અમુક ઓછી જાણીતી છતાં કટાક્ષથી ભરપૂર એવી હિન્દી કહેવતો આજની અલગ અલગ પરિસ્થિતિઓ ઉપર કેવી બંધબેસતી આવે છે ! જુઓ…
***
‘જહાં મુર્ગા નહીં હોતા
વહાં ક્યા સવેરા નહીં હોતા ?’
અમુક ઇન્ટરનેશનલ રેટિંગ આપતી સંસ્થાઓ ભ્રષ્ટાચાર બાબતે, ભૂખમરા બાબતે, રોજગારી અને કાનૂન-વ્યવસ્થાને મામલે ભારત કરતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને વધારે સારાં બતાડે છે ! એમના માટે આ પરફેક્ટ વાત છે કે શું તમારો મરઘો બોલે તો જ સવાર પડેલી ગણાય ?
***
‘ખાસિયાની બિલ્લી ખંભા નોંચે’
પાકિસ્તાને વરસો સુધી ભારતમાં આતંકવાદ વડે હજારો નાગરિકો અને સેંકડો જવાનોને મારી નાંખ્યા છે છતાં ભારતે એમના ઘરમાં ઘૂસીને એકાદ ડઝન આતંકવાદીઓને મારી નાંખ્યા એવી કાગારોળ મચાવીને પાકિસ્તાન પોતે દુનિયા આગળ છાતી કૂટે છે !
***
‘દો મુલ્લોં મેં મુરઘી હલાલ’
દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અહીં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. પરંતુ આખી વાતમાં રાજ્યના લઘુમતી મતદારોની દશા વિચિત્ર થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસ અને આપ બંને પાર્ટીઓ આ વોટ બેન્કને પોતાની બગલમાં લેવા માટે સામસામે લડી રહી છે ! જ્યારે હકીકત એ છે કે એમને માત્ર સત્તામાં જ રસ છે, એમના મતદારોની ભવાઈમાં નહીં !
***
‘જડ કાટતે જાના
પાની ભી દેતે જાના’
ખેડૂતોના આંદોલન બાબતે કેન્દ્ર સરકારની એક્ઝેક્ટલી આ જ નિતી રહી છે. એક બાજુ વાટાઘાટો ચાલુ રાખે છે અને બીજી બાજુ ખેડૂતોની નેતાગિરીમાં ફાટફૂટ પડાવવાની ચાલ રમતા રહે છે.
***
‘અંધા સિપાહી કાની ઘોડી
વિધિને ખૂબ મિલાઈ જોડી’
આજે બાંગ્લાદેશની હાલત આવી જ કંઈક છે ! ભારત વિરોધી અને હિંદુ વિરોધી વલણ રાખીને મહંમદ યુનુસ હવે ભારતના હાથે વારંવાર માર ખાઈ ચૂકેલી પાકિસ્તાની આર્મીનો સાથ લેવા માટે થનગની રહ્યા છે.
***
‘નીમ ન મીઠી હોયે
ચાહે સીંચો ગુડ-ઘી સે’
આના માટે તો એક જ નામ પુરતું છે… ‘મમતા બેનરજી’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment