લા-જવાબ ટીમ સિલેક્શન !

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમનું જે સિલેક્શન થયું છે તે લાજવાબ છે ! ચતુરાઈથી ભરપૂર છે ! સ્ટ્રેટેજીમાં બેસ્ટ છે ! અને ટોટલ લોંગ ટર્મ પ્લાનિંગથી વિચારેલું છે ! કઈ રીતે ? જુઓ…

*** 

રોહિત શર્મા
આ માણસ આટ આટલાં અપમાનો છતાં રિટાયર થતો નથી ! એટલે હવે એને ઝખ મારીને જવું જ પડે એવું પ્લાનિંગ થયું છે… શી રીતે ?

વિરાટ કોહલી
કહેવત છે ને, ‘ઘર કા ભેદી લંકા ઢાવે !’ આના માટે રોહિતનો છૂપો દુશ્મન સતત ફ્લોપ જતો હોવા છતાં ધબડકાને ધક્કો મારવા માટે ટીમમાં હોવો જરૂરી છે.

શુભમન ગિલ
એ હેન્ડસમ છે, ફોટા સારા આવે છે, ફોર્મમાં તો છે જ નહીં, છતાં મુંગે મોઢે બલિનો બકરો બની શકે એવો બીજો વાઈસ કેપ્ટન છે જ ક્યાં ?

કે એલ રાહુલ
મેદાન ઉપર આ ભાઈ અડધો ઊંઘમાં હોય છે અને મેદાનની બહાર મોંમાં મગ ભરી રાખે છે. આનાથી સારું મુંગું-બહેરું-નકામું પૂતળું ક્યાંથી મળે ? અને હા, ફોર્મમાં પણ નથી ! પરફેક્ટ ચોઈસ.

શ્રેયસ ઐયર
આ પણ મગનું નામ મરી ન પાડે એવી માયા છે ! ડોમેસ્ટિક ક્રિકેટમાં એના કરતાં જુનિયર બેટસમેનો ચાર ચાર સદીઓ નોંધાવી ચૂક્યા છે અને સાવ નવા સવા બોલરોએ આ ભાઈની વારંવાર ઝિરોમાં વિકેટ લીધી છે ! અગેઈન પરફેક્ટ ચોઈસ !

રિષભ પંત
આ ખેલાડી બુકીઓનો ફેવરીટ છે ! કેમકે ધૂંવાધાર બેટિંગ કરતાં કરતાં એ અચાનક ખરાબ શોટ મારીને આખી બાજી પલ્ટી શકે છે ! અને હા, મોંઘાભાવની ટિકીટો લઈને આવેલા ભારતીય ઓડિયન્સનું થોડું ‘મનોરંજન’ પણ કરવું પડશે ને ?

યશસ્વી જયસ્વાલ
આ બાબલાને માત્ર એટલા માટે રાખવો પડે છે કે જેથી લોકોને લાગે કે હા, કોઈ ‘ક્રિકેટ’ તો રમી રહ્યું છે !

મહંમદ શમી
શમીનું પણ એવું જ છે ! બિચારા કોમેન્ટેટરોને વખાણ કરવા માટે કોઈ તો ખેલાડી જોઈશે ને ? (કેમ કે બુમરાહનું તો નક્કી નથી.)

***

- મન્નુ શેખચલ્લી

Comments