટિકીટ ફડાવી લીધી ! પણ હવે કરવું શું ? 

અહીંથી સીધા કાશી થોડા જવાય ? ડોસો કાશીમાં કઈ ધરમશાળામાં ઉતર્યો હશે ? (સુરતી બોલીમાં કહીએ તો કાં જેઈને મઈરો ઓહે?) ડોસાને કાશીમાં શોધતાં બે પાંચ દહાડા પણ લાગી જાય.. ભલું પૂછવું.

એટલે બંને દીકરા પાછા ગામે આવી ગયા. બીજા દિવસે પેટીમાં પાંચ-છ જોડી કપડાં, થોડા રોકડા વગેરે લઈને નીકળ્યા કાશી જવા માટે…

કાશી પહોંચ્યા પછી પણ સમસ્યા તો એ જ હતી કે નારણડોસાને શોધવો શી રીતે ? એમનો કોઈ ફોટો તો હતો નહીં. ઉપરથી બંને દીકરાઓને હિન્દીનાં ફાંફાં ! એટલે ‘હમેરે ડોસે કો દેખા હે ? લાંબી હરખી દાઢી હે, મોઢે પે બાપજી કા ડાઘા હે, ને થોડે લંગડે લંગડે ચાલતે હેં…’ એમ કરી કરીને પૂછતા રહેવા સિવાય કોઈ ઉપાય નહોતો.

એવામાં એમને કાશીના બે પંડા મળી ગયા. ‘ગુજરાત સે આયે હો ? નવસારી કે પાસ કે ગાંવ સે ? ફલાણી જાત હો ? તબ તો તુમ હમરે જજમાન હો !’ એમ કરીને એમણે પોટલામાંથી જાડો ‘વહીવંચો’ કાઢ્યો !

આજે પણ ગુજરાતથી ગયેલા યાત્રાળુઓને નવાઈ લાગે છે કે એમના બાપદાદા અને પરદાદાની પેઢીઓનાં નામો વહીવંચામાં શી રીતે લખેલાં નીકળે છે ! આ ચમત્કાર શી રીતે થાય છે એ તો કાશીવાળા જ જાણે ! જ્યારે લલ્લુ-નારણ અને જગુ-નારણે પોતાના ગામના નામ સાથે દાદા-પરદાદાનાં નામો જોયાં તો એ પણ દંગ થઈ ગયા ! 

પંડાઓએ કહ્યું, ‘હવે, આમાં તમે તમારાં નામો લખાવો જેથી આગલી પેઢીઓ તમને યાદ રાખે !’

પંડાઓએ બંને જણાનાં નામો ઉપરાંત એમની પત્નીઓ, દીકરા-દીકરીઓ, દીકરાનાં દીકરા-દીકરીઓ અને દીકરીનાં દીકરા-દીકરીઓનાં નામો લખાવ્યાં.

ચોપડામાં નામો લખવાની વિધી પછી પંડાઓએ ખાસ્સા પૈસા પણ કઢાવ્યા. આ રૂપિયાની રકઝક ચાલતી હતી ત્યાં એક વ્યક્તિ આવીને પૂછે છે : ‘અપને બૂઢઉ કો ઢુંઢ રહે હો ? લંબી સી દાઢી ? મુંહ પે ચેચક કે દાગ ? લંગડાતી ઐસી ચાલ ?’

બંને દીકરાઓ ઉછળ્યા ‘હાં હાં ! કાં છે અમારો ડોહો ?’

જવાબમાં પેલો મોઢું લટકાવીને કહે છે ‘ઉ તો ચલ બસે… ઉન કા કિરીયા-કરમ ભી હમઈને કિયા હૈ ફલાં ફલાં ઘાટ પે…’

આ સાંભળતાં જ બંને દીકરાઓને જબરો આઘાત લાગ્યો ! ડોસાને આ શું સુઝ્યું ? કીધા વિના જ ઘરેથી નીકળી પડ્યા ?

એક બાજુ એવો વિચાર પણ આવી રહ્યો હતો કે ચાલો, બાપની ઇચ્છા તો પુરી થઈ ? બીજી બાજુ એમ થાય કે છેલ્લી ઘડીએ બાપનું મોં પણ ન જોવા મળ્યું ?

પેલા વ્યક્તિએ આશ્વાસન આપતાં કહ્યું ‘ચલિયે, જો હુઆ સો હુઆ… આપ કે પિતાજી કે આત્મા કો સદ્‌ગતિ પ્રાપ્ત હુઈ હૈ. અબ લગે હાથ આપ યહાં આયે હૈં તો કાશી ધામ મેં શ્રાધ્ધ ક્રિયા સંપન્ન કર કે જાઈએ, ઉન કી આત્મા કો શાંતિ મિલેગી.’

દીકરાઓને થયું. ચાલો, આ રીતે તો આ રીતે, બાપુજીના આત્માને શાંતિ મળતી હોય તો ભલે ! ત્યાર બાદ બંને દીકરાઓ વિધિવત ગંગાના ઘાટ ઉપર જઈને શ્રાદ્ધવિધિ કરી. રીતસર મુંડન કરાવ્યું. દાન-દક્ષિણા વગેરે બધું પતાવીને ભારે હૈયે પાછા ખડસૂપા ગામે જવા નીકળ્યા.

એ વખતે કંઈ મોબાઈલ વગેરે તો હતા નહીં. પોસ્ટકાર્ડ લખ્યો હોય તો પણ પંદર દિવસે પહોંચે. પરંતુ જ્યારે લલ્લુ-નારણ અને જગુ-નારણ ટ્રેનમાં બેસીને ઘરે પહોંચ્યા ત્યારે શું થયું ?

ખરેખર જોવા જેવો સીન હતો… પુરેપુરા મુંડન કરેલા માથા સાથે બંને ભાઈઓ ઘરે પહોંચે છે તો એમનાં બૈરાં ચોંકીને પૂછે છે : ‘હું થિયું ? આ મુંડન કોના હારું કરાઈવું ?’

દીકરાઓ કહે છે : ‘કેમ, ડોહાનું શ્રાધ કરાઈવું ને !’

બૈરાં કહે છે : ‘ડોહો તો ઘરમાં એ બેઠો ! ખાટલા પર હુતો હુતો (સૂતો સૂતો) માળા જપિયા કરે !’

દીકરાઓ અંદર જઈને જુએ છે તો ડોહો જીવતો બેઠો છે ! ખાટલે બેઠો બીડી ફૂંકે છે ! સાલું, આ શી રીતે થયું ?

તો વાત એમ બની હતી કે ટ્રેનથી વડોદરા પહોંચ્યા પછી અભણ નારણકાકાએ બધા આગળ પૂછપરછ કરી કે ‘કાશી જવા હારુ કઈ ગાડી મલે ?’ 

એવામાં એમને એક ગઠિયો મળી ગયો. એ કહે ‘કાકા, મારે પણ કાશી જ જવાનું છે. પણ ટ્રેન કાલે સવારે મળશે. ચાલો, આપણે ધરમશાળામાં જઈને રાત રોકાઈ જઈએ.’

પછી શું ? નારણ ડોસો સવારે ઊઠીને જુએ છે તો એમનાં ખિસ્સાં ખાલી ! ઘરેથી જે શેરડી વેચવાના રૂપિયા ૨૦૦૦ કબાટમાંથી કાઢીને નીકળ્યા હતા એ પણ ગાયબ !

આખરે ધરમશાળામાં કોઈને દયા આવી એટલે ડોસાને ટ્રેનમાં બેસાડીને પાછા મોકલી આપેલા !

આ ઘટના પછી નારણ ડોસાએ કાશી જવાની કદી જીદ કરી નહીં. ઉલ્ટું લોકો પૂછે કે ‘ડોહા, અંઈ જ મરવાનો કે કાશી જેઈને મરવાનો ?’ 

તો ડોસા ગાળ દઈને મારવા માટે દોડતા !

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. નારણ ડોહલાએ તો ભારે કરી. હેડ્ડીના બે અજાર તો ખોયા,હમયજા અવે, પણ પોયરા ઓને પણ દોડાયવા. સરસ નિરુપણ. મજા આવી.

    ReplyDelete
  2. સુમંત વશી. ચિકાગો.

    ReplyDelete

Post a Comment