ઉત્તરાયણની ધાબા ચેતવણીઓ !

આજે ઉત્તરાયણ છે, અમદાવાદીઓ અને સુરતીઓના દિમાગ આજે હાઈ-ફ્રીકવન્સીમાં રહેવાનાં છે. એ સિવાયનાં શહેરોમાં પણ ઉત્તરાયણના ચઢાણ ધાબાં તરફ જ રહેવાનાં છે. પરંતુ અમુક ચેતવણીઓ અત્યારથી જ સમજી લેવાની જરૂર છે ! જુઓ...

*** 

ચેતવણી (૧)
ગઈકાલે જેણે ધાબાની સાફસફાઈમાં કોઈ જાતની મદદ કરી નથી એમની ફિરકી પકડવામાં આવશે નહીં. એમની પતંગને છૂટ પણ આપવામાં આવશે નહીં.

*** 

ચેતવણી (૨)
ગઈકાલે જેણે પતંગની કિન્નાઓ બંધાવવામાં મદદ કરી નથી, એમને પણ ઉપર લખેલી સજાઓ ભોગવવાની રહેશે. (ખાસ નોંધ : સુંદર છોકરીઓને આ લાગુ પડતું નથી.)

*** 

ચેતવણી (૩)
ધાબે ગોઠવેલી મ્યુઝિક સિસ્ટમમાં કયાં ગાયનો વાગશે તેનું પ્લે-લિસ્ટ બહુમતીથી ફાઈનલ કરી લેવાનું રહેશે. ચાલુ ઉતરાણે ગાયનો કાપી કાપીને બીજું ગાયન શોધવામાં ડઝનબંધ ગાયનોને દસ-દસ સેકન્ડ માટે વગાડીને દિમાગની કઢી કરવી નહીં.

*** 

ચેતવણી (૪)
મોબાઈલનું ચાર્જિંગ પહેલેથી ફૂલ કરીને રાખવું. રીલ્સ બનાવતાં બનાવતાં બેટરી ઉતરી જાય તો બીજાની પાવર બેન્કમાંથી ભીખ મળશે નહીં.

*** 

ચેતવણી (૫)
આ બહુ ઇમ્પોર્ટન્ટ છે… ‘મારાવાળી કઈ’ અને ‘તારાવાળી કઈ’ એવી ચર્ચાઓ માત્ર પતંગ અને ફીરકી બાબતે જ ચલાવી લેવામાં આવશે.

*** 

ચેતવણી (૬)
જે વ્યક્તિ માત્ર ઉંધીયું, ચીકી અને અન્ય ધાબાંની સુંદરીઓમાં જ રસ લેતો જણાશે અને છૂટ અપાવવા કે ફીરકી પકડવામાંથી છટકી જતો જણાશે તેને તાત્કાલિક ધોરણે ધાબું છોડી જવાની ફરજ પાડવામાં આવશે.

*** 

ચેતવણી (૭)
પોતાનાં પિપૂડાં જાતે જ લાવવાં ! શક્ય હોય તો પોતાના નામનું સ્ટિકર મારી દેવું ! બીજાનાં એંઠાં પિપૂડાં વગાડનારને ‘ધાબા-નિકાલ’ કરી દેવામાં આવશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments