ગુજરાત સમાચારના મોટા ભાગના વાચકો ‘દાદા’ બની ચૂક્યા છે. (ઉંમરની વાત છે, તમારો કેટલો પ્રભાવ પડે છે એની નહીં) પરંતુ દાદા કે દાદી બની ચૂકેલા એ લોકોને ખબર જ ક્યાં છે કે જેનાં બાળકો મોંઘી સ્કુલોમાં ભણવા જાય છે એમના પપ્પાઓની શી હાલત છે ? સાંભળો એક પપ્પાની વ્યથા…
***
‘બાપ’ બનવાની મારી આખી ‘ફીલિંગ’નો ભૂક્કો થઈ ગયો છે… લોકો કહેતા હતા કે ‘જ્યારે તમારું સંતાન તમારી આંગળી પકડીને ચાલતું હશે ત્યારે… આહાહા….’
અરે ધૂળ આહાહા ? સ્કૂલમાં જાય છે મારું બાળક, પણ ‘પરીક્ષા’ રોજ મારી થાય છે !
***
ઓફિસથી થાક્યો પાક્યો રાત્રે આઠ વાગે ઘરે આવું છું ત્યારે દરવાજો ખોલતાંની સાથે જ મારો બાબો હાથમાં નોટબુક્સ લઈને ઊભો હોય છે : ‘પપ્પા, હોમવર્ક કરાવી દો !’
યાર, પચ્ચીસ વરસ પહેલાં હું જે ભણીને ભૂલી ગયો હતો એ હવે મારે ફરીથી ભણવાનું છે ?
***
મેં કોલેજમાં ડીગ્રી માટેની છેલ્લી પરીક્ષા આપી હતી ત્યારે થતું હતું કે ‘હાશ ! આખરે છૂટ્યા આ એક્ઝામો, માર્કસો અને પરસેન્ટેજની ડાકણોથી !’ પણ ના, હવે મારી રોજ ‘એકઝામ’ થાય છે ! જેમાં મારું બચ્ચું મને કહે છે ‘પપ્પા, તમને આટલું પણ નથી આવડતું ?’
ઉપરથી મારી પત્ની ટોણા મારે છે : ‘બેટા, તારા પપ્પા તો જિનિયસ છે ! એ તો આજકાલ બદામપાક નથી ખાતા ને, એટલે !’
***
સારી જોબ લેવા માટે મેં બે ડઝન ઇન્ટરવ્યુ આપ્યાં હશે, ત્યારે હું જરાય નર્વસ નહોતો. પણ સ્કુલમાં ‘પેરેન્ટ્સ મિટિંગ’ પહેલાં મારા ટાંટિયા ધ્રુજવા લાગે છે !
નોકરીના ઇન્ટરવ્યુમાં પૂછતા હતા ‘તમને શું આવડે છે ?’ અહીં સ્કુલમાં પૂછે છે ‘તમારા બાળકને કેમ કંઈ આવડતું નથી ?’
***
ક્યારેક લાગે છે કે સંતાનને ભણાવવું એ એક મોટું ‘જોઈન્ટ વેન્ચર’ છે ! જેમાં એક તરફ આખી સ્કૂલનો સ્ટાફ છે અને બીજી તરફ માત્ર હું અને મારી પત્ની !
જેમાં પુરેપુરં ‘ઇન્વેસ્ટમેન્ટ’ અમારું છે છતાં ‘બોસ’ તો સ્કુલવાળા જ છે !
***
ક્યારેક એવું પણ લાગે છે કે આ નવું ભણતર એક ‘ટીમ-વર્ક’ છે. જેમાં મારી પત્ની અચાનક ‘અંપાયર’ બની જાય છે !
એ કહે છે : ‘તમારે લીધે બિચારું છોકરું નાપાસ થશે ! ધ્યાન ક્યાં છે તમારું ?’
***
અને હા, આ ‘ટીમ-વર્ક’ માત્ર ઘર પુરતું નથી. આગળ જતાં તો આખેઆખાં ‘કોચિંગ સેન્ટરો’ આવવાનાં છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment