રાજકપૂર જેવા ફેસનો 'પ્રેમરોગ' !

નામ એનું દિલીપ પણ ફેસ-કટ રાજકપૂર જેવો ! બસ, આંખો માંજરી નહીં એટલું જ ! છતાં દિલીપના નસીબમાં નકરી ‘અપ-ડાઉન’ હતી. કઈ રીતે ?

તો સાહેબો, એનું ઘર નવસારી પાસેના એક મરોલી નામના ગામમાં. પણ એની નોકરી છેક વલસાડમાં ! હવે નોકરી ભલે રહી મામૂલી ક્લાર્કની પણ સરકારી નોકરી લાગી હોય તે કંઈ છોડાતી હશે ?

એટલે બિચારો દિલીપ વહેલી સવારે સાડા પાંચે ઊઠે, પોતાનો રાજકપૂર જેવો ફેસ પાણીની છાલકો મારીને ધોવે, દાતણ કરે, નહાય-ધુવે, કપડાં પહેરે અને પત્નીએ આપેલું ટિફીન બગલમાં ખોસીને દોડે !

પણ રોજ ઉઠવામાં મોડું થઈ જાય ! છતાં જો સમયસર ઊઠ્યો હોય તો જાજરુમાં ઝોંકુ આવી જાય ! હવે મરોલીના ઘરથી દોડીને પહોંચે વાડા ચોકડી. ત્યાં આવે સવારની પહેલી એસટી બસ. એ પકડીને પહોંચે નવસારી…

પછી નવસારી ડેપોથી નવસારી રેલ્વે સ્ટેશન સુધી ચાલી નાંખવાનું. ત્યાંથી પકડવાની ટ્રેન… જે બિલીમોરા, અમલસાડ પછી વલસાડ પહોંચાડે. અહીંથી ફરી ટાંટિયા ઘસીને પહોંચવાનું વલસાડમાં આવેલી એગ્રીકલ્ચર ખાતાની સરકારી કચેરીમાં.

આ તો થઈ ‘અપ’ જર્ની. પછી એટલી જ ‘ડાઉન’ જર્ની સાંજે શરૂ થાય. છેવટે મરોલીમાં પોતાના ઘરે પહોંચે ત્યારે વાગ્યા હોય આઠ.

આમ કરતાં કરતાં ચાર વરસ વીતી ગયાં. આ ચાર વરસમાં દિલીપ બે છોકરાંનો બાપ પણ થઈ ગયો. શરૂઆતમાં દિલીપની પત્ની મીના ટિફીનમાં રોજ નવું નવું શાક મુકતી, દર ત્રીજે દહાડે ભજિયાં કે મીઠાઈ મુકતી. સાથે અથાણું કે છુંદો મુકતી, એ બધું હવે બદલાઈ ગયું. હવે રોજ ટિફીનમાં પાંચ રોટલી, એક શાક અને કેરીનું ‘પાણીચું’ અથાણું મુકતી થઈ ગઈ હતી.

પરંતુ એક દિવસ દિલીપના હાથમાં સરકારી લેટર આવ્યો. એમાં ‘પાણીચું’ નહીં પણ ‘પ્રમોશન’ હતું ! દિલીપ હવે સિનિયર ક્લાર્ક બની ગયો !

બસ, અહીંથી જ દિલીપનો જે રાજકપૂર જેવો ફેસ હતો એના પરચા શરૂ થયા ! દિલીપે વિચાર્યું કે હવે થોડો પગાર વધ્યો છે તો વલસાડમાં જ એક નાનકડો રૂમ ભાડે લઈ લીધો હોય તો કેવું ? આ ‘અપ-ડાઉન’ની જફા બચે.

શોધતાં શોધતાં દિલીપને એક વિધવા રવલીમાસીનું ઘર મળી ગયું. ખખડી ગયેલી રવલીમાસીનું મકાન પણ ખખડી જ ગયેલું હતું પરંતુ એના ઉપરના માળે જે રૂમ હતી તેનું ભાડું દિલીપને પોસાય તેવું હતું.

હવે દિલીપ માત્ર શનિ-રવિમાં મરોલીના ઘરે આવે અને સોમથી શુક્ર વલસાડમાં જાતે રોટલા ટીપી ખાય. બિચારી મીના પોતાના ધણીને દર સોમવારની સવારે ડબ્બામાં સુખડી ભરી આપે, ક્યારેક શક્કરપારા, ક્યારેક બે દહાડા ચાલે એટલાં થેપલાં તો ક્યારેક ગાજરનો હલવો…

તમને થતું હશે કે યાર, આમાં દિલીપના રાજકપૂર જેવા ફેસનો પરચો ક્યાં આવ્યો ! તો એ હવે આવે છે !

બન્યું એવું કે રવલીમાસીની એકની એક દિકરી મંજુલા એના સાસરેથી રીસાઈને અહીં આવી ગઈ ! મંજુલા નરગીસ જેવી તો નહોતી પણ વૈજયંતિ માલા કરતાં સહેજ ભરાવદાર અને પદિમની કરતાં વધારે ઠસ્સાદાર લાગતી હતી ! એ જમાનામાં મોટાં મોટાં શહેરોમાં ‘સંગમ’ નવું નવું રિલીઝ થયેલું પરંતુ વલસાડમાં તો ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ પણ ચાલ્યા કરતું હતું !

બસ, આમાં ને આમાં રાજકપૂર અને મંજુલાનું ‘ચોરી ચોરી’ ચાલુ થઈ ગયું ! મંજુલા દિલીપના ‘બૂટ પોલીશ’ કરવાના બહાને ઉપરવાળી રૂમમાં પહોંચી જાય અને રવલીમાસી ઊંઘતી હોય ત્યારે એમનું ‘જાગતે રહો’ ચાલતું હોય !

પેલી બાજુ મરોલીમાં મીનાને જરા નવાઈ તો લાગતી હતી કે જે દિલીપ રોજ સાડા પાંચે ઊઠે ત્યારે જેલમાં જવું પડતું હોય એવું મોં કરતો હતો તે દર સોમવારની સવારે છેક સાડા ચાર વાગ્યાનો કેમ ઊઠી જતો હતો ? એટલું જ નહીં, હવે તો તે સુખડીના બબ્બે ડબ્બા ભરીને કેમ લઈ જતો હતો ?

બિચારી મીનાને ક્યાં ખબર હતી કે આખો ચમત્કાર દિલીપના રાજકપૂર જેવા ફેસનો હતો ! પણ આખરે એક દિવસ ભાંડો ફૂટી જ ગયો… પણ શી રીતે ? એની અજબ કહાણી છે.

વાત એમ બની કે મંજુલાનો નબળો ધણી ધીરુ એકવાર દિલીપની ઓફિસે જઈ ચડ્યો ! ના ના, ઝગડો કરવા નહીં ! એ તો દિલીપને આ પહેલાં કદી મળ્યો જ નહોતો. કેમકે છ સાત વાર જ્યારે તે મંજુલાને તેડી જવા માટે રવલી-સાસુના ઘરે આવીને માથાકૂટ કરતો ત્યારે દિલીપ તો નોકરીએ ગયેલો હોય ને?

હવે આ ધીરુ દિલીપની ઓફિસમાં આવીને કહે છે, ‘સાહેબ, તમારા એગ્રીકલ્ચર ખાતામાં જંતુનાશક દવાની ખરીદી નીકળેલી છે તેનો ઓર્ડર મને અપાવોનીં ? આપણે તમે કે’ય તેમ હમજી લેહું !’

હેડક્લાર્ક થયેલો દિલીપ કહે છે ‘એના હારુ મારે મોટા સાહેબના હાથ બી ગરમ કરવા પડે. તમે એક કામ કરો, બુધવારે મકરસંક્રાંતિની રજા પડતી છે. તમે મારા ઘેરે આવીને બે હજાર આપી જાવો. બાકીનું મેં હાચવી લેવા.’

દિલીપે એક ચીઠ્ઠીમાં પોતાના ભાડુતી રૂમનું સરનામું લખી આપ્યું… ધીરુએ ચીઠ્ઠી વાંચ્યા વિના વાળીને ખિસ્સામાં મુકી… પછી ઉત્તરાયણની સવારે ચીઠ્ઠી ખોલીને સરનામું વાંચે છે તો ચોંકી જાય છે. ‘આ હાહરીનો તો મારે હાહરે જ રે’તો છે !’

બિચારા ધીરુને ક્યાં ખબર હતી કે એની મંજુલા આ દિલીપનું ‘ચોરી-ચોરી’ એક વરસથી ચાલી રહ્યું છે ! પણ એને થયું કે જો સવાર સવારના પોતે ત્યાં જશે તો પેલી મંજુલા વગર લેવેદેવે એને સાથે ઝગડો કરશે. એટલે તેણે વિચાર્યું કે એની સાસુ અને એક્સ-પત્ની બપોરે ઊંઘતા હોય ત્યારે બારોબાર દાદરા ચડીને ઉપરની રૂમમાં પહોંચી જવું.

પણ ત્યાં શું થયું ? ધીરુએ રૂમનું બારણું બંધ જોઈને ટકોરા માર્યા. બારણું ઝટ ખુલ્યું નહીં… ધીરુને એમ કે હેડ ક્લાર્ક સાહેબ પણ ઊંઘતા હશે, એટલે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમ ચઢતા ક્રમના અવાજમાં બારણું ખખડાવતો રહ્યો… છેવટે છઠ્ઠા પ્રયાસે જ્યારે બારણું ખુલ્યું તો ‘ધીરુ’ની આંખો ‘ઝડપથી’ ફાટી ગઈ !

કેમકે અંદરથી મંજુલા સાડીનો છેડો સરખો કરતી કરતી બહાર નીકળી !

ધીરુ હબક ખાઈ ગયો ! 

મંજુલા પણ તેને જોઈને ડઘાયેલી હતી ! સાલો, આ માણસ જો અહીં બૂમાબૂમ કરશે તો પાડોશમાં મોટો તમાશો થશે !

આ બાજુ ધીરુ વિચારે છે કે જો હું કંઈપણ બોલવા જઈશ તો બૈરું તો હાથથી ગયેલું જ છે, ઉપરથી પેલો જંતુનાશક દવાનો ઓર્ડર પણ હાથથી જશે ! 

બંને એકબીજા સામું જાણે ભૂત ભાળી ગયા હોય એમ જોતાં પૂતળાં બનીને ઊભા છે !

ત્યાં પ્રણયત્રિકોણના ત્રીજા ખૂણા સમો દિલીપ રાજકપૂર જેવો ભોળો ફેસ રાખીને અંદરથી બોલે છે : ‘અરે આવો આવો ધીરુભાઈ !’

બિચારો ધીરુ ચૂપચાપ અંદર સરકી જાય છે. મંજુલા પગથિયા ઉતરીને નીચે છટકી જાય છે.... 

સાવ ટુંકી વાતચીતમાં બે હજારનો વહીવટ પતાવીને ધીરુ પણ દાદરા ઉતરી જાય છે. પરંતુ હવે ધીરુના દિમાગમાં ધીરજ ખૂટી ગઈ છે !

સાલું, કરવું શું ? આ તો મંજુલા હાથથી ગઈ ! અને પોતે બેઠો બેઠો જોયા કરશે ? એ પણ આ લાંચિયાને બે હજાર આપી દીધા, છતાં ?

ધીરુ કંઈ દારાસિંઘ તો હતો નહીં ? એ તો ઠીક, એનો ફેસ જ્હોની વોકર કરતાં ય જાય એવો હતો. ટુંકમાં, એ જાણતો હતો કે રાજકપૂર જેવા ફેસવાળા દિલીપ સામે તો ટક્કર લેવાનું પોસિબલ જ નહોતું. 

છેવટે એણે ‘જીવન’નો રોલ ભજવવાનું નક્કી કર્યું. ધીરુ કંઈ જીવનનો ફેન નહોતો પણ એને એટલી તો ખબર હતી કે જીવને કંઈ ડઝનબંધ ફિલ્મોમાં નારદજીનો રોલ ભજવ્યો હતો.

ધીરુએ સૌથી પહેલાં તો દિલીપનું વતન ક્યાં છે તે શોધી કાઢ્યું. એક દિવસે તેણે મરોલીમાં દિલીપની બૈરી મીના આગળ આખી પોલ ખોલી નાંખી.

હવે કોઈપણ દેશી બૈરું આવી સ્થિતિમાં શું કરે ? પહેલાં વાતવાતમાં શંકા કરે, પછી કચકચ કરે, પછી જીવ-ખાવાનું શરૂ કરે, પછી કજિયા કરે અને છેવટે કકળાટ ! ‘આ બબ્બે ડબ્બા સુખડી કોને ખવડાવતા છે ?’ ‘સોમવારે ઊઠીને વલહાડ જવાની આટલી બધી ઉતાવળ કેમ આવતી છે ?’ ‘આ પગાર વઈધો છતાં ઘેર પૈહા કેમ એટલા જ આપતા છે ?’ ‘તાં કઈ હગલી ગમી ગૈલી છે ?’ ‘મને તમારી હાથે કેમ નીં લેઈ જતા ?’

દિલીપના તમામ ‘વીક-એન્ડ’ હવે રજાને બદલે સજા બનવા લાગ્યાં ! બીજી બાજુ ધીરુએ મંજુલાને ઘરે (બપોરના સમયે) જઈ જઈને લમણાંફોડ ચાલુ કરી ‘એ તારો હગલો પન્નેલો (પરણેલો) છે ! બે પોયરાંનો બાપ છે ! એ તારી હાથે લગન થોડો કરવાનો ? તૂં પૂછી જોજે, એ એની બૈરીને છૂટાછેડા આપવાનો કે ?’

હવે મંજુલાએ પણ દિલીપનું દિમાગ ખાવાનું શરૂ કર્યું. ‘મેં તો મારા ધણીને છૂટાછેડા આપીને બેઠેલી છે. અ’વે તું તારી બૈરીથી કિયારે છૂટવાનો ?’

છ-છ મહિના સુધી દિલીપે બંનેને મચક ન આપી ત્યારે ધીરુએ છેલ્લો દાવ રમી નાંખ્યો. તેણે મરોલીની મીનાને કહ્યું : ‘મીનાભાભી, તમે એકવાર ઝેર પી લાખો !’

‘ઝેર ?’ મીના ચોંકી ગઈ. ‘ઝેર પીને મરી જવાથી હું થવાનું ?’

‘અરે મરવાનું નીં મલે !’ ધીરુએ સમજાવ્યું કે જંતુનાશક દવાનો લિમીટેડ ડોઝ પીવાથી માત્ર મોંમાં ફીણ આવશે અને થોડી ઉલ્ટીઓ થશે ! પણ એના લીધે તમારો ધણી ડરી જશે ! અને સીધો થઈ જશે !

હવે કિસ્મતના ખેલ જુઓ.. જે દિવસે મરોલીમાં મીનાએ ઝેર પીછું એ જ દિવસે વલસાડમાં મંજુલાએ પણ જંતુનાશકનો ‘લિમીટેડ ડોઝ’ ગટગટાવી લીધો !

પછી રાજકપૂર જેવા હેન્ડસમ ફેસવાળા દિલીપની જે હાલત થઈ છે ! બન્ને બૈરાં સાચવવામાં એ ના તો ‘છલિયા’ બની શકે કે ના ‘શ્રીમાન સત્યવાદી’ ! ના મીનાની ‘પરવરિશ’ કરી શકે કે ના મંજુલા આગળ ‘સપનોં કા સૌદાગર’ બની શકે ! 

ત્રણ દિવસમાં છ-છ વાર નવસારીથી વલસાડની અપ-ડાઉનમાં બિચારાની આંખો ‘બાવરે-નૈન’ બની ગઈ....

આમ તો આ કિસ્સો લાંબો ચાલ્યો હોત પણ છેવટે આખી વાતનો છેડો ત્યારે આવ્યો જ્યારે મીના બે બાળકો સાથે વલસાડની પેલી ઉપરવાળી રૂમમાં આવી પહોંચી ! અને જાહેર કર્યું : 

‘હવે આપણે અંઈ જ રે’વાના ! મેં બી જોતી છે કે રવલીમાહી એના ભાડવાતનું ઘર કેમ કરીને ખાલી કરાવતી છે !’

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments