અમુક સાચા ન્યુઝ ઘણી વાર મનોરંજક હોય છે ! એટલું જ નહીં, અમુક વાર ફેક-ન્યુઝ પણ એટલા સાચા લાગતા હોય છે કે એમાં પણ તમને મનોરંજન મળી શકે છે ! જુઓ નમૂના…
***
એક મોટી ખબર આવી રહી છે અમેરિકાથી… પ્રેસિડેન્ટ ટ્રમ્પે શપથ લેતાંની સાથે જે એક હુકમ ઉપર સહી કરી છે તેનાથી અમેરિકામાં હડકંપ મચી ગયો છે.
જો હડકંપની વાત કરવામાં આવે તો તે સ્ત્રીઓમાં નહીં, પુરુષોમાં નહીં પરંતુ એ બેની વચમાં છે !
તમને જણાવી દઈએ કે પ્રેસિડેન્ટ ટ્રેમ્પે એવો હુકમ બહાર પાડ્યો છે કે હવે દેશમાં માત્ર બે જ જેન્ડર રહેશે… મેલ અને ફિમેલ. એ સિવાયના ટ્રાન્સ-જેન્ડરોને સરકારી નોકરીથી માંડીને સરકારી યોજનાઓના કોઈ ફાયદા મળશે નહીં.
સૂત્રોથી જાણવા મળ્યું છે કે આના કારણે હજારો-લાખો વ્યક્તિઓએ પોતાના ફેસબુકમાં જેન્ડર પ્રોફાઈલ બદલવા માટે દોટ મુકી છે. જોકે તમને જણાવી દઈએ કે માત્ર ફેસબુકમાં જેન્ડર બદલવાથી કામ ચાલશે નહીં, બલ્કે તેના માટે કાયદેસર મેડિકલ સર્ટિફિકેટ જોઈશે.
હવે જો સર્ટિફિકેટની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાકં મોટાં ગૂંચવાડા સામે આવી રહ્યા છે. જેમકે પોતાનું નામ ન જણાવવાની શરતે એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘પહેલાં હું માઈકલ હતો. પરંતુ ત્યાર બાદ મને લાગ્યું કે મારી અંદર એક નારી છે… એટલે માઈકલમાંથી હું માઈરા બની ગઈ… પરંતુ ઓપરેશનો વડે હું હજી ૫૦ ટકા જ માઈરા બની શકી છું… હવે મને સમજાતું નથી કે મારે આમાં આગળ વધવું જોઈએ ? કે યુટર્ન લઈને પાછા જવું જોઈએ ?’
જો આ હુકમની અસરની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે માઈકલ ઉર્ફે માઈરા જેવી હજારો વ્યક્તિઓ આ વિચિત્ર ઓર્ડરને કારણે ‘અધવચ્ચે’ ફસાઈ ગઈ છે.
એક સાયકોલોજીસ્ટનું કહેવું છે કે ટ્રમ્પનો આ ઓર્ડર માત્ર ઓર્ડર નથી બલ્કે ‘નેશનલ મેન્ટલ ડિસ-ઓર્ડર’ છે.
… વધુ મનોરંજન માટે જોતા રહો અમારી ફેક-ન્યુઝ ચેનલ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment