મેરેજોની 'બોરીંગ' મોમેન્ટ્સ !

સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે લગ્ન પ્રસંગ એટલે નાચ-ગાના, ધમાલ-મસ્તી, ધૂમ-ધડાકા ! પરંતુ એમાં અમુક ખાસ લોકો એવી ખાસ જગ્યાઓએ ખાસ રીતે એવા બોર થતા હોય છે કે વાત ના પૂછો ! યાદ કરો એ ‘બોરીંગ’ મોમેન્ટ્સ….

*** 

જ્યારે વરરાજાને મંડપમાં બેસાડી દીધો હોય છે, અને કન્યા હજી ‘પધરાવવામાં’ નથી આવી… ત્યાં સુધી બિચારો વરરાજો કરે પણ શું ? એનું ડાચું જોજો…

*** 

ત્યાર બાદ કન્યા પધારે છે… નવેસરથી વિધિઓ શરૂ થાય છે… તે વખતે બિચારાં આ બે જણાંને દોઢેક કલાક સુધી બોર થતાં બેસી રહેવા સિવાય છૂટકો જ નથી !

જોવાની વાત એ છે કે બાકીનાં તમામ લોકો જલ્સા કરી રહ્યા છે ! ખાણીપીણી, હાહાહીહી, સેલ્ફીઓ... અને આ બાજુ વર-કન્યાનાં તો મોબાઈલ પણ સાઈડમાં મુકાવી દીધાં છે !

*** 
થોડું રિ-વાઈન્ડ કરીને પેલો વરઘોડો જુઓ… જાન મંડપ પાસે આવી પહોંચી છે. વેવાણ હાથમાં થાળી સાથે રાહ જોતાં ઊભા છે. અને પેલી બાજુ માત્ર પંદર જુવાનિયા નાચ્યા જ કરે છે… નાચ્યા જ કરે છે…

એ વખતે તમારી આંખોનો કેમેરો આજુબાજુ ઘુમાવીને જોજો ! તમને કમ સે કમ પંચોતેર ડાચાં ‘બોર’ થતાં દેખાશે…

*** 

અચ્છા, લગ્નનો સમય છે ૭.૩૦નો… બુફેનાં ટેબલ ગોઠવાઈને રેડી છે… મંડપ આખો ફૂલ છે… પણ… જમવા માટે જવાની ‘પહેલ’ કોણ કરે ?

આવા સમયે તમે તો મિત્રો કે સગાંવ્હાલાંઓને જોતા હશો. પણ હવેથી માર્ક કરજો… બુફેની વાનગીઓ પીરસવા માટે પેલા કેટરિંગવાળાને જોજો ! એ લોકો આખા ક્રાઉડ તરફ કેવા ‘સપાટ’ હાવભાવ સાથે ઊભા ઊભા ‘બોર’ થતા હોય છે !

*** 

અને છેલ્લે કન્યા-વિદાયનો સીન આવે છે ! અહીં તો બહુ ધ્યાનથી જોવું પડશે…

અમુક વડીલોને ન તો રડવું આવતું હોય છે, કે ન તો આખી વાતમા રડવા જેવું શું છે, એ સમજાતું નથી, એવા લોકો થોડી થોડી વારે પોતાની ઘડિયાળ જોઈ લેતા હશે !

રડવામાં મહિલાઓ ચેમ્પિયન હોય છે. પરંતુ જેમણે ‘પુરતું’ રડી લીધું છે એ બહેનો અંદરખાને રાહ જોતી હોય છે કે હવે રડવાવાળીઓ ક્યારે ‘પતાવે’ ?

- અને તમે ખાસ માર્ક કરજો, પેલો વરરાજો… એ નથી બગાસું ખાઈ શકતો... નથી ઉતાવળ કરી શકતો... કે ‘તમારું પતે એટલે મને કહેજો’ એમ કહીને ક્યાંક જઈને શાંતિથી બેસી પણ નથી શકતો !

***

- મન્નુ શેખચલ્લી

Comments