૨૦૨૪ની ફિલ્મો... બે-બે વાક્યોમાં !

૨૦૨૪માં જે ફિલ્મો હિટ ગઈ છે તેમાં સ્ટોરી તો માંડ બે ત્રણ વાક્યોની જ હતી ! એ જાણ્યા પછી થાય કે યાર, ફક્ત આટલા ખાતર આવડી મોટી બબાલ કરી ? જુઓ…

*** 

પુષ્પા-ટુ : ધ રુલ
ચંદનનાં લાકડાંની દાણચોરી કરનારા પુષ્પા જોડે એક ચીફ મિનિસ્ટર ફોટો પડાવવાની ના પાડે છે ! બસ, એમાં તો આ ભાઈ એને ઉથલાવવા માટે ૫૦૦૦ કરોડની ડીલ કરીને ઇન્ટરનેશલ જફાઓ ઊભી કરી નાંખે છે ! 

જોકે છેવટે તો પોતાની ભાણીની છેડતી કરનારા ગુંડાઓને મારી નાંખી જ આખી સ્ટોરીનું પિલ્લું વાળે છે ! બોલો.

*** 

કલ્કી ૨૯૮૯૮ એ.ડી.
મહાભારતકાળના અશ્વત્થામા, જે હજી ૬૦૦૦ વરસ પછી પણ ‘મરી’ નથી શક્યા, તે એક શ્રાપમાંથી મુક્ત થવા માટે ‘કલ્કી’ નામે જન્મ લેનારા બાળકને બચાવવા માટે આટલા ‘ઘરડા’ હોવા છતાં એકલે હાથે લડે છે. અને જુવાનજોધ ભૈરવા (પ્રભાસ) જેને માત્ર ઇનામના ખજાનામાં રસ છે તે એની સામે લડે છે… 

આમાં બાકીનાં બે ડઝન પાત્રો અને ૫૦૦૦ લોકો સ્ટોરીને માત્ર એટલા માટે ગુંચવ્યા કરે છે કે જેથી ફિલ્મના ચાર પાંચ પાર્ટ બની શકે ! બોલો.

*** 

ભૂલભૂલૈયા-થ્રી
વર્ષો પહેલાં એક રાજકુમારને સ્ત્રીનાં કપડાં પહેરીને ડાન્સ કરવાનો શોખ છે એવું જાહેર કરીને મરાવી નાંખનાર બે બહેનો સામે બદલો લેવા માટે એ રાજકુમાર ડાકણ બનીને આખા ‘નોર્મલ’ ગામને વારંવાર સ્પેશીયલ ઇફેક્ટો વડે બીવડાવે છે !

છેલ્લે પેલી બે બહેનો ‘ટ્રાન્સજેન્ડર ઇક્વાલીટી’ને પ્રમોટ કરવા માટે તેને માફ કરી દે છે ! બોલો.

*** 

સિંઘમ અગેઈન
આખી સ્ટોરી રામાયણનો રિમેક છે ! જેમાં અજય દેવગણ રામ, કરીના કપૂર સીતા, રણવીર સિંહ હનુમાન, ટાઈગર શ્રોફ લક્ષ્મણ, અક્ષયકુમાર ગરુડ, અને અર્જુ કપૂર રાવણ છે !

રામલીલાને ‘નાટક’ સ્વરૂપે ભજવવા માટે જે ‘રીસર્ચ’ની જરૂર છે એની ‘ડોક્યુમેન્ટ્રી’ શૂટ કરવા શ્રીલંકા બાજુ જતાં કરીના કપૂરનું અપહરણ થઈ જાય છે ! આખી વાતમાં પેલું ‘સુવર્ણમૃગ’ તો ક્યાંય છે જ નહીં ! ઉપરથી જ્યાં જુઓ ત્યાં પોલીસો જ પોલીસો છે ! બોલો.

*** 

સ્ત્રી – ટુ
ચૌદમી સદીના યુરોપમાં જે લોકો આઝાદ મિજાજ સ્ત્રીઓને ‘ડાકણ’ કહીને મારી નાંખતા હતા. એમાંથી એકાદ ભૂત એકવીસમી સદીના ભારતના શહેરોમાં જવાને બદલે એક અંતરિયાળ ગામડાની ‘ભણેલી’ સ્ત્રીઓને મારી નાંખે છે ! 

મૂળ પ્રોબ્લેમ ગૂગલ-મેપનો હતો ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments