યાર, પેલા વરસો પહેલાં ગુજરી ગયેલી આંધળી વાંગાના નામે અને હાલમાં ‘છોટે નોસ્ત્રાદોમસ’ તરીકે જીવી રહેલા જ્યોતિષીના નામે એવી એવી ભયાનક ભવિષ્યવાણીઓ થઈ રહી છે કે…
આપણને થાય કે ભૈશાબ, શુભ-શુભ બોલોને ! તો, એટલે જ, વાંચી લો આ શુભ-શુભ ભવિષ્યવાણીઓ…
***
ભલેને રૂપિયો ડોલર સામે નીચો જાય કે ઊંચો થાય… બસ, રૂપિયો આપણા ખિસ્સામાં ટકી રહે એવું કરજો !
***
ભલેને બોલીવૂડ આ વરસે બરબાદ થતું ? એ બહાને મલ્ટિપ્લેક્સોની ટિકીટો અડધી થઈ જાય… અને જીએસટીવાળા પોપ-કોર્નને બદલે આપણે ધાણી અને વેફર ખાતાં ખાતાં ફિલ્મો જોઈ શકીએ એવું થજો !
***
ભલેને રશિયા યુક્રેન સાથે લડતું રહે, ભલેને ઇઝરાયેલ હિઝબોલ્લા સાથે બાખડતું રહે… અહીં આપણા ઘરમાં આપણી પત્ની સાથે આખું વરસ ‘યુદ્ધવિરામ’ રહે એવું કરજો, ભૈશાબ !
***
ભલેને ટ્રમ્પ મેક્સિકોના ઘૂસણખોરોને કાઢી મુકે, ભલેને ભારત બાંગ્લાદેશી ઘૂસણખોરોને ના કાઢી શકે… પણ આપણને નવરાત્રિમાં પાસ વિના બધે ઘૂસ મારવા મળી જાય એવું થજો !
***
બાબા વાંગા અને છોટે નોસ્ત્રા બંને કહે છે કે આ વરસે યુરોપમાં ભારે મંદી આવવાની છે ! તો ભલેને આવતી ? પણ આપણા શેરબજારમાં તેજી રાખજો ! ખાસ તો અદાણીમાં… હોંને ?
***
ટેકનોલોજીના નિષ્ણાતો કહે છે કે ૨૦૨૫માં આખી દુનિયાનાં નેટવર્કો ઉપર મોટા મોટા સાયબર એટેક થવાના છે ! તો યાર ભલેને થતા ? આપણું ફેસબુક અને વોટ્સએપ ચાલતું રહે તો ભયો ભયો !
***
અને ભલેને પૃથ્વી ઉપર મોટો ઉપગ્રહ ટકરાવાનો હોય… એ વખતે પૃથ્વીનું મોં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફનું હોય તો… ચાલે ! શું કહો છો.
***
બાકી મસ્જિદોની નીચેથી મંદિરો મળી આવે કે ભલે મંદિરોમાંથી નકલી પ્રસાદ મળી આવે… આ વરસે એકાદ વાર ક્યાંકથી કોઈને ભગવાન પણ મળી આવે… એવું શુભ-શુભ બોલો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment