ટ્રમ્પના હૂકમોના દેશી પ્રત્યાઘાત !

વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાંની સાથે જ જે ડઝનબંધ ઓફિશીયલ ઓર્ડરો ઉપર સહી કરી છે તેના આખી દુનિયામાં જબરદસ્ત પ્રત્યાઘાત પડ્યા છે. જોકે અમુક દેશી પ્રત્યાઘાતો ‘ઓન-ઓફિશીયલ’ પણ છે ! જુઓ…

*** 

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે ‘મેક્સિકન ગલ્ફ’નું નામ બદલીને ‘અમેરિકન ગલ્ફ' કરવામાં આવશે.

- આ સાથે જ આદિત્યનાથ યોગીએ કહ્યું હતું કે ‘સ્થળોના નામ બદલવાનો કોપીરાઈટ મારો છે. મારો આઈડિયા વાપરવા બદલ ટ્રમ્પ સાહેબે મને ક્રેડિટ આપવી જોઈએ !’

- દિલ્હીના એક મૌલવીએ યોગીને પડકાર આપતાં જણાવ્યું હતું કે ‘નામો તો અમે ૩૦૦ વરસ પહેલાં બદલી નાંખ્યાં છે. હવે અમે પણ હિન્દ મહાસાગરનું નામ બદલીને ‘વકફ મહાસાગર’ કરી નાંખીશું !’

*** 

ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી જાહેરાત એવી કરી છે કે હવે અમેરિકામાં બે જ ‘જેન્ડર’ રહેશે… મેલ અને ફિમેલ.

- આ સાંભળીને ગુડગાંવમાં ઇંગ્લીશ સ્પીકીંગ કોર્સ કરી રહેલા કલ્લુએ કહ્યું હતું કે ‘યે ક્યા બાત હુઈ ? ક્યા અબ ઇંગ્લીશ મેં ‘શી ઇઝ અ ચેર’ ઔર ‘હિ ઇઝ અ સ્ટુલ બોલના પડેગા ?’’

*** 

ચાર વરસ પહેલાં વોશિંગ્ટનના કેપિટલ હિલ ઉપર જે ૧૫૦૦ જેટલા ટ્રમ્પના સપોર્ટરોએ તોડ-ફોડ મચાવી હતી તે તમામ આરોપીઓને ટ્રમ્પે ‘માફી’ આપી દીધી છે.

- આ મુદ્દે મમતા બેનરજી બોલ્યાં હતાં કે ‘હમરા વ્હેસ્ટ બેંગાલ મેં અઇસા માફી દેને કા સવાલ હી નહીં હાય, ક્યું કિ ઇધાર હમ એફઆઈઆર હી નહીં હોને દેતા !’

- એ જ રીતે બાંગ્લાદેશના મહંમદ યુનુસે કહ્યું કે ‘માફી ? હિન્દુઓ ઉપર હુમલા બદલ અમે તો ઇનામ આપવાના છીએ !’

- ઓલ ઇન્ડિયા ટપોરી-ગુંડા એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ‘કાશ ! ભારતમાં પણ અમેરિકા જેવી ‘લોકશાહી’ સરકારો હોય તો કેટલું સારું !’

*** 

અને છેલ્લે, ટ્રમ્પે મેક્સિકોની સરહદ ઉપર ‘નેશનલ ઇમરજન્સી’ જાહેર કરી છે એ ન્યુઝ અડધાં-પડધાં સાંભળતાં જ…

- કંગના રાણાવતે જાહેર કર્યું હતું કે ‘જુઓ ! મારી લેટેસ્ટ ફિલ્મની તો સિકવલ પણ આવી રહી છે ! બોલો.’

***

- મન્નુ શેખચલ્લી

Comments