૨૦૨૪ના ઇન્ટરનેશનલ સવાલો !

અમારામાં તો એટલી બુદ્ધિ નથી કે અહીં બેઠાં બેઠાં અન્ય પત્રકારોના લેખો વાંચીને અમને ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે ! (કેમકે અન્ય પત્રકારો પણ અહીં બેઠાં બેઠાં જ બધું લખે છે.)

એટલે સ્વાભાવિક છે કે અમારા સવાલોમાં અક્કલ ઓછી અને બાઘાઈ વધારે હોવાની ! છતાં વાંચો…

*** 

યાર, પેલા ટ્રમ્પનો કાન ગોળીથી વીંધાઈ ગયો પછી એકેય ફોટામાં એના કાનમાં કાણું પડ્યું હોય, કાપો પડ્યો હોય કે ઇવન ‘સાંધો’ મારેલો હોય એવું કેમ દેખાતું નથી ? પૂછતા હૈ ભારત…

*** 

કમલા હેરિસે ઉમેદવારી નોંધાવી એ સાથે જ એને જે કરોડો ડોલરનું ચૂંટણી ફંડ મળવાના ન્યુઝ આવતા હતા… તો એમાંથી કેટલા વપરાયા ? અને કેટલા વધ્યા ? કોઈ હિસાબ કેમ નથી માગતું ? પૂછતા હૈ ભારત…

*** 

પેલો ખાલિસ્તાની પન્નુ કેનેડામાં બેઠો બેઠો ભારતનાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ખુલ્લેઆમ આપ્યા કરે છે તો કેનેડાની પોલીસ કેમ કંઈ એક્શન લેતી નથી ? અને એકેય ધમકી સાચી પડી નથી ! તો કમ સે કમ અફવા ફેલાવવાનો ગુનો તો લાગુ પડે કે નહીં ? પૂછતા હૈ ભારત…

*** 

રશિયા સાથે યુદ્ધ શરૂ થયા પછી યુક્રેનના ૩૦ ટકા લોકો તો દેશ છોડીને ભાગી ગયા છે. તો યુક્રેનની પ્રજાને ‘બહાદુર’ કયા હિસાબે ગણવામાં આવી રહી છે ? પૂછતા હૈ ભારત…

*** 

અચ્છા, ૨૦૧૪માં ભારતનું અર્થતંત્ર દુનિયામાં સાતમા નંબરે હતું, આજે પાંચમા નંબરે છે… તો બોસ, એ દરમ્યાન વચમાં ડોલર સામે ભારતનો રૂપિયો ‘ઉંચકાયો’ જ નહીં ? એવું કેવું ? પૂછતા હૈ ભારત…

*** 

અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધા પછી જો ત્યાં બની રહેલા ડ્રગ્સ ઉપર તાલિબાનો હવે કોઈને કમિશન નથી ચૂકવી રહ્યા… તો બોસ, ડ્રગ્સના ભાવ ઘટતા કેમ નથી ? પૂછતા હૈ ભારત કા ચરસી…

*** 

અને છેલ્લે, આ ‘ફોરેન લિકર’ બાબતે ભારત ક્યારે ‘આત્મનિર્ભર’ બનશે ? પૂછતા હૈ ભારત કા ગુજરાતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments