ધ 'આર્ટ' ઓફ મ્યુનિસિપાલિટી !

ગુજરાતમાં ૯ નવી મ્યુનિસિપાલિટીઓ બની ગઈ છે. બધા હરખાઈ રહ્યા છે. પણ એમને ખબર નથી કે મ્યુનિસિપાલિટીઓ તો મહાન ‘કલાકાર’ જેવી હોય છે !
માન્યામાં નથી આવતું ? તો વાંચો…

*** 

દરેક કલાકારની જેમ મ્યુનિસિપાલિટીનાં કર્મચારીઓ પણ બહુ જ ‘મૂડી’ હોય છે !

દિવસોના દિવસો સુધી કચરાનો ઢગલો થવા દે છે… કેમ ? અરે, કેટલું જોરબાર એબસ્ટ્રેક્ટ આર્ટ લાગે છે !

*** 

પછી એકાદ દિવસ મૂડ આવશે ત્યારે જ્યાં ને ત્યાં ખોદકામ ચાલુ કરી નાંખશે !

પછી અચાનક મૂડ જતો રહેશે…
મહિનાઓ સુધી એ ‘પીસ ઓફ આર્ટ’ પુરું જ નહીં થાય !

*** 

પછી અચાનક એ કલાકારોનો મૂડ આવશે ! ધનાધન રોડ બની જશે ! રાતોરાત !

તમને થશે કે વાહ ! ચમત્કાર થયો ?
ના ! એ તો એમનું ‘એક્ઝિબિશન’ જોવા માટે દીલ્હીતી કોઈ વીઆઈપી આવવાના હતા ને, એટલે !

ભઈ, ‘કલાકારો’ની કદર કંઈ મારા તમારા જેવા મામૂલી નાગરિકોને થોડી હોય ? એ તો વીઆઈપી જ કદર કરી જાણે !

*** 

બીજા શહેરોની મ્યુનિસિપાલિટીઓ બ્રિજ બનાવે છે ! પણ અમદાવાદની મ્યુનિસિપાલિટી તો ‘સ્કલ્પચર’ બનાવે છે, ‘સ્કલ્પચર’ !

એ પણ જેવાં તેવાં નહી ! જુઓ પેલો હાટકેશ્ર્વરનો બ્રિજ ? આજે એને તોડવાની તો શું હાથ લગાડવાની કોઈ હિંમત નથી કરતું ! એ તો હવે ‘મોન્યુમેન્ટ’ છે…

કેમકે મ્યુનિસિપાલિટીના ઉચ્ચ પદે તો મહાન ‘કલાકારો’ બેઠા છે !

*** 

મ્યુનિસિપાલિટીની કલા માત્ર સ્થિર અને સ્થૂળ નથી હોતી. એ તો વહેતી કલા છે !

ખાતરી ના થતી હોય તો ઉભરાતી ગટરો જોઈ લેજો…
એમાં અલગ અલગ ‘કલર્સ’ પણ હોય છે !

*** 

આ કલામાં કેટલું ‘ઊંડાણ’ છે તે જોવું હોય તો ચોમાસામાં પડતા ભૂવા જોઈ લેવા !

અથવા ચોમાસા પછી પણ સાવ સુક્કાં રહી ગયેલાં ઊંડા તળાવો જોઈ લેવાં…

*** 

અચ્છા તમારે ‘થ્રીડી ચિલ્ડ્રન-આર્ટ’ જોવું છે ? તો બોપલ-ઘુમાનો ફ્લાય-ઓવર જોઈ લેજો.

આખો ફ્લાય-ઓવર બાળકોને ક્રિકેટ રમવા માટે જ બનાવ્યો છે. કેમકે બ્રિજ પુરો થાય છે ત્યાં તો દિવાલ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments