‘અલી પોરીઓ…! હવારે ખાધેલું કે નીં ? કેમ માંદલી બિલાડીની જેમ કાંહિયા કરે ? (કરાંજ્યા કરો છો) મારી હાથે ગાતા હું જોર આવે ?’
અમારા અનાવલ ગામનાં જસુમતી ફોઈ આમ તો વરસો પહેલાં પરણીને લંડન ગયેલાં. છતાં કંઈ સેંકડો લગ્નગીતો એમને મોઢે ! એમના નાના ભાઈને પરણાવવા માટે તે ખાસ લંડનથી અહીં આવેલાં. લગ્નની જેટલી વિધીઓ હોય તે દરેક માટે જુના જમાનામાં જે ગીતો ગવાતાં એ એમને યાદ.
નવી પેઢીની છોકરીઓને તો કંઈ આવડે નહીં ! એટલે જસુમતી ફોઈ અકળાય : ‘હાહરીનીઓ, મેં બે ચોપડી હો નીં ભણેલી, તો બી મને બધા ગાણાં ઈયાદ (યાદ), ને તમેં હારીઓ નિહારે જેઈ જેઈને હું ચોપડાં ફાઈડાં તે બે ગીત હો નીં આવડે ? ડૂબી મરો…’
સાલ ૧૯૬૭માં એમના ભાઈનાં લગ્ન નક્કી થયાં ત્યારે એમણે છેક લંડનથી શરત મુકેલી : ‘મેં લગનમાં આવા… (આવીશ) પણ બધી વોઉઓને પોરીઓ મારી હાથે ગાવાની ઓહે તો જ ! નીં તો મેં જાનમાંથી ઊભી થઈને ચાલી મુકા.’
અનાવલ ગામના વરરાજા ચીમન કુમારના લંડનવાળા બનેવીએ વરઘોડામાં વટ પડે એટલા માટે ખાસ ભાડેથી એમ્બેસેડર કાર મંગાવી હતી. બાકીના જાનૈયાઓ માટે એક એસટી બસ બુક કરવામાં આવી હતી.
વરરાજાની જાન ગામથી નીકળે તે પહેલાંની તમામ વિધિઓમાં તો જસુમતી ફોઈએ યાદ કરી કરીને (અને પોરીઓને ચીમટા ભરી ભરીને) ડઝનબંધ ગીતો ગવડાવ્યાં હતાં. પરંતુ જ્યારે જાન ઉપડવાની થઈ ત્યારે જસુમતીબેને ચીમન કુમારને ચીમકી આપી કે ‘તારા બનેવીલાલે મોટી કાર મંગાવી લાખી તેથી હું થેઈ ગિયું ? તારે તો અમારી હાથે કારમાં જ બેહવાનું છે ! નીં તો મેં ગીત ગાયા કરું તે હાંભળવાનું કોણ ?’
સરવાળે નક્કી એમ થયું કે જાન ઉપડે ત્યારે થોડો સમય માટે, ગામમાં વટ પાડવા માટે, વરરાજા કારમાં બેસે. પછી ભલેને એ બસમાં જસુમતીબેન પાસે બેસે ? ઉપરથી જસુમતી ફોઈએ ડ્રાઈવરને ખાનગીમાં સો-સો રૂપિયાની બે કડકડતી નોટો આપવાની લાલચ આપીને તાકીદ કરેલી કે ‘ખબરદાર જો તારો ખટારો ફાસ ચલાઈવો છે તો ! જુના જમાનામાં ગાલ્લાં (બળદગાડાં) ચાલતાં તેમ જ ધીરે ધીરે હાંકજે… નીં તો પૈહાનીં આપા…’
બસ, આ રીતે નીકળી જાન ! બસ્સો રૂપિયાની લાલચે એસટી બસનો ડ્રાઈવર ઠીચૂક ઠીચૂક ચલાવે અને અંદર બેઠેલા જસુમતીજી ફુલ વોલ્યુમમાં લગ્નગીતો ગવડાવે ! ઉપરથી જુવાનડીઓને ખખડાવતા જાય : ‘એમ હું મરવા પડેલીઓની જેમ કાંહિયા કરે ? તમારી માંયે તમુને ખવડાવેલું નીં મલે કે ?’
આમ, રગશિયાં ગાડાં કરતાં સ્હેજ જ વધારે સ્પીડે આગળ વધી રહેલી જાનને એક વિઘન નડ્યું ! બસનું એંજિન ‘થર્રર્ર થર્રર્ર’ કરીને ડચકું ખાતું બંધ પડી ગયું ! ડ્રાઈવરે એંજિન ઉપરનું પડખું ખોલ્યું તો અંદરથી કાળા-કાળા ધૂમાડા વછૂટ્યા ! પછી ધગધગતા એંજિનમાંથી વરાળ નીકળતી દેખાઈ !
ડ્રાઈવર બોલ્યો : ‘હહરીનું કારબુરેટર ગરમ થેઈ ગેલું લાગે ! મંઈ પાણી રેડહે ને ઠંડુ પડહે તો જ ચાલવા કરે…’
કંટાળેલા જાનૈયા બસમાંથી ઉતરી પડ્યા. એક તો ઉનાળાના મૂરતમાં લીધેલાં લગન, એમાં આ ભઠ્ઠી જેવી બસનો ઉકળાટ… લોકો હાથપગ સીધા કરવા માટે આમેતમ જવા લાગ્યા. પેલી બાજુ એમ્બેસેડર કારમાં બેઠેલા લંડનવાળા બનેવીલાલ પણ અકળાયા. એમણે આવીને સાળા ચીમનકુમારને કીધું ‘આમાં તો વાર લાગવાની. તમે કારમાં બેહો, શાંતિથી…’
ચીમનકુમારે હાથમાં ઝાલેલા નાળિયેર સહિત કારમાં સ્થળાંતર કર્યું. પેલી બાજુ બસનો ડ્રાયવર હાથમાં પાણીનો કેરબો લઈને કોઈ ખેતરમાં કૂવો હોય તો તેની વ્યવસ્થા કરવા ગયો. આ તરફ સૌ કંટાળ્યા. અમુક લોકો પેશાબ-પાણી કરવા માટે નજીકનાં ખેતરોમાં જઈ આવ્યા. તો અમુકે પેશાબ-પાણીથી પરવારીને નજીકનાં ઝાડ નીચે બેસીને પત્તાં રમવાનું ચાલુ કરી દીધું !
આ બાજુ ધોળી એમ્બેસેડરમાં બેઠેલા ચીમન કુમારને તો સૌ ભૂલી જ ગયા છે. સત્તર જાતની વિધિઓ માટે સવારના પહોરમાં પાંચ વાગ્યાના ઊઠી ગયેલા વરરાજાને હવે ઊંઘ ચડી ! હાથમાં ઝાલેલા નાળિયેર સાથે થોડીવાર માટે એનાં નસકોરાં પણ બોલવા લાગ્યા.
જ્યારે ચીમનકુમાર ઝબકીને જાગ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે પોતે પેશાબ-પાણી માટે ગયા જ નહોતા એટલે હવે ‘ડબ્બલ’ લાગી છે ! ચીમનકુમારે પેલું નાળિયેર મુક્યું કારમાં, પગમાં ખોસી મોજડીઓ અને પોતાના નવા નક્કોર જોધપુરી કોટ સાથે મેચ થતો રજવાડી ફેંટો (સાફો) માથે ગોઠવીને એ નીકળી પડ્યો બાજુના ખેતરમાં…
હવે ચીમનકુમારને એમ કે હું તો છું વરરાજા, કોઈ મને આમ સાવ ઊભો ઊભો મૂતરતો જુવે તો કેવું લાગે ? એટલે એ જરા ‘સલામત’ આડશ શોધતાં શોધતાં ખાસ્સો આગળ નીકળી ગયો.
છેવટે જ્યારે વ્યવસ્થિત આડશ મળી ત્યારે ખ્યાલ આવ્યો કે સાલું આ ચળકતી ઝરીવાળો જોધપુરી કોટ ઊંચો કરીને નીચે પહેરેલી સલવારનું નાડું ખોલવું ફાવે એવું નથી !
એટલે ચીમનકુમારે ખોલ્યા જોધપુરી કોટનાં બટન, અને શોધ્યો સલવારના નાડાનો છેડો નાડું છોડીને વરરાજા હજી પ્રેશર રીલિઝ કરે છે, ત્યાં જ એમને બીજું પ્રેશર આવ્યું… પેટમાં ! આ હતું ‘બે નંબર’વાળું પ્રેશર !
વરરાજાએ વિચાર્યું કે ‘લાખ ભેગા સવા લાખ !’ એમ કરીને તે ત્યાં જ બેસી પડ્યા !
ચાલો, એ પત્યું તો ખરું. પણ હવે ‘સફાઈ’નું શું ? તો એ જ કઢંગી હાલતમાં દેડકાની માફક થોડા કૂદકા મારીને વરરાજાએ ઝાડના બે ચાર પાંદડાં શોધીને ‘સફાઈકામ’ પતાવ્યું… પણ એ પછી થઈ નવી મુસીબત !
ઊભા થઈને પેલી સલવારનું નાડું બાંધવા જાય છે ત્યાં ખબર પડી કે સાલું, એનો એક છેડો તો અંદર ખેંચાઈ ગયો છે !! હવે ?
વરરાજા ચીમન કુમારે વિચાર્યું કે ‘ચાલો, લબડતી સલવારને હાથમાં ઝાલીને કાર સુધી તો જઈએ ? પછી થઈ પડશે…’ પણ આ શું ?
રોડ ઉપર આવીને જુએ છે તો બંને વાહનો ગાયબ છે !
સાલું, આ શી રીતે થયું ? તો વાત એમ બની હતી કે પેલા ડ્રાયવરને ધાર્યા કરતાં ઝડપથી કૂવાનું પાણી મળી ગયું હતું. અને એથી યે ધાર્યા કરતાં ઓછા સમયમાં એસટીનું એંજિન ચાલું થઈ ગયું હતું !
આના કારણે કંટાળી ચૂકેલા જાનૈયા જોશમાં આવીને કહેવા લાગ્યા કે, ‘ચાલો ચાલો, ફટાફટ બેહી જાવો ! બો’ મોડું થેઈ ગેલું…’
આ ઉતાવળમાં બસમાં બેઠેલા જાનૈયાઓને એમ કે ‘વરરાજા તો કારમાં બેઠેલો છે’ અને કારમાં બેઠેલા બનેવીલાલને એમ કે ‘ચીમનીયો તો બસમાં બેઠો લાગે !’ આમાંને એમાં આખી જાન ઉપડી ગઈ વરરાજા વિના !
અધૂરામાં પુરું બસમાં બેઠેલા જુવાનિયાએ ડ્રાઈવરને કહ્યું ‘તું શોર્ટ-કટમાં લેઈ લે નીં ? આ ગાલ્લાવારો રસ્તો (ગાડાંનો માર્ગ) હારો જ છે !’ આમ જાન પહોંચી ગઈ ટાંકલ ગામના માંડવે !
બસમાંથી ઉતરીને પેલા ઢોલ-શરણાઈવાળાઓ તો શરૂ થઈ ગયા ! પાછળ જાનૈયાઓ પણ ગોઠવાઈ ગયા ! જસુમતી ફોઈ શરણાઈથી ઊંચા સ્વરે ગવડાવવા પણ લાગ્યાં : ‘કેસરિયો જાન લાઈવો જાન લાઈવો રે…’ પણ પેલો કેસરિયો ક્યાં ?
જાનમાં સન્નાટો છવાઈ ગયો. ઢોલ-શરણાઈ પણ બંધ ! બધાં એકબીજાને પૂછે છે ‘હારો વરરાજો કાં રે’ઈ ગિયો ?’
પેલી બાજુ વરરાજા શ્રી ચીમન કુમારની શી દશા હતી ?
ગામડાનાં અંતરિયાળ રસ્તા ઉપર ઉનાળાની બપોરે વાહનો તો સાવ રડ્યાં ખડ્યાં દેખાતાં હોય… બિચારો ચીમન કુમાર એક હાથ વડે પેલી નાડું છૂટી ગયેલી સલવાર પકડીને બીજા હાથ વડે આંખો ઉપર નેજવું કરીને દૂર દૂર સુધી જુએ છે કે ‘કોઈ વાહન આવતું દેખાતું છે કે ?’
આખરે દૂરથી એક ઘરડા કાકા પોતાની ખખડધજ સાઈકલ પર આવતા દેખાયા ! ચીમન કુમાર તો જાણે ધસમસી આવતી ટ્રેનને પોતાના જીવના જોખમે રોકવા ઊભો હોય તેમ બને હાથ પહોળા કરીને સાઈકલના માર્ગમાં ધસી ગયો ! (પેલું નાડું જાય તેલ લેવા !)
સાઈકલવાલા કાકા પણ ડઘાઈ ગયા ! પરંતુ વરરાજાની આંખે આવી ગયેલાં ઝળઝળિયાં જોઈને એમનું દિલ પીગળી ગયું. એમણે કહ્યું ‘ટાંકલ ગામે જવા હારુ તને રાનકુવા ફાટકથી બસ મલી જહે. ચાલ, બેહી જા.’
પણ બેસે ક્યાં ? ખખડેલી સાયકલની પાછળ કેરિયર પણ નહોતું ! છેવટે, જે વરરાજા કમ સે કમ એક સુંદર ઘોડીને લાયક હતો, તેણે સાયકલના કાલા, કાટ ખાધેલા ડંડા ઉપર સવારી કરવી પડી !
પેલી બાજુ લગ્નમંડપની બહાર ઊભેલી જાનની મદદ કરવા બે મોટરસાઈકલધારી જુવાનોની ‘સર્ચ-ટીમ’ મોકલવામાં આવી ! પણ એ તો અડધા જ કલાકમાં પાછી આવી : ‘એની બેનને… આખા રસ્તે હોધી વઈળા, વરરાજાનો કેથે (કોઈ ઠેકાણે) પત્તો નીં મલે !’
તે મળે પણ ક્યાંથી ? કેમ કે તલાશી એ રૂટ ઉપર લેવાઈ રહી હતી જે શોર્ટ-કટ હતો ! જ્યારે વરરાજા તો બિચારો ગુજરાત એસટી નિગમના ઓફિશીયલ રૂટ વડે આવવા નીકળ્યો હતો !
છેવટે, પેલી ‘ટાઈમસર’ આવનારી એસટી બસ (જે પોણો કલાક પછી રાનકુવા ફાટકે પહોંચી હતી) અને તેમાં ખાલી ખિસ્સે ચડેલા ‘ખુદાબક્ષ’ મુસાફરને, કંડકટરની ભલમનસાઈના સધિયારે ‘વિધાઉટ ટિકીટ’ ટાંકલ ગામના સ્ટોપે ઉતારવામાં આવ્યો… ત્યારે તે બિચારો હજી કમર પરથી નીચે લપસી પડતી સલવારને બચાવવા માટે એક હાથ વડે ઝઝૂમી રહ્યો હતો !
ખેર, જ્યારે વરરાજા શ્રી ચીમન કુમાર સાવ ‘બિસ્માર’ હાલતમાં કન્યાના માંડવે પહોંચ્યા ત્યારે એમણે ‘દહેજ’ની આગોતરી માગણી કરતાં સસરાજીને કહ્યું કે ‘પેલ્લાં મને એક નાડાવાળી સલવાર લાવી આપો !’
હવે જોધપરી કોટ સાથે ‘મેચિંગ’ થાય એવી સલવાર તો આ ટાંકલ ગામમાં ક્યાંથી મળે ? છેવટે વરરાજાએ ઇસ્ત્રી કરેલા સફેદ પાયજામા વડે કામ ચલાવી લેવું પડ્યું…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment