તમે માર્ક કરજો, અમુક ફિલ્મી હસ્તિઓ એમના પોતાના ચોક્કસ સમયખંડમાં ‘ફ્રીઝ’ થઈ ગયા છે ! આખો જમાનો બદલાઈ ગયો પણ એ લોકો હજી ત્યાં જ ચોંટી રહ્યા છે ! દાખલા તરીકે…
***
મુકેશ ખન્ના યાને કે શક્તિમાન ! આ વડીલમાં હવે એ ‘શક્તિ’ પણ નથી રહી અને પહેલાં જેવું ‘માન’ પણ નથી મળતું. છતાં હજી એ ‘દૂરદર્શન’ વડે છેક ૩૦-૩૫ વરસ દૂરના ભૂતકાળને જ વાગોળ્યા કરે છે !
***
બીજી એક છે તે ‘ટોપીબાજ’ છે ! મતલબ કે આટલા વરસોમાં એમની ટોપીઓ જ બદલાતી આવી છે ! બાકી એમનાં ગાયનોની રેકોર્ડો પણ ઘસાઈ ચૂકી છે. એ છે… હિમેશ રેશમિયા ! અને હા, ચેતતા રહેજો… એ ટુંક સમયમાં હિરો તરીકે ત્રાટકવાના છે !
***
એક જમાનામાં જિનિયસ ડીરેક્ટર ગણાતા રામગોપાલ વર્મા આજકાલ બિચારા ચર્ચમાં રહેવા માટે જે વિચિત્ર હરકતો કરે છે એ જોઈને દયા આવે છે. એક વિડીયોમાં તો આ ભાઈ કોઈ સુંદરીના પગ ચાટતા દેખાયા છે ! અરેરે…
***
એવી જ એક ‘ફ્રોઝન’ અભિનેત્રી છે… કંગના રાણાવત ! એ બહેન હજી એ હકીકત સ્વીકારવા જ તૈયાર નથી કે બેન, તમારી ઉપર ‘ઇમરજન્સી’ લાગી ગયાને છ-સાત વાર થઈ ગયાં ! છતાં એમનો વીસ મુદ્દાનો કાર્યક્રમ માત્ર એક જ મુદ્દાનો રહી ગયો છે : ‘હું…. હું… અને હું !’
***
આ બધાં જુનાં કાટલામાં એક બાબલો પણ છે ! એનું નામ છે… ટાઇગર શ્રોફ ! બિચારો જ્યારથી ફિલ્મોમાં આવ્યો છે ત્યારથી માત્ર હવામાં ગુલાંટો જ ખાય છે ! બાર શબ્દથી લાંબો ડાયલોગ હોય તો બોલવાના ફાંફાં પડી જાય છે અને ચહેરા ઉપર છેલ્લાં દસ વરસમાં દસ એક્સ્પ્રેશનો પણ દેખાયા નથી !
***
ફ્રોઝન એક્સ્પ્રેશનની વાત આવે તો એક એક્ટરને કોઈ ના પહોંચી શકે. એ છે… જ્હોન અબ્રાહમ ! છેક ૨૦૦૩થી એના ચહેરા ઉપર જે થીજી ગયેલું એક્સ્પ્રેશન છે તે એક જ છે… કબજિયાતથી પીડાઈ રહેલા દરદી જેવું !
***
આમાં છેલ્લે બે ફિલ્મી કવિઓને પણ ગણી લો… જાવેદ અખ્તર અને ગુલઝાર ! એમની નવી કવિતાઓ તો સોશિયલ મિડીમાં બીજા લોકો લખે છે, બાકી આ કવિઓ પાસે એક જ કામ છે… જુનું યાદ કરવાનું અને નવાની ટીકાઓ કર્યા કરવાની !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment