માનવા જેવા માણવાલાયક ફેક-ન્યુઝ !


આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એવી એવી ઘટનાઓ બની રહી છે કે ‘ફેક-ન્યુઝ’ પણ સાચા લાગે ! એમાં વળી અમુક તો ખરેખર મનોરંજક પણ હોય છે ! સાંભળો…

*** 

એક અનોખા સમાચાર આવી રહ્યા રાજકોટથી… સૂત્રોના કહેવા મુજબ અહીં એક કોલેજના વિદ્યાર્થીઓએ એક આખા બાંધકામની દિવાલોને માવાના થૂંક વડે રંગી નાખી છે !

તમને જણાવી દઈએ કે આ યુવાનો હવે ગિનિસ બુકમાં તેમનો રેકોર્ડ નોંધાવવાનું વિચારી રહ્યા છે !

જો દિવાલોની વાત કરવામાં આવે તો તે એક કોલેજના કમ્પાઉન્ડમાં બંધાઈ રહેલા નવા ટોઈલેટની છે ! જેની ઉપર હજી કલરકામ બાકી હતું…

કોલેજના ટ્રસ્ટીને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ આ જ રીતે યુવાપેઢીને તક આપીને નવી લાયબ્રેરીમા પણ કલરકામનો ખર્ચો બચાવવાનું વિચારી રહ્યા છે…

*** 

વધુ એક અનોખા સમાચાર આવી રહ્યા છે મહેસાણા જિલ્લાના નાંદરખા ગામેથી… સૂત્રોના કહેવા મુજબ અહીં એક આખેઆખી નકલી બેંક ચાલી રહી હતી. જેની ઉપર નકલી સીબીઆઈની ટીમે નકલી છાપો માર્યો હોવાની ઘટના બહાર આવી છે !

જો નકલી બેંકના વહીવટની વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે અહીં ખાતેદારોની જે રકમ જમા લેવામાં આવતી હતી તે તો અસલી નોટો હતી પરંતુ જે રકમ બેંક દ્વારા ઉપાડમાં ચૂકવાતી હતી તે તમામ નોટો નકલી હતી !

આખા મામલામાં ઊંડા ઉતરતાં જાણવા મળ્યું હતું કે બંને નકલી પાર્ટીઓમાં હાથોહાથની મારામારી ફાટી નીકળતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

પોલીસે તત્કાલિક ત્યાં ધસી જઈને મામલો થાળે પાડ્યો હતો પરંતુ તમને જણાવી દઈએ કે મામલામાં વધુ ઊંડા ઉતરતાં જાણવા મળ્યું હતું કે તે પોલીસ પણ નકલી હતી !

નકલી બેન્કના નકલી મેનેજરને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે નકલી પોલીસવાળા તોડબાજી કરીને જે પાંચ લાખની રોકડ રકમ લઈ ગયા છે તેમાં અસલી નોટો કેટલી અને નકલી નોટો કેટલી તેની જો આરટીઆઈ થશે તો જ માહિતી આપવામાં આવશે.

ત્યાં સુધી જોતા રહો… માનવા જેવા ફેક ન્યુઝ !

***

- મન્નુ શેખચલ્લી

Comments