એક સરસ બોધકથા છે.
બી.એસસી. (ફિઝિક્સ)ના ફાઈનલ યરના ક્લાસમાં એક પ્રોફેસર આવે છે. એમના હાથમાં એક મોટી પારદર્શક બરણી છે.
પ્રોફેસર એ બરણીમાં વારાફરતી નાના નાના પિંગપોંગ બોલ નાખે છે. આખરે ૧૦-૧૨ બોલ નાંખ્યા પછી હવે વધુ એકપણ બોલ ન નાખી શકાય એવી સ્થિતિ આવતાં પ્રોફેસર સ્ટુડન્ટોને પૂછે છે :
‘શું આ વાસણ ફૂલ થઈ ગયું ?’
સ્ટુડન્ટો કહે છે : ‘હા’.
હવે પ્રોફેસર એમના ઝોલામાંથી થોડા કાંકરા અને લખોટીઓ કાઢે છે ! ધીમેધીમે બરણી હલાવીને એ કાંકરા અને લખોટીઓ પણ બરણીમાં ઉતારી દે છે ! પ્રોફેસર ફરી પૂછે છે :
‘હવે આ વાસણ ફૂલ થઈ ગયું ?’
સ્ટુડન્ટો માથાં હલાવીને કહે છે : ‘હા. હવે ફૂલ છે.’
ત્યાં તો પ્રોફેસર ઝોલામાંથી રેતી કાઢે છે ! ધીમે ધીમે એ બરણીમાં રેતી નાંખવા લાગે છે !
સ્ટુડન્ટો ચકિત થઈને જોઈ રહ્યા છે ! બરણીને હલાવવાથી ખાસ્સી એવી રીતે અંદર ઉતરી જાય છે. હવે પ્રોફેસર પૂછે છે : ‘હવે તો બરણી ફૂલ થઈ ગઈ ને ? હવે તો અંદર જગ્યા નથી બચી ને ?’
સ્ટુડન્ટો તો દંગ થઈ ગયા છે ! બધા કહે છે ‘હા સર ! હવે તો અંદર જરાય જગ્યા નથી.’
ત્યાં તો પ્રોફેસર ઝોલામાંથી પાણીની બાટલી કાઢે છે : હવે સ્ટુડન્ટો છોભીલા પડીને માથાં ખંજવાળે છે. પ્રોફેસર બરણીમાં પાણી ભરતા જાય છે.... પછી પૂછે છે ‘બોલો, હવે ?’
સ્ટુડન્ટો માની જાય છે ! ‘સર, કહેવું પડે હોં ?’
આના પછી ફિઝિક્સના પ્રોફેસર બોધ આપે છે કે… ‘આપણું જીવન પણ આવું જ છે. મોટાં મોટાં બે ચાર કામ કરીને આપણે માની લઈએ છીએ કે આપણું કામ પુરું થયું પરંતુ એવું નથી… વગેરે વગેરે…’
***
જોકે આખી વારતામાં ખરેખર સમજવા જેવું શું છે, ખબર છે ?
- એ જ કે બી.એસસી. (ફિઝિક્સ)ના ફાઈનલ યરમાં પહોંચ્યા પછી પણ આજના સ્ટુડન્ટોમાં ફિઝિક્સ વિશે જરાય અક્કલ હોતી નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment